ચૈત્રી નવરાત્રીએ સાધનાની નવરાત્રી મનાય છે. તો સાથે જ તે કામનાઓને પરિપૂર્ણ કરનારી નવરાત્રી પણ છે. આ વખતે 22 માર્ચ, બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. વાસ્તવમાં આ નવરાત્રીનું અનુષ્ઠાન મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. તો, કહે છે કે વિવાહ સંબંધી વિઘ્નોને દૂર કરવામાં ચૈત્રી નવરાત્રીની પૂજા સવિશેષ ફળદાયી બની રહે છે.
ઘણીવાર એવું બને છે કે યુવક કે યુવતી ઉંમરલાયક થવા છતાં તેમને યોગ્ય જીવનસાથી નથી મળતા. તો, ક્યારેક એવું બને છે કે યોગ્ય પાત્ર તો મળી જાય છે, પણ, કોઈ કારણસર લગ્ન પાછળ જ ઠેલાતા જાય છે. તો ઘણીવાર લગ્ન બાદ દાંપત્યજીવન સુખમય ન હોય તેવું પણ બને ! કહે છે કે આ બધી જ સમસ્યાનું સમાધાન ચૈત્રી નવરાત્રીની પૂજામાં છૂપાયેલું છે. આવો, આજે એ જાણીએ કે ચૈત્રી નવરાત્રી દરમિયાન કયા ઉપાયો અજમાવીને તમે લગ્ન સંબંધી તમામ પરેશાનીઓથી મુક્તિ મેળવી શકશો.
માતા પાર્વતીનું પૂજન કરવું
જો આપને લગ્નમાં સતત અવરોધ આવી રહ્યા હોય તો આ ચૈત્રી નવરાત્રી દરમિયાન શિવ-પાર્વતીના મંદિરમાં અચૂકથી જવું. ત્યાં જઈ શિવલિંગ પર દૂધથી અભિષેક કરવો. અને માતા પાર્વતીને સિંદૂર અર્પણ કરવું. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપના લગ્નના યોગ સર્જાશે. તેમજ આપને મનપસંદ જીવનસાથીની પ્રાપ્તિ થશે.
માતા ગૌરીના મંત્રનો જાપ કરો
મનોવાંચ્છિત વરની પ્રાપ્તિ માટે ગૌરી ઉપાસના સવિશેષ ફળદાયી મનાય છે. આ માટે આપે ગૌરી મંત્રનો જાપ કરવો જોઈએ. માન્યતા અનુસાર જો આપ આ મંત્રનો જાપ કરો છો તો આપને ઝડપથી લાભની પ્રાપ્તિ થાય છે. તેમજ આપના લગ્નના યોગ સર્જાય છે. ગૌરી મંત્ર નીચે અનુસાર છે.
“હે ગૌરી શંકરર્ધાંગિની યથા ત્વમં શંકર પ્રિયા,
તથા મા કુરુ કલ્યાણી કાંતા કંતમ સુદૂરલભ્ ।
માતા કાત્યાયનીનું પૂજન કરવું
અનેક પ્રયાસ છતાં સુયોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો આપે ચૈત્રી નવરાત્રી દરમ્યાન ખાસ કરીને માતા કાત્યાયનીનું પૂજન કરવું જોઇએ. નવરાત્રીના પ્રથમ દિવસથી લઈને ઓછામાં ઓછા સળંગ 40 દિવસ સુધી માતા કાત્યાયનીની પૂજા કરવી. કહે છે કે તેનાથી આપની મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે અને આપને સુયોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. આ પૂજનની સાથે તમારે નિત્ય કાત્યાયની માતાના મંત્રનો પણ જાપ કરવો જોઈએ. મંત્ર નીચે અનુસાર છે.
કાત્યાયનિ મહામાયે મહાયોગિન્યધીશ્વરિ ।
નંદ ગોપસુતં દેવિપતિં મે કુરુ તે નમઃ ।।
કળશની સ્થાપના કરો
મનોકામનાની પૂર્તિ માટે નવરાત્રીના દિવસોમાં અનુષ્ઠાન કરવામાં આવતું હોય છે. ત્યારે લગ્ન આડેના અવરોધોને દૂર કરવા આપે પણ આ રીતે નવરાત્રીનું અનુષ્ઠાન કરવું જોઈએ. નવરાત્રીના પ્રથમ દિવસે જ વિધિ વિધાન સાથે કળશની સ્થાપના કરો. શીઘ્ર વિવાહની કામના કરતા કરતા જવારા ઉગાડો. આ કળશમાં અખંડ જ્યોત પ્રજવલિત કરો અને જ્યોત અખંડ જ રહે તેનું ધ્યાન રાખો. જો નવરાત્રીમાં 9 દિવસ સુધી અખંડ જ્યોત વિધિપૂર્વક પ્રજવલિત રહે છે, તો આપની મનોકામનાની પૂર્તિના યોગ બને છે. એટલે કે, ઝડપથી વિવાહના યોગ સર્જાય છે.
દુર્ગા માતાની પૂજા કરો
જો આપની કુંડળીમાં રાહુ દોષ છે અને આપને લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે તો તેના માટે આપે માતા દુર્ગાની પૂજા કરવી જોઇએ. આ પૂજન સમયે આપે દુર્ગા સપ્તશતીના પાઠ જરૂરથી કરવા જોઈએ. માન્યતા અનુસાર તેમ કરવાથી આપની મનોકામના જરૂરથી પૂર્ણ થશે.
શણગાર સામગ્રીનું દાન કરવું
⦁ જો લગ્ન થવામાં ખૂબ જ વાર લાગી રહી હોય તો ગૌરી-શંકરના મંદિરમાં સોળ શણગારની સામગ્રીનું દાન કરવું જોઈએ. સાથે જ લગ્ન ઝડપથી થાય તે માટેની કામના અભિવ્યક્ત કરવી. કહે છે કે તેનાથી આપના લગ્નની મનશા ખૂબ જ ઝડપથી પરિપૂર્ણ થાય છે.
⦁ માત્ર લગ્ન થાય એટલું જ નહીં, પરંતુ, લગ્ન બાદ દાંપત્યજીવન સુખમય રહે તે પણ એટલું જ જરૂરી છે. આ દાંપત્યજીવન સુખમય રહે તે માટે ચૈત્રી નવરાત્રી દરમિયાન શણગાર સામગ્રીનું કોઈ સૌભાગ્યવતી મહિલાને દાન કરવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્યવતી રહેવાના આશિષ મળે છે. તેમજ વ્યર્થના ઝઘડાઓથી મુક્તિ મળે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)