ભગવાન વિષ્ણુનું એક નામ છે લક્ષ્મીપતિ. કારણ કે, તે ધનની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીના સ્વામી છે. આ વાત આમ તો બધાં જાણે જ છે. પણ, ઘણાં ઓછાં લોકો એ જાણે છે કે જ્યારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય ત્યારે તેમના પતિને પ્રસન્ન કરવા જરૂરી છે. દેવી લક્ષ્મીને વિષ્ણુપ્રિયા કહે છે. અને એવી માન્યતા પ્રચલિત છે કે દેવી લક્ષ્મી પોતાના કરતા પણ પોતાના સ્વામીની ઉપાસનાથી વિશેષ પ્રસન્ન થાય છે.
એટલે કે જો તમે ભગવાન વિષ્ણુની આરાધના કરો છો, તો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ આપોઆપ જ પ્રાપ્ત કરી લો છો ! ત્યારે આવો, આજે અમે આપને એવાં વિષ્ણુ મંત્ર જણાવીએ કે જેનો જાપ કરીને તમે વિષ્ણુ અને માતા લક્ષ્મી બંન્નેને પ્રસન્ન કરી શકશો.
ફળદાયી વિષ્ણુ સ્તુતિ
શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ્ ।
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગમ્ ।।
લક્ષ્મીકાન્તંકમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યમ્ ।
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ ।।
ભગવાન વિષ્ણુ જગતના પાલનકર્તા છે. કહે છે કે ગુરુવારના દિવસે શ્રીવિષ્ણુને પીળા રંગના પુષ્પ અને પીળા રંગના વસ્ત્ર અર્પણ કરીને આ સ્તુતિનું સ્મરણ કરવું જોઈએ. શક્ય હોય તો તેનો 108 વખત જાપ કરવો જોઈએ. એટલે કે, એક મંત્રની જેમ આ સ્તુતિની એક માળા કરવી જોઈએ. માન્યતા અનુસાર આમ કરવાથી જીવનમાં સકારાત્મક વિચાર અને ઘટનાઓ આકાર લે છે. અને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. સાથે જ ઘરમાં સ્થિર લક્ષ્મીનું આગમન થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
ઋગ્વેદનો વિષ્ણુ મંત્ર
ૐ ભૂરિદા ભૂરિ દેહિનો, મા દભ્રં ભર્યા ભર । ભૂરિ ઘેદિન્દ્ર દિત્સસિ ।
ૐ ભૂરિદા ત્યસિ શ્રુતઃ પુરૂત્રા શૂર વૃત્રહન્ । આ નો ભજસ્વ રાધસિ ।।
ઋગ્વેદમાં વર્ણિત આ મંત્રનો અર્થ થાય છે કે હે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ તમે મહા દાનવીર છો. તમે એક સામાન્ય દાન પ્રદાન કરનારા નહીં, પરંતુ, બહુ મોટા દાનવીર છો. એવું કહેવામાં આવે છે કે જે દરેક જગ્યાએથી નિરાશ થઈ જાય છે, તે તમારી પાસેથી ક્યારેય ખાલી હાથે પાછું નથી ફરતું. તમે તેની એક જ યાચના પર તેની ઇચ્છા પૂરી કરી દો છો. હે પ્રભુ એ જ રીતે મારા પણ આર્થિક સંકટોનું શમન કરો. માન્યતા અનુસાર આ મંત્રનો ગુરુવારના દિવસે ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ. તેનાથી ચોક્કસપણે ઘરમાં આર્થિક સમૃદ્ધિનું આગમન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)