હિન્દુ ધર્મમાં જ્યોતિષને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં નવા અને શુભ કાર્યો કરતાં પહેલા મૂહુર્ત જોવામાં આવે છે કહેવાય છે કે નક્ષત્રો અને ગ્રહોની અંતરિક્ષની સ્થિતિ જોઇને શુભ અને અશુભ મૂહુર્ત નક્કી કરવામાં આવે છે. જેમ કે શુભ મૂહુર્તમાં કરવામાં આવતા કાર્યોમાં સફળતા અને સમૃદ્ધિ મળે છે એ જ રીતે અશુભ મૂહુર્તમાં કરવામાં આવતા કાર્યોમાં વિપરિત પરિણામો મળે છે.
અશુભ મૂહુર્તમાં કરવામાં આવતા નવા કાર્યો શરૂ થતા પહેલાં જ કેટલાય પ્રકારની સમસ્યા લઇને આવે છે . આ જ પ્રકારના અશુભ મૂહુર્તમાંથી એક છે પંચક એટલે કે 5 અશુભ દિવસો. પંચકમાં કોઇપણ પ્રકારના માંગલિક કાર્યો કરવાનો નિષેધ છે. તેમાં નવા વ્યાપાર , નોકરી બદલવી જેવા કાર્યો નથી કરવામાં આવતા. આ વર્ષે માર્ચ મહિનામાં વર્ષનું ત્રીજું પંચક આવી રહ્યં છે. તો ચાલો જાણીએ કે આ પંચક ક્યારથી શરૂ થાય છે તેમજ આ સમય દરમ્યાન કેવા કાર્યો ન કરવા જોઇએ.
ક્યારે અને કેવી રીતે લાગે છે પંચક
જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 28 નક્ષત્રો છે. આ દરેક નક્ષત્રમાં ચંદ્ર ગોચર કરે છે. ધનિષ્ઠા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ, રેવતી અને શતભિષા નક્ષત્ર પર જ્યારે ચંદ્ર ગોચર કરે છે ત્યારે પંચક કાળ લાગે છે. જ્યોતિશ શાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિ પર ગોચર કરે છે ત્યારે પંચક લાગે છે. જે દિવસે પંચક શરૂ થાય છે તેના આધારે પંચકનું નામ નક્કી થાય છે.
જેમ કે રવિવારથી શરૂ થનાર પંચકને રોગ પંચક કહે છે. સોમવારના દિવસે શરૂ થનાર પંચકને રાજ પંચક કહે છે. મંગળવારના દિવસે શરૂ થનાર પંચકને અગ્નિ પંચક કહે છે. બુધવાર અને ગુરુવારથી શરૂ થનાર પંચકને દોષમુક્ત પંચક કહે છે એટલે કે આ પંચક અશુભ માનવામાં નથી આવતું. શુક્રવારના દિવસે શરૂ થનાર પંચકને ચોર પંચક અને શનિવારના દિવસે શરૂ થનાર પંચકને મૃત્યુ પંચક માનવામાં આવે છે.
રોગપંચકમાં ભૂલથી પણ આ કાર્યો ન કરવા
રોગ પંચકમાં દરેક પ્રકારના માંગલિક કાર્યો ન કરવાની સલાહ આપવામાં આવે છે. પોતાના નામની જેમ જ આ પંચક પાંચ દિવસ સુધી શારીરિક અને માનસિક રીતે પીડા આપનાર માનવામાં આવે છે. એવામાં આ રોગપંચકનો સમયગાળો 5 દિવસ સુધી રહેશે એટલે આ પાંચ દિવસો સુધી સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ બેદરકાર ન રહેવું કારણ કે તેના પ્રભાવથી બીમારીઓ વધવાની શક્યતા વધી જાય છે.
પંચક દરમ્યાન લાકડાની કોઇપણ નવી વસ્તુ ન બનાવડાવવી જોઇએ. જેમ કે પલંગ ન બનાવડાવવા જોઇએ, ખાટલાને પણ ન બનાવવા જોઇએ. કારણ કે તેનાથી જે પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરે તે રોગગ્રસ્ત રહે છે.
આ પાંચ દિવસો દરમ્યાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઇએ. કારણ કે આ યમની દિશા માનવામાં આવે છે. જો આપને જવું પડે એમ હોય તો તમારે દહીં ખાઇને નીકળવું જોઇએ.
ઘરની છત પણ ન બનાવડાવવી જોઇએ. નવા ઘરનું બાંધકામ પણ ન શરૂ કરવું જોઇએ. માન્યતા એવી છે કે આ સમય દરમ્યાન નવું ઘર બનાવડાવો તો તે ઘરમાં હંમેશા અશાંતિનું વાતાવરણ રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)