જો આપના ધનનો ખોટા ખર્ચાઓમાં વ્યય થઇ રહ્યો હોય અને ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તો ચૈત્રી નવરાત્રીના નવ દિવસ આપના માટે સુવર્ણ તક લઇને આવ્યા છે. આ નવ દિવસો દરમ્યાન આપ કેટલાક અસરકારક ઉપાય અજમાવીને તમારી ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકો છો ! આ વખતે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ 22 માર્ચ, બુધવારથી થશે.
કહે છે કે આ દરમ્યાન કેટલાક વિશેષ જ્યોતિષીય ઉપાય અજમાવીને આપ આપના ઘરની આર્થિક સ્થિતિ સદૈવ માટે સદ્ધર બનાવી શકશો. આવો, આજે કેટલાંક એવાં જ ઉપાયો વિશે વાત કરીએ.
લવિંગ-કપૂર પ્રજવલિત કરવા
કપૂરનો ઉપયોગ પૂજાપાઠમાં ઘણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમ્યાન કપૂર પ્રજવલિત કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. ત્યારે ચૈત્રી નવરાત્રી દરમ્યાન જો તમે નવ દિવસ સુધી માતાની કપૂર અને લવિંગથી કરો છો તો તે સવિશેષ ફળદાયી બની રહે છે. કહે છે કે તેનાથી આપના જીવનમાં આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે.
માતાને લાલ સિંદૂર અર્પણ કરવું
નવરાત્રીમાં નવ દિવસ જ્યારે તમે માતા દુર્ગાની પૂજા કરો છો, ત્યારે તમારે તેમને લાલ રંગનું સિંદૂર જરૂરથી અર્પણ કરવું જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી આપના જીવનમાં સદૈવ સમૃદ્ધિ બની રહેશે. જો આપ નવરાત્રીની નિત્ય પૂજા દરમ્યાન માતા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરો છો અને તેમને સિંદૂર અર્પણ કરો છો તો તેનાથી આપના જીવનમાં ધનપ્રાપ્તિના યોગ સર્જાય છે.
માતા લક્ષ્મીને ખીરનો પ્રસાદ અર્પણ કરવો
માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. અને શુક્રવાર એ દેવી લક્ષ્મીનો વાર મનાય છે. ત્યારે નવરાત્રીમાં શુક્રવારના દિવસે આપે માતા લક્ષ્મીને ચોખાની ખીરનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી આપના ઘરમાં સમૃદ્ધિનું આગમન થશે. આપના જીવનમાં ખુશહાલી હંમેશા અકબંધ રહેશે. કહે છે કે આ ઉપાય ધનલાભ તો કરાવે જ છે, સાથે જ વ્યક્તિ પર જો કોઈ મોટું દેવું હોય તો એ પણ આ ઉપાયથી દૂર થઈ જાય છે. તમે આ દિવસે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને ભોજન ગ્રહણ કરાવો છો તો તે પણ આપના માટે વિશેષ ફળદાયી બની રહે છે.
આંબાના કાષ્ઠથી હવન કરો
નવરાત્રીના નવ દિવસોમાં દેવી ઉપાસના કર્યા બાદ હવન કરવાનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે આપ નોમની તિથિના દિવસે વિધિ વિધાન સાથે આંબાના વૃક્ષની લાકડીથી હવન કરો છો, તો તેના ધુમાડાની સાથે નકારાત્મક શક્તિઓ તમારા ઘરની બહાર નીકળી જાય છે. અને આપના ઘરમાં સમૃદ્ધિનું આગમન થાય છે. એટલું જ નહીં, હવન કરવાથી આપના ઘરની આર્થિક સ્થિત પણ સારી બની રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)