ઘરના રસોડામાં માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી બંન્નેનો નિવાસ મનાય છે. કહે છે કે, તમે ઘરના રસોડા સંબંધી કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા, તો તમારે દેવી અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી બંન્નેની નારાજગી સહન કરવાનો વારો આવે છે. ત્યારે આવો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનું રસોડું કેવું હોવું જોઈએ ?
અને સાથે જ, રસોઈ બનાવતા પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?
રસોડું અને વાસ્તુશાસ્ત્ર
⦁ જો આપનું રસોડું દક્ષિણ-પૂર્વ કે સાઉથ-ઇસ્ટમાં ન હોય તો આ દિશામાં એક લાલ રંગનો નાનો બલ્બ હંમેશા ચાલું જ રાખવો. તેનાથી આપને આ દિશાના વાસ્તુદોષમાં રાહત મળશે.
⦁ એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી કે આપના રસોડામાં સૂર્યપ્રકાશ યોગ્ય પ્રમાણમાં આવવો જોઇએ. કુદરતી અજવાસ રસોડામાં રહેવો જ જોઇએ.
⦁ રસોડાનું નિર્માણ એ રીતે થયેલું હોવું જોઈએ કે જ્યારે તમે જમવાનું બનાવો ત્યારે તમારું મુખ પૂર્વ દિશા તરફ રહે.
⦁ રસોડામાં આગ અને પાણી સાથે ન હોવા જોઈએ. એટલે બંન્ને એકબીજાની ખૂબ જ નજીક ન હોવા જોઈએ.
⦁ શક્ય હોય ત્યાં સુધી રસોડામાં ક્યારેય કાળા રંગના પત્થરનો ઉપયોગ ન જ કરવો જોઇએ.
સરળ ઉપાય દૂર કરશે રસોડાનો વાસ્તુદોષ !
⦁ ઘરના રસોડામાં માતા અન્નપૂર્ણાનું ચિત્ર જરૂરથી લગાવવું જોઈએ. કારણ કે દેવી અન્નપૂર્ણા જ અન્નના અધિષ્ઠાત્રી છે. તેમની કૃપાથી જ જીવમાત્રને ભોજનની પ્રાપ્તિ થાય છે. નિત્ય ભોજન બનાવતા પૂર્વે માતા અન્નપૂર્ણાનું દર્શન અને સ્મરણ જરૂરથી કરવું. સાથે જ ઇષ્ટદેવતાને યાદ કરીને પછી જ ભોજન બનાવવાનો પ્રારંભ કરવો.
⦁ જો તમારા રસોડામાં વાસ્તુદોષ હોય તો તેને દૂર કરવા માટે મીસરી ખાતા બાળ શ્રીકૃષ્ણનું ચિત્ર લગાવવું જોઈએ. કહે છે કે આ ચિત્રના પ્રભાવને લીધે રસોડાનો વાસ્તુદોષ હળવો થઈ જાય છે.
⦁ રસોડાના વાસ્તુદોષને દૂર કરવા માટે તેના 4 ખૂણામાં કુમકુમના 4 સ્વસ્તિક બનાવવા જોઇએ.
⦁ રસોડામાં તમે જે ડબ્બામાં ચોખાનો સંગ્રહ કર્યો હોય તેમાં શક્ય હોય તો એક ચાંદીનો સિક્કો મૂકી રાખવો જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરના ભંડાર સદૈવ ભરેલા રહે છે.
⦁ શક્ય હોય તો નિત્ય જ રસોડામાં ગંગાજળનો છંટકાવ કરવો જોઇએ. તેનાથી રસોડાને લગતા તમામ દોષ નાશ પામે છે.
⦁ જ્યારે પણ તમે રોટલી માટે કણક બાંધો છો, ત્યારે તેમાં થોડું ગરમ પાણી અને દૂધ ઉમેરવા જોઇએ. કહે છે કે તેનાથી આપના ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાયેલી રહે છે.
⦁ આપના રસોડામાં મિક્સરને દક્ષિણ દિશામાં રાખવું જોઇએ.
શું રાખશો ધ્યાન ?
⦁ તમે રસોડામાં જ્યારે પણ પ્રવેશ કરો, ત્યારે હંમેશા શારીરિક સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. સ્નાન કરીને જ હંમેશા રસોઈ બનાવવી જોઈએ.
⦁ દેવી અન્નપૂર્ણા અને ઈષ્ટદેવનું સ્મરણ કરીને જ ભોજન બનાવવાનો પ્રારંભ કરવો જોઈએ.
⦁ જમવાનું બનાવતી વખતે ધીમા અવાજમાં ભજનોનું કે કોઇ મંત્રનું ઉચ્ચારણ જરૂરથી કરવું જોઈએ. કહે છે કે તેનાથી ભોજનમાં સાત્વિકતા ભળે છે.
⦁ તમે ભોજન ગ્રહણ કરો તે પહેલાં ભગવાનને જરૂરથી ભોગ અર્પણ કરવો જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)