વાસ્તુશાસ્ત્ર એ એક એવું શાસ્ત્ર છે કે જે માનવ જીવનની ઘણી સમસ્યાઓનું સમાધાન કરે છે. તેમાં કેટલાય પ્રકારના ઉપાયોની સાથે સાથે દરેક પ્રકારની જાણકારી આપવામાં આવી છે. જો કોઇ વ્યક્તિના જીવનમાં વાસ્તુદોષનો પ્રકોપ હોય તો તેણે શું કરવું જોઇએ, તે અંગેની માહિતી વાસ્તુશાસ્ત્રમાંથી મળે છે. તો, વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં અમુક ખાસ દિવસોમાં કયું કાર્ય કરવું જોઈએ અને કયું કાર્ય ન કરવું જોઈએ તે અંગેની બાબતો પણ જણાવવામાં આવી છે.
ત્યારે આજે આપણે તે સંદર્ભમાં જ એ સમજીએ કે મંગળવારના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ.
મંગળવારની ઉગ્ર પ્રકૃતિ !
વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળવારની પ્રકૃતિ ઉગ્ર છે. મંગળદેવ અને હનુમાનજીને તેના સ્વામી માનવામાં આવે છે. કહેવાય છે કે મંગળદેવ મંગળકર્તા છે. જેમના જીવનમાં મંગળ શુભ હોય છે તેના જીવનમાં મંગળ જ થતું હોય છે. ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મંગળના શુભ પ્રભાવ મેળવવા માટે મંગળવારનો ઉપવાસ કરવો જોઇએ. પરંતુ, તેની સાથે કેટલીક ખાસ વાતોનું ધ્યાન પણ રાખવું પડે છે. મંગળવારના દિવસે કયા કાર્યો કરવાથી અશુભ પ્રભાવનો ભોગ બનવું પડી શકે છે, તે જાણવું પણ એટલું જ જરૂરી છે. જેથી તેનાથી બચી શકાય અને શુભ ફળની પ્રાપ્તિ કરી શકાય.
મંગળવારે શું ન કરવું જોઈએ ?
⦁ ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળવારના દિવસે મીઠાનું સેવન ન કરવું જોઇએ. કહેવાય છે કે આ દિવસે વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી આપના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. તેમજ આપના મહત્વપૂર્ણ કાર્યોમાં અવરોધો ઉત્પન્ન થાય છે !
⦁ વાસ્તુ અનુસાર પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર દિશામાં મંગળવારના દિવસે કોઇપણ પ્રકારની યાત્રા ન કરવી જોઇએ. જો કોઇપણ કારણસર આપને યાત્રા કરવી જ પડે તેમ હોય તો ગોળનું સેવન કરીને જ યાત્રાનો આરંભ કરવો જોઇએ.
⦁ સનાતન ધર્મમાં માંસાહાર કરવો વર્જિત માનવામાં આવે છે. ખાસ કરીને મંગળવારના દિવસે માંસાહાર, માછલીનું સેવન કરવાથી જીવનમાં ઘણાં પ્રકારની મુસીબતોનું આગમન થાય છે. એટલે આવા તામસિક ભોજનથી દૂર રહેવું જ હિતાવહ છે.
⦁ વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે કોઇને ઉધાર નાણાં ન આપવા જોઇએ. નહીંતર તમારે તેનું ભયંકર પરિણામ ભોગવવું પડી શકે છે !
⦁ કહે છે કે મંગળવારના દિવસે ગુસ્સો કરવાથી બચવું જોઇએ. માન્યતા અનુસાર આ દિવસે ક્રોધ કરવાથી ઘરમાં કલેશ ઉત્પન્ન થાય છે.
⦁ આ દિવસે શુક્ર અને શનિ સાથે જોડાયેલ કોઇપણ પ્રકારના કાર્યો ન કરવા જોઇએ. નહીંતર તે આપના કાર્યમાં મુસીબત ઉત્પન્ન કરે છે. તેમજ આપના કાર્ય અધવચ્ચે જ અટકી પડે છે !
⦁ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિવસે નવા વસ્ત્રની તેમજ જૂતા ચંપલની ખરીદી કરવાનું પણ ટાળવું જોઈએ !
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)