મની પ્લાન્ટને આપણે સૌ સમૃદ્ધિના છોડ તરીકે ઓળખીએ છીએ. કહે છે કે ઘરમાં રાખેલો મની પ્લાન્ટ જેમ જેમ વૃદ્ધિ કરે છે, તેમ તેમ ઘરની સમૃદ્ધિમાં પણ વધારો થતો હોય છે. પરંતુ, જો આ મની પ્લાન્ટને ઘરમાં રાખતી વખતે તમે કેટલીક બાબતોની અવગણના કરો છો, તો તે તમને લાભને બદલે નુકસાન પણ કરાવી શકે છે ! આવો, આજે એ જ વિશે જાણકારી મેળવીએ.
આજે આપણે એ જાણીએ કે મની પ્લાન્ટને ઘરમાં રાખતી વખતે કઈ તકેદારીઓ રાખવી અત્યંત જરૂરી છે !
શું રાખશો ધ્યાન ?
⦁ મની પ્લાન્ટને હંમેશા જ ઘરના અગ્નિ કોણમાં એટલે કે સાઉથ-ઇસ્ટ ખૂણામાં લગાવવો જોઈએ. જો મની પ્લાન્ટ આ દક્ષિણ-પૂર્વ દિશામાં હોય તો જ તેનાથી લાભ થાય છે. અન્ય દિશામાં મની પ્લાન્ટ લગાવવો બિલ્કુલ પણ શુભ નથી મનાતો.
⦁ યાદ રાખો, કે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તો ભૂલથી પણ મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ. એક માન્યતા અનુસાર આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ધનનો નાશ થાય છે અને સંબંધોમાં પણ તણાવ આવે છે.
⦁ જો તમે મની પ્લાન્ટને કોઈ કુંડામાં લગાવ્યો હોય, તો તે ખૂબ જ જરૂરી છે કે તેને વધવા માટે એક દાંડીનો સહારો આપવામાં આવે. જેથી તે ઝડપથી અને સંપૂર્ણ રીતે વિકસીત થઈ શકે.
⦁ મની પ્લાન્ટ હંમેશા ઉપરની તરફ જ જતો હોય તે જરૂરી છે. જો મની પ્લાન્ટના પત્તા સૂકાઈ રહ્યા હોય, અને તેના કારણે તેની વેલ જમીન પર ફેલાઈ રહી હોય તો તે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.
⦁ મની પ્લાન્ટ પરથી સૂકા પાનને તોડીને હટાવી દેવા જોઈએ. નહીંતર, તેની નકારાત્મક અસર ઘર પર મુસીબતોને આમંત્રણ આપે છે.
⦁ યાદ રાખો, મની પ્લાન્ટના પત્તા પર ક્યારેય પણ ધૂળ જમા ન જ થવી જોઈએ. તેની સફાઈનું ધ્યાન રાખવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. નહીંતર આ નાની દેખાતી ભૂલ ભવિષ્યમાં આર્થિક મુસીબતનું કારણ પણ બની શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)