ગુજરાતી પંચાંગ અનુસાર ફાગણ વદ એકાદશીની તિથિએ પાપમોચીની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વખતે આ વ્રત 18 માર્ચ 2023, શનિવારના રોજ રાખવામાં આવશે. વર્ષ દરમિયાન એકાદશી તો 24 આવે છે. પણ, તેમાં પાપમોચીની એકાદશી તમામ પ્રકારના પાપકર્મથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. કહે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેકગણાં ફળની પ્રાપ્તિ થાય છે.
મહત્વની વાત તો એ છે કે આ વખતે એકાદશી ત્રણ શુભ સંયોગ સાથે આવી રહી છે. આ સંયોગ મનોવાંચ્છિત ફળ પ્રદાન કરનારા મનાય છે. ત્યારે આવો જાણીએ કે કયા છે આ શુભ સંયોગ ? અને આ દિવસે કઈ રીતે વ્રત કરવાથી શ્રેષ્ઠતમ પુણ્યની થશે પ્રાપ્તિ ?
પાપમોચીની એકાદશીના શુભ સંયોગ
પાપમોચીની એકાદશીના અવસર પર ત્રણ શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે. જેમાં દ્વિપુષ્કર યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ તેમજ શિવયોગનો સમાવેશ થઈ રહ્યો છે. એક માન્યતા અનુસાર દ્વિપુષ્કર યોગમાં કરવામાં આવતા કાર્યનું બેગણું ફળ પ્રાપ્ત થાય છે. સર્વાર્થ સિદ્ધિ યોગ એવો યોગ છે કે જેમાં કોઈ કાર્યનો પ્રારંભ કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. એ જ રીતે શિવયોગ પણ શુભ કાર્ય માટે અત્યંત શુભદાયી મનાય છે. જેના લીધે આ વખતની પાપમોચીની એકાદશી સવિશેષ ફળદાયી મનાઈ રહી છે.
પાપમોચીની એકાદશીની પૂજા વિધિ
⦁ આ વ્રત કરનાર જાતકે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠવું જોઇએ.
⦁ સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને સાધકે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા. કારણ કે, પીળો રંગ શ્રીહરિ વિષ્ણુને અત્યંત પ્રિય મનાય છે.
⦁ સર્વ પ્રથમ ઘરના મંદિર સન્મુખ બેસીને શ્રીવિષ્ણુનું ધ્યાન ધરવું અને પાપમોચીની એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ લેવો.
⦁ શુભ મુહૂર્તમાં હળદર, ચંદન, તુલસી અર્પણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
⦁ પૂજન બાદ “ૐ નમો ભગવતે વાસુદેવાય ।” મંત્રની એક માળા કરવી જોઇએ. ઓછામાં ઓછો 108 વખત આ મંત્રનો જાપ કરવો. આ સિવાય તમે નીચે જણાવેલ મંત્રમાંથી પણ કોઈ મંત્રનો જાપ કરી શકો છો.
“શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય”
“ૐ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત”
“ૐ વિષ્ણવે નમઃ”
“ૐ હૂં વિષ્ણવે નમઃ”
⦁ પાપમોચીની એકાદશીનું વ્રત નિર્જલા રહીને કરી શકાય તો તે શ્રેષ્ઠ રહેશે. પણ, જો તે શક્ય ન હોય તો તમે ફળાહાર ગ્રહણ કરીને પણ આ વ્રત કરી શકો છો.
⦁ આ દિવસે યથાશક્તિ દાન કરવું જોઈએ.
⦁ આ વ્રતમાં શ્રીવિષ્ણુનું સ્મરણ કરતા અથવા તો ભજન-કિર્તન કરતા રાત્રિ જાગરણ કરવું જોઈએ.
⦁ દ્વાદશીના અવસરે વ્રતના પારણાં કરવા. અને મનોરથની પૂર્તિ અર્થે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી.
ફળપ્રાપ્તિ
⦁ પદ્મપુરાણમાં વર્ણિત કથાઓમાં એકાદશીને ભગવાન શ્રીહરિ વિષ્ણુનું જ સ્વરૂપ માનવામાં આવે છે.
⦁ એવું માનવામાં આવે છે કે ફાગણ વદ એકાદશી પર વ્રત રાખવાથી જાતકને સંસારના દરેક સુખની પ્રાપ્તિ થાય છે.
⦁ પ્રાચીન સમયમાં આ વ્રતના પ્રભાવથી એક અપ્સરાએ પિશાચ યોનીથી મુક્તિની પ્રાપ્તિ કરી હતી. આ વ્રતના પ્રતાપે જ તેના સમસ્ત પાપકર્મનો નાશ થયો હતો. એટલે કે આ વ્રત તમામ પ્રકારના પાપકર્મનો નાશ કરી દે છે.
⦁ પાપમોચીની એકાદશીના દિવસે વ્રત કરવાથી બ્રહ્મહત્યા, સુવર્ણ ચોરી, સુરાપાન જેવા પાપકર્મથી મુક્તિની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.
⦁ એક માન્યતા અનુસાર જે વ્યક્તિ નીતિ નિયમો સાથે પાપમોચીની એકાદશીનું વ્રત કરે છે, તેના જીવનમાં ક્યારેય ધનની અછત નથી વર્તાતી.
⦁ પાપમોચીની એકાદશીના વ્રતથી ગાયના દાન સમાન પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)