fbpx
Tuesday, December 24, 2024

ગાયત્રી મંત્રથી મળશે નવગ્રહથી છુટકારો! જાણો સરળ વિધિથી નવગ્રહની શાંતિ કેવી રીતે થશે?

ગાયત્રી મંત્રએ અત્યંત સિદ્ધિદાયી મંત્ર મનાય છે. કહે છે કે, જે મનુષ્ય એકવાર આ મંત્રને સિદ્ધ કરી લે છે, તેની કોઈપણ કામના ક્યારેય અધૂરી નથી રહેતી. એટલું જ નહીં, માન્યતા તો એવી છે, કે જેણે આ મંત્રને સિદ્ધ કર્યો છે, તેના જીવનમાં એવું કશું જ બાકી નથી રહેતું, કે જેને તે મેળવી ન શકે. પણ, શું તમે એ જાણો છો, કે આ જ ગાયત્રી મંત્ર તમને નવગ્રહના દોષથી પણ મુક્તિ અપાવી શકે છે ?

જો કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય તો વ્યક્તિને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એટલું જ નહીં, ખૂબ જ મહેનત કરવા છતાં, તેને વારંવાર વિવિધ કાર્યમાં નિષ્ફળતા મેળવવાનો પણ વારો આવતો હોય છે. ત્યારે ગાયત્રી મંત્રની મદદથી તમે આ નવગ્રહના દોષને દૂર કરીને સકારાત્મક પરિણામની પ્રાપ્તિ કરી શકો છો. આવો, આજે તે વિશે જ વિગતે જાણીએ.

ગાયત્રી ઉપાસનાથી નવગ્રહની શાંતિ !

⦁ સવારે વહેલા ઊઠીને નિત્યકર્મથી પરવારીને સર્વ પ્રથમ ગાયત્રી ઉપાસનાનો સંકલ્પ લો.

⦁ ઘરમાં જ્યાં તમે મંદિરની સ્થાપના કરી છે, તે જ દિશામાં ગાયત્રી માતાની તસવીર કે પ્રતિમાની સ્થાપના કરો.

⦁ માતાની પ્રતિમા કે તસવીર એ રીતે રાખવી કે દેવીનું મુખ પશ્ચિમ દિશા તરફ રહે. અને તમે જ્યારે તેમની ઉપાસના કરો ત્યારે તમારું મુખ પૂર્વ દિશા તરફ રહે.

⦁ ગાયત્રી માતા સામે ચોખાના 9 દાણા અને 9 સોપારી મૂકો. યાદ રાખો, કે દેવીને અર્પણ કરવામાં આવેલા ચોખા એકદમ આખા હોય. ટૂકડાં ન હોય !

⦁ દેવીને પીળી હળદર, કુમકુમ, ચોખા, પુષ્પ અને અત્તર અર્પણ કરો.

⦁ માતા ગાયત્રીને ફળનો ભોગ લગાવવો અત્યંત શુભ મનાય છે. આ સાથે જ યથાશક્તિ માતાને ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરો.

⦁ સર્વ પ્રથમ દીવાથી અને ત્યારબાદ કપૂરથી આરતી ઉતારી માને સમર્પિત કરો.

⦁ આ પૂજાવિધાન બાદ ગાયત્રી મંત્રની એક માળા કરો. જો તમે 1 માળા એટલે કે 108 વખત ગાયત્રી મંત્રનો જાપ કરવા અસમર્થ હોવ તો ઓછામાં ઓછો 11 વખત ગાયત્રી મંત્રનો જાપ જરૂરથી કરો. મંત્ર છે, “ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।”

⦁ આ પૂજા પૂર્ણ થાય એટલે એક કળશમાં જળ લઈ તે જળ સૂર્ય દેવતાને સમર્પિત કરો. આસ્થા સાથે આદિત્ય નારાયણને અર્ઘ્ય અર્પણ કરો. આ સમયે સૂર્યદેવતાના વિવિધ નામનું સ્મરણ કરો. જેમ કે, “ૐ દિવાકરાય નમ:”, “ૐ સૂર્યાય નમ:”, “ૐ ભાસ્કરાય નમ:” વગેરે.

⦁ આ પૂજા પૂર્ણ થાય એટલે તમારી જગ્યા પર જ ઊભા રહીને જમણી બાજુથી 9 પરિક્રમા કરો.

⦁ માન્યતા અનુસાર આ વિધિથી ગાયત્રી ઉપાસના અને સૂર્ય ઉપાસના કરવાથી નવગ્રહના દોષમાં રાહતની પ્રાપ્તિ થાય છે. કારણ કે, સ્વયં સૂર્યદેવતા જ તમામ ગ્રહોના સ્વામી છે. એટલે કે આ ઉપાસના કરવાથી ગ્રહશાંતિની પ્રાપ્તિ થાય છે. અને મનુષ્યના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles