દેવાધિદેવનું એક નામ છે ભોળાનાથ. કારણ કે, તે ઝડપથી પ્રસન્ન થનારા અને ભક્તોને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનારા દેવ મનાય છે. શિવજી એક એવાં દેવ છે કે જેમના સમસ્ત પરિવારની પૂજા થાય છે. અને એટલે જ પારિવારિક સમસ્યાઓથી મુક્તિ અર્થે શિવજીનું શરણું સર્વોત્તમ મનાય છે ! જો લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય કે લગ્ન બાદ દાંપત્યજીવનમાં કલેશ ચાલી રહ્યો હોય, તો તેના નિવારણ માટે મહાદેવની ઉપાસના અત્યંત ફળદાયી મનાય છે.
આવો, આજે આપણે કેટલીક આવી જ સમસ્યાઓ અને તેના નિરાકરણની વિધિ જાણીએ.
અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ અર્થે
દરેક પરિણીત સ્ત્રીની એક જ મનશા હોય છે કે તેનો ચુડી-ચાંદલો અમર રહે. તે સદૈવ અખંડ સૌભાગ્યવતી જ રહે. જે સ્ત્રીને અખંડ સૌભાગ્યની મનશા છે તેણે એવાં શિવાલયમાં દર્શને જવું કે જ્યાં શિવજી સાથે માતા પાર્વતીની પ્રતિમા પણ પ્રસ્થાપિત હોય. અહીં તાંબાના કળશમાં જળ ભરીને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ ગૌરીશંકરની પૂજા કરીને તેમને ખીરનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી પ્રસન્ન થઈ શિવ-પાર્વતી અખંડ સૌભાગ્યનું સુખ પ્રદાન કરે છે.
દાંપત્યજીવનના કલેશથી મુક્તિ અર્થે
જો લગ્નજીવનમાં સતત કલેહ કે કંકાસ ચાલતા હોય તો દાંપત્યજીવન તૂટવાની શક્યતાઓ વધી જાય છે. આ સંજોગોમાં આ કલેશથી મુક્તિ અર્થે શિવ પરિવારનું શરણું લેવું જોઈએ. એટલે કે, એવાં શિવ મંદિરમાં દર્શને જવું જોઈએ કે જ્યાં સમસ્ત શિવ પરિવાર બિરાજમાન હોય. અહીં આસ્થા સાથે પૂજા કર્યા બાદ અર્ધનારીશ્વર સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. માન્યતા અનુસાર આ પાઠથી દાંપત્યજીવનના કલેશ દૂર થાય છે. અને લગ્નજીવન સુખમય બને છે.
વિવાહમાં વિલંબ થતો હોય તો શું કરશો ?
⦁ જે યુવતીઓને વિવાહમાં વિલંબ આવી રહ્યો હોય તેમણે આ ખાસ ઉપાય અજમાવવો. સોમવારના દિવસે શિવાલયમાં જઇ શિવલિંગ પર દૂધ મિશ્રિત જળનો અભિષે કરવો. આ સમયે “ૐ સોમેશ્વરાય નમઃ” મંત્રનો જાપ સતત ચાલુ રાખવો. અને ત્યારબાદ ભોળાનાથને બીલીપત્ર અર્પણ કરવા.
⦁ લગ્નમાં વિલંબ આવી રહ્યો હોય તો નિત્ય શિવમંદિર જઇને કેસરમિશ્રિત દૂધથી શિવલિંગનો અભિષેક કરવો પણ શુભદાયી મનાય છે. આ સાથે રુદ્રસુક્તના પાઠ કરવાથી પણ ઝડપથી વિવાહના યોગ રચાય છે !
⦁ ઘણીવાર શનિના પ્રભાવને લીધે યુવક કે યુવતીના લગ્નમાં વિલંબ આવતો હોય છે. આ સમસ્યાના નિવારણ અર્થે શનિવારના દિવસે શિવમંદિરમાં જવું જોઈએ અને શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જોઈએ.
ગૌરી-શંકર રુદ્રાક્ષથી શુભાશિષ !
એક માન્યતા અનુસાર જે મહિલાઓ તેમના ગળામાં ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરે છે, તે સદાય સૌભાગ્યવતી જ રહે છે. અને જો કોઈ કન્યાના વિવાહ ન થતા હોય, અને તે આ ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરે, તો ખૂબ જ ઝડપથી વિવાહના યોગ બને છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)