વ્યક્તિને ઘરમાં ત્યારે જ શાંતિની અનુભૂતિ થતી હોય છે, કે જ્યારે તે ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ હોય છે. અને ઘરમાં સકારાત્મક ઊર્જા ત્યારે જ વર્તાય કે જ્યારે ઘર વાસ્તુશાસ્ત્રને અનુરૂપ હોય ! ઘરમાં રહેલી તમામ વસ્તુઓ વાસ્તુને અનુરૂપ ગોઠવાયેલી હોય તે ખૂબ જ જરૂરી છે. એમાં પણ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાનું એટલે કે, ઇશાન ખૂણાનું આગવું જ મહત્વ છે.
માન્યતા અનુસાર આ દિશામાં જ સકારાત્મક અને પ્રગતિશીલ ઊર્જાનું નિર્માણ થાય છે. એટલે કે, જો ઘરની આ દિશામાં કોઈ વાસ્તુદોષ હોય તો તે વ્યક્તિની પ્રગતિને અવરોધી દે છે. આવો, આજે તે વિશે જ વિગતે જાણીએ.
ઇશાન ખૂણાનો વાસ્તુદોષ !
ઘરની ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઇશાન ખૂણો પૂજાઘર માટે સૌથી શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. આ દિશા ધનના દેવતા ભગવાન કુબેર અને ભગવાન શિવજીની માનવામાં આવે છે. પરંતુ, જો આ જ ઉત્તર-પૂર્વ દિશામાં કોઇ અન્ય રૂમ, શૌચાલય કે પાણીની ટાંકી હોય તો તે વાસ્તુદોષનું નિર્માણ કરે છે ! જેને લીધે તે ઘરમાં રહેતા લોકોને અનેકવિધ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો ઘરમાં આવો ઉત્તર-પૂર્વ દિશાનો વાસ્તુદોષ હોય તો તેના નિવારણ માટે કેટલાક ખાસ ઉપાયો અજમાવવા જરૂરી બની જાય છે. અને તો જ તે ઘરમાં રહેનારા લોકોની પ્રગતિ થાય છે.
ઉત્તર-પૂર્વમાં રસોડું હોય તો શું કરશો ?
વાસ્તુ અનુસાર ઉત્તર-પૂર્વ દિશાનો સંબંધ જળ તત્વ સાથે રહેલો છે અને રસોઇનો સંબંધ અગ્નિ સાથે રહેલો છે. એટલે આ ખૂણામાં રસોડું હોવાથી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. કારણ કે, જળ અને અગ્નિતત્વ મળીને ઉત્તર-પૂર્વ ખૂણાની સકારાત્મક ઊર્જાને નષ્ટ કરી દે છે. એટલે આપે આપનું રસોડું દક્ષિણ-પૂર્વ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં શિફ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. જો આ શક્ય ન હોય તો આપના રસોડાની દિવાલો પર પીળા રંગનું રંગકામ કરાવી દો. રસોડાની બારી પર તુલસી, ફૂદીનો કે અજમાના છોડ મૂકો. આ સિવાય તમે રસોઇના પ્રવેશદ્વાર ઉપર દિશા દોષ નિવારણ યંત્ર પણ લગાવી શકો છો. માન્યતા અનુસાર આ ઉપાયથી ઉત્તર-પૂર્વ ખૂણાના વાસ્તુદોષ દૂર થાય છે !
ઉત્તર-પૂર્વમાં ન હોવું જોઈએ શૌચાલય !
વાસ્તુ અનુસાર ક્યારેય ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં શૌચાલય ન બનાવવું જોઇએ. તેનાથી વાસ્તુદોષ લાગે છે. કોઈ કારણવશ આ રીતની રચના હોય તો ઝડપથી તેના માટે ઉપાય કરવો જરૂરી બની જાય છે. આ માટે ઇશાન ખૂણામાં ઉત્તર-પૂર્વ દિશાનું યંત્ર લગાવવું જોઈએ. આ દિશામાં શૌચાલયના દોષના લીધે જે નકારાત્મકતા ઉત્પન્ન થાય છે, તેનો નાશ કરવા શૌચાલયની અંદર કપૂર કે મીણબત્તી પ્રગટાવેલી રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે શૌચાલયમાં દરિયાઇ મીઠું રાખવાથી પણ નકારાત્મક ઊર્જા દૂર થાય છે. પરંતુ, આ મીઠાને દર અઠવાડિયે બદલતા રહેવું જરૂરી છે !
ઉત્તર-પૂર્વમાં ન હોવી જોઈએ પાણીની ટાંકી !
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પાણીની ટાંકી બનાવવાથી બચવું જોઇએ. પરંતુ, જો પહેલેથી જ આ દિશામાં પાણીની ટાંકી હોય તો તેની ઉપર લાલ રંગ કરી દેવો જોઇએ. માન્યતા અનુસાર તેનાથી વાસ્તુદોષનો પ્રભાવ ઓછો થઇ જાય છે !
ઘર યોગ્ય દિશામાં ન હોય તો શું કરશો ?
ઘર માટે ઉત્તર દિશા, પૂર્વ દિશા કે પછી ઉત્તર-પૂર્વ ખૂણો સૌથી સારો માનવામાં આવે છે. પરંતુ, જો આ ત્રણ દિશાઓમાંથી આપનું ઘર કોઇપણ દિશામાં નથી તો વાસ્તુદોષ લાગી શકે છે. તેના નિવારણ માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખી દો. સાથે જ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ભગવાન ગણેશનું ચિત્ર કે છબી લગાવી દો. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે.
ઉત્તર-પૂર્વમાં સીડી હોય તો શું કરશો ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઇશાન ખૂણામાં એટલે કે, ઉત્તર-પૂર્વમાં ક્યારેય સીડીઓ ન બનાવવી જોઇએ. તેનાથી આર્થિક નુકસાનની શક્યતા વધી જાય છે. પણ, જો સીડીઓનું નિર્માણ થઈ ચૂક્યું હોય અને હવે પરિવર્તન શક્ય ન હોય તો આ વાસ્તુદોષને દૂર કરવા વિશેષ ઉપાય અજમાવો. સીડીઓના છેલ્લા પગથિયાની નીચે એક જ જેવા બે કાચબા રાખી દો. તેનાથી વાસ્તુદોષ હળવો થઇ જશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)