ગુજરાતી પંચાંગ અનુસાર ફાગણ વદ સપ્તમીની તિથિને મારવાડી સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં શ્રાવણ માસમાં આવતી શીતળા સાતમની જેમ જ આ તિથિનું મહત્વ છે. આ તિથિ પર ભારતના ઘણાં પ્રાંતમાં માતા શીતળાની પૂજા કરવામાં આવે છે. સપ્તમી અને અષ્ટમી બંન્ને તિથિ માતા શીતળાને સમર્પિત રહે છે. આ વખતે આ તિથિ 14 માર્ચ, મંગળવાર અને 15 માર્ચ, બુધવારે પડી રહી છે.
આ તિથિ પર લોકો ઠંડુ ભોજન ખાઇને માતા શીતળાની પૂજા કરે છે. ત્યારે આવો, આજે અમે આપને શીતળા માતાના એક એવાં સ્થાનકનો મહિમા જણાવીએ કે જે મહાભારતકાલિન મનાય છે. અને અહીં મારવાડી સાતમ-આઠમ પર દર્શનનો સવિશેષ મહિમા રહેલો છે.
ગુરુગ્રામના શીતળા માતા !
સમગ્ર ભારતમાં માતા શીતળાના તો અનેક મંદિર આવેલા છે. પરંતુ, હરિયાણાના ગુરુગ્રામમાં સ્થિતિ માતા શીતળાનું મંદિર અત્યંત ખાસ મનાય છે. એક માન્યતા અનુસાર તેનો નાતો તો મહાભારત કાળ સાથે જોડાયેલો છે. અને એટલે જ શ્રદ્ધાળુઓને મન અહીં દર્શનનો સવિશેષ મહિમા રહેલો છે. અહીં ભવ્ય મંદિર મધ્યે માતા શીતળાની મનોહારી પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. જેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતાની અનુભૂતિ કરે છે.
મનોકામનાપૂર્તિનું ધામ
ગુરુગ્રામમાં બિરાજમાન દેવી શીતળાની ઘણાં ભાવિકો કુળદેવી રૂપે પૂજા કરે છે. અહીં દેવીને જળ અર્પણ કરીને માનતા માનવાની પ્રથા છે. એક માન્યતા અનુસાર દેવી દરેક પ્રકારના કષ્ટમાંથી લોકોને છોડાવે છે. તો જેમને શેર માટીની ખોટ છે, તે શ્રદ્ધાળુઓ ખાસ અહીં માતાના દર્શને આવે છે. કહે છે કે મા સૌની ખાલી ઝોળીને ખુશીઓથી ભરી દે છે ! એ જ કારણ છે કે દર વર્ષે શીતલા સપ્તમી અને શીતલા અષ્ટમી પર અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે.
પૌરાણિક કથા
આ સ્થાનક સાથે જોડાયેલી પૌરાણિક કથા અનુસાર ગુરુગ્રામ એ વાસ્તવમાં મહાભારતના ગુરુ દ્રોણની નગરી હતી. કૃપાચાર્યની બહેન અને મહર્ષિ શરદ્વાનની પુત્રી કૃપીના ગુરુ દ્રોણ સાથે લગ્ન થયા હતા. મહાભારતના યુદ્ધમાં જ્યારે ગુરુ દ્રોણ વીરગતિને પામ્યા ત્યારે તેમની પત્ની કૃપી તેમની સાથે જ સતી થઇ ગયા. સતી થતી વખતે દેવી કૃપીએ લોકોને આશીર્વાદ આપ્યા કે આ સ્થાન પર જે લોકો કોઈપણ મનોકામના લઈને આવશે, તેની ઇચ્છા તે પૂરી કરશે. વાસ્તવમાં દેવી કૃપી જ અહીં શીતળા માતાના નામે પૂજાય છે. જેમના દર્શનાર્થે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે અહીં ઉમટતા રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)