જ્યોતિષ શાસ્ત્રમાં શનિગ્રહને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. તે દુઃખનો કારક ગ્રહ મનાય છે. જો, શનિ ઉચ્ચનો હોય અને તે સારી સ્થિતિમાં આવી જાય, તો તે રંકને પણ રાજા બનાવી શકે છે. પરંતુ, જો શનિ ખરાબ થઇ જાય, નીચનો થઇ જાય કે નબળો થઇ જાય તો તે રાજાને પણ રંક બનાવી દે છે. જો શનિ ચંદ્રની સાથે મળીને વિષયોગ બનાવે અથવા તો રાહુ-કેતુની સાથે જઇને અશુભ યોગ બનાવે તો દાંપત્યસુખમાં આગ લાગી જાય છે !
શનિની જેમ જ રાહુ-કેતુને પણ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આ સંજોગોમાં શનિ ગ્રહને મજબૂત કરવા, અથવા રાહુ-કેતુના દોષોને દૂર કરવા કેટલાક વિશેષ ઉપાયો અજમાવવા જરૂરી બની જાય છે. તમને નવાઈ લાગશે, પરંતુ, મીઠાઈના માધ્યમથી પણ તમે આ ક્રૂર ગ્રહોને શાંત કરી શકો છો ! આવો, જાણીએ કે કઇ રીતે મીઠાઈ આ ક્રૂર ગ્રહોના દોષોને દૂર કરવામાં તમને મદદરૂપ બનશે.
ક્રૂર ગ્રહોને શાંત કરશે મીઠાઈ !
⦁ એક માન્યતા અનુસાર દર શનિવારે વાનરોને ગોળ ખવડાવવાથી હનુમાનજી અને શનિ મહારાજ બંન્ને પ્રસન્ન થાય છે. તેમજ શનિદોષ પણ શાંત થાય છે.
⦁ પોતાના બાળકોના જન્મદિવસે તેમને ગળી વસ્તુઓ જરૂરથી ખવડાવવી જોઈએ. તે જ રીતે આવી ગળી વસ્તુઓ કે મીઠાઈનું દાન કરવું જોઈએ. તેનાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે અને જીવનમાં સુખ-શાંતિનું આગમન થશે.
⦁ દર શનિવારે એક વિશેષ ઉપાય અજમાવવો. ઘઉંની રોટલી પર ગોળ અને ભાત મૂકીને તે ગાયને ખવડાવવી જોઈએ.
⦁ ક્રૂર ગ્રહોને શાંત કરવામાં ભૈરવ ઉપાસના ફળદાયી મનાય છે. કહે છે કે આવા દોષોથી મુક્તિ અર્થે ઇમરતી, અડદની દાળ કે દહીંવડાનો ભોગ ભૈરવ મંદિરમાં જરૂરથી લગાવવો જોઈએ.
⦁ રાહુના દોષ દૂર કરવા માટે બુધવારના દિવસે સવા કિલો જલેબી લેવી. ત્યારબાદ તેનું કોઈ ભૈરવ મંદિરમાં દાન કરવું.
⦁ દહીં અને ઈમરતીનું બુધવારના દિવસે ભૈરવ મંદિરમાં દાન કરવાથી પણ રાહુ દોષ શાંત થાય છે.
⦁ કેતુની ખરાબ અસરને દૂર કરવા માટે નેત્રહીન બાળકોના વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને અથવા તો કુષ્ઠરોગીઓને ખીર કે હલવો ખવડાવવો જોઇએ.
⦁ દર મંગળવારે હનુમાનજીના મંદિરમાં 11 લાડુનો ભોગ લગાવવો જોઇએ. કહે છે કે તેનાથી પણ ક્રૂર ગ્રહો શાંત થઈ જાય છે.
⦁ દર મંગળવારે ખાંડનું દાન કરવાથી પણ ક્રૂર ગ્રહોના દોષથી બચી શકાય છે.
⦁ કેતુના કારણે ચામડીના રોગ સતાવી શકે છે. તેમજ સંતાનસુખથી પણ વંચિત રહેવું પડી શકે છે. આ સમસ્યાથી મુક્તિ અર્થે ચણાના લોટની બરફી બનાવીને કોઈ ધર્મસ્થાનમાં વહેંચવી જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)