ઉનાળાની ઋતુમાં વડીલો અને ડોકટરો દ્વારા વધારેમાં વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ઘરની બહાર હોઈ ત્યારે મોટા ભાગના લોકો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીતા હોય છે. જણાવી દઈએ કે આ પ્લાસ્ટિકની બોટલનું પાણી તમારા માટે હાનિકારક બની શકે છે. પ્લાસ્ટિકના નાના-નાના કણ આપણ સ્વાસ્થ્ય માટે ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે.
હાલમાં એક અભ્યાસ પરથી ચેતવણી આપવામાં આવી છે કે પ્લાસ્ટિકની બોટલનું પાણી મહિલાઓ માટે જોખમકારક છે.
રોમ ટોર વર્ગાટા યુનિવર્સિટીમાં બિસ્ટોલોજી અને ભ્રૂણવિજ્ઞાનના વિશેષજ્ઞ ડો. લુઈસા કૈંપગનોલોએ ચેતવણી આપી છે કે પ્લાસ્ટિકના નાના કણોને કારણે હ્યૂમન ટિશૂઝ જોખમમાં છે. અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું કે પ્લાસ્ટિકના માઈક્રો પાર્ટિકલ્સ માણસના બ્લડ સ્ટ્રીમ અને ગર્ભનાળમાં પણ જઈ શકે છે. તેથી જ વિશેષજ્ઞો દ્વારા કાચ કે મેટલની બોટલમાંથી પાણી કે અન્ય કોઈ પીણા પીવાની સલાહ આપવામાં આવી છે.
અમેરિકન એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સના વાર્ષિક સમ્મેલનમાં ઉંદર પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરથી જાણવા મળ્યું કે, પ્લાસ્ટિકના નાના કણો ગર્ભવતી મહિલાઓના ભ્રૂણને ખત્મ કરી દે છે. ડો. લુઈસા અનુસાર, એવા સંકેત પણ મળ્યા છે કે પ્લાસ્ટિકના કણો ભ્રૂણને ટાર્ગેટ બનાવે છે.
અભ્યાસ પરથી શું જાણવા મળ્યું ?
ન્યુ જર્સીની રુટગર્સ યુનિવર્સિટીના પર્યાવરણ અને નેનોસાયન્સ બાયોએન્જિનિયરિંગના નિષ્ણાત ડો. ફિલિપના જણાવ્યા અનુસાર પ્રાણીઓ પર કરવામાં આવેલ આ સંશોધન ખરેખર ચિંતાજનક છે. તેમના એક સંશોધન મુજબ, 24 કલાક પછી ગર્ભવતી પ્રાણીની નાળમાં માઇક્રો- અને નેનો-પ્લાસ્ટિક મળી આવ્યા હતા. આ પ્લાસ્ટિકના કણો ગર્ભના દરેક ભાગમાં પણ જોવા મળ્યા હતા. તેઓ કહે છે કે દરેક વ્યક્તિ દર અઠવાડિયે લગભગ 5 ગ્રામ માઈક્રો અને નેનો-પ્લાસ્ટિકનો વપરાશ કરે છે, જે ચિંતાજનક છે.
માઇક્રોપ્લાસ્ટિક્સ શું છે ?
માઇક્રોપ્લાસ્ટિક્સ 0.2 ઇંચ (5 મીમી) થી ઓછા વ્યાસવાળા પ્લાસ્ટિકના નાના ટુકડાઓ છે. આ સિવાય પ્લાસ્ટિકના કેટલાક સૂક્ષ્મ કણો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોવું શક્ય નથી. નિષ્ણાતોના અનુસાર, નિકાલ કરાયેલી પ્લાસ્ટિકની બોટલો તેમનો કણો છોડી શકે છે, ખાસ કરીને જ્યારે પ્લાસ્ટિક સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે. ડો. લુઈસા કહે છે કે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે કે પ્લાસ્ટિકની બોટલનું પાણી ન પીવામાં આવે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)