fbpx
Sunday, December 22, 2024

રંગ લગાવવાનો પણ નિયમ છે! જાણો, વિવિધ ઉંમરના લોકો સાથે રંગોત્સવ કેવી રીતે ઉજવવો?

ફાગણ વદ એકમના દિવસને , હોળી પ્રાગટ્યના બીજા દિવસને ધુળેટીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 8 માર્ચ, બુધવારના રોજ ઉજવાશે. તેને રંગોત્સવ પણ કહે છે. જેમાં લોકો એકબીજાને રંગબેરંગી ગુલાલથી રંગીને પર્વની ઉજવણી કરે છે. પણ, શું તમે એ જાણો છો કે આ રંગ લગાવવાના પણ કેટલાંક નિયમ છે ?

એટલે કે અલગ-અલગ ઉંમરની વ્યક્તિ સાથે એક જ રીતથી ધુળેટી ઉજવવી યોગ્ય નથી ! આવો જાણીએ કે તમારાથી મોટી ઉંમરની વ્યક્તિ, નાના બાળકો તેમજ જીવનસાથી સાથે આ રંગોત્સવની ઉજવણી કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

વડીલો સાથે રંગોત્સવ

તમારા ઘરમાં જો વડીલ હોય અને તે ખૂબ જ ઉંમરલાયક તો તેમની સાથે રંગોત્સવ રમતી વખતે ખાસ વાત ધ્યાનમાં રાખો. રંગોત્સવએ ખુશીઓના આદાન-પ્રદાનનો અવસર છે. એટલે સૌથી પહેલાં તમારા વડીલને પગે લાગો અને તેમને પગમાં જ રંગ લગાવો. ત્યારબાદ તેમના મસ્તક પર તિલક કરીને તેમના આશીર્વાદ મેળવો. કહે છે કે તમારે તમારાથી મોટી વ્યક્તિને, એટલે કે નાના-નાની, દાદા-દાદી, માતા-પિતા કે મોટા ભાઈ-બહેનને પીળો રંગ લગાવીને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. તે ખૂબ જ શુભ મનાય છે. પીળો રંગ એ પોતાની મોટી વ્યક્તિ તરફની શ્રદ્ધા અને વિશ્વાસને અભિવ્યક્ત કરવાનું માધ્યમ મનાય છે.

નાની ઉંમરની વ્યક્તિ સાથે રંગોત્સવ

જો તમારાથી નાની ઉંમરની કોઈ વ્યક્તિ અથવા તો ઘરના બાળકો તમારી સાથે હોળી રમવા માંગે છે, તો સૌથી પહેલાં એની પાસે તમે રંગ લગાવડાવો. ત્યારબાદ તેને તિલક કરીને તેના ગાલ પર રંગ લગાવો અને પછી તેને ભેટીને વહાલની અભિવ્યક્તિ કરો. જો તમારાથી નાની ઉંમરની વ્યક્તિથી પૂર્વે કોઈ ભૂલ થઈ હોય તો રંગોત્સવના દિવસે તેને રંગ લગાવીને માફ કરી દેવું જોઈએ. કારણ કે હોળી, ધુળેટી એ ભૂલોને માફ કરીને જીવનમાં આગળ વધવાનો અવસર છે. એક માન્યતા અનુસાર આપણાંથી ઉંમરમાં નાની વ્યક્તિને લીલો રંગ લગાવવો જોઈએ. સનાનત પરંપરામાં લીલો રંગ એ સંપન્નતાનું પ્રતિક મનાય છે.

જીવનસાથી કે પ્રેમી-પ્રેમિકા સાથે રંગોત્સવ

જેમની સાથે પ્રેમસંબંધ છે અથવા તો જે તમારા જીવનસાથી છે, તેમની સાથે પ્રેમની અભિવ્યક્તિ કરવા તમારે લાલ, ગુલાબી કે કેસરી રંગનો પ્રયોગ કરવો જોઈએ. માન્યતા અનુસાર આ રંગોના પ્રયોગથી પ્રેમ સંબંધ ગાઢ બને છે અને દાંપત્યજીવનમાં ખુશીઓ આવે છે.

કયા રંગોથી રહેશો દૂર ?

સનાતન પરંપરામાં રંગોત્સવને ખુશીઓનો અને ઉમંગનો પર્વ માનવામાં આવે છે. તે મનની કડવાશને દૂર કરી દે છે. એટલે આ ઉત્સવ પર એવું કોઈપણ કામ ન કરવું જોઈએ કે જેનાથી તમે તમારા સ્વજનોથી જ દૂર થઈ જાવ. એ જ રીતે કાળો રંગ અશુભનું પ્રતિક મનાય છે. એટલે, હોળીના અવસર પર ભૂલથી પણ કોઈને કાળા રંગથી ન રંગવું જોઈએ. મજાકમાં પણ રંગોત્સવમાં કાળા રંગનો પ્રયોગ ન કરવો જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles