હિન્દુ સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાની પૂજા પાઠ માટે અલગ અલગ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યો છે. ગુરુવારના દિવસે શ્રીહરિ વિષ્ણુની પૂજા આરાધના કરવાથી આપની દરેક પ્રકારની મનોકામનાની પૂર્તિ થાય છે. આસ્થા સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આપને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.
કહેવાય છે કે વિષ્ણુ ભગવાનને પીળો રંગ ખૂબ પ્રિય છે. તેમની પૂજા કરવામાં પીળા રંગનુ વિશેષ મહત્વ રહેલું છે. એટલે જો આપ પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોવ તો ગુરુવારના દિવસે વિશેષ રીતે પૂજા ઉપાસના કરીને ભગવાન વિષ્ણુનું વ્રત કરીને તેમની કૃપાની પ્રાપ્તિ કરી શકો છો.તો ચાલો જાણીએ તેમની પૂજા કેવી રીતે કરવી.
ગુરુવારના વ્રતનું માહાત્મ્ય
શાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે કેળના વૃક્ષની પૂજા કરવાનું વિધાન છે. જો આ દિવસે કોઇ ભક્ત વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમનુ વ્રત કરે છે તો તેમણે કેળના વૃક્ષની નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી તેમજ તેમની કથાનું પઠન અને શ્રવણ કરવું જોઇએ. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. માન્યતા છે કે કેળના વૃક્ષની ગુરુવારના દિવસે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. અને તેમની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો તેમની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઇએ.
પૂજન વિધિ
ગુરુવારના દિવસે સૂર્યોદય પહેલા ઊઠીને નિત્ય કાર્યોથી નિવૃત થઇને સ્નાન કર્મ કરવું.
આ દિવસે વિશેષ રીતે પીળા રંગનું મહત્વ હોય છે એટલે સ્નાન બાદ પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા.
ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા કરતા વ્રત કરવાનો સંકલ્પ લેવો અને તેમની વિધિ વિધાનથી પૂજા કરવી.
શ્રીવિષ્ણુની પૂજામાં પીળા રંગના પુષ્પ, પીળા રંગનું ચંદન સાથે જ પીળા રંગની મિઠાઇનો ભોગ અર્પણ કરવો.
આ ભોગમાં ચણાની દાળ અને ગોળ પણ અર્પણ કરી શકાય છે.
ત્યારબાદ ધૂપ, દીપ પ્રજવલિત કરીને વિષ્ણુ ભગવાનની વ્રત કથાનો પાઠ કરવો.
ત્યારબાદ કેળના વૃક્ષમાં જળ અર્પણ કરો.
દિવસ દરમ્યાન ફળાહાર કરીને સાંજે પીળા રંગનું ભોજન ગ્રહણ કરીને વ્રતનું એકટાણું કરવું.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)