હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ 9 દિવસોમાં દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 22 માર્ચ 2023થી શરૂ થશે. માતા દુર્ગાની પૂજામાં અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. નવરાત્રિના આ 9 દિવસોનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે.
આ સાથે માતાનો શ્રૃંગાર અને પ્રસાદ દરરોજ અલગ-અલગ હોય છે. જ્યોતિષી અનુસાર 9 દિવસ સુધી માતાને પોતાનો મનપસંદ ભોગ ચઢાવવાથી આપણે તેમના આશીર્વાદ મેળવી શકીએ છીએ.
-માતા શૈલપુત્રી
નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીને સફેદ વસ્તુઓ અને ગાયના ઘીથી બનેલું ભોજન પ્રસાદ રૂપે પીરસવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા શૈલપુત્રીને સફેદ વસ્તુ અર્પિત કરવાથી વ્યક્તિને વિવિધ રોગોથી રાહત મળે છે અને કેટલાક જૂના રોગથી પણ મુક્તિ મળે છે.
-માતા બ્રહ્મચારિણી
માતા બ્રહ્મચારિણીને સાકર પંચામૃત અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીને પંચામૃત અને સાકરથી બનેલી વસ્તુઓ અર્પણ કરવાથી ઉંમરમાં વૃદ્ધિનું વરદાન મળે છે.
-માતા ચંદ્રઘંટા
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માનસિક, શારીરિક અને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે ચંદ્રઘંટા દેવીને દૂધથી બનેલી મીઠાઈઓ ચઢાવવી જોઈએ.
– માતા કુષ્માંડા
નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માલપુઆનો પ્રસાદ માતા કુષ્માંડાને અર્પણ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે મા કુષ્માંડાના આશીર્વાદથી વ્યક્તિની બુદ્ધિ વધે છે અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.
-માતા સ્કંદમાતા
નવરાત્રના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. મા સ્કંદમાતાને કેળા અર્પણ કરવાથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય અને વિવિધ રોગોથી મુક્તિ મળે છે.
-માતા કાત્યાયની
નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર, પરિવારમાં મધુરતા જાળવી રાખવા માટે માતાને મધ અને મીઠી સોપારી અર્પણ કરવી જોઈએ. માન્યતા અનુસાર આવું કરવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહે છે.
– મા કાલરાત્રી
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, માતા કાલરાત્રી એ દેવી છે જે તેના ભક્તોને મુશ્કેલીઓમાંથી ઉગારે છે. નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. માતા કાલરાત્રીની પૂજામાં ગોળથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. માન્યતા અનુસાર, આ કરવાથી વ્યક્તિ ગુપ્ત શત્રુ પર જીત મેળવી શકે છે.
માતા મહાગૌરી
નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર ધન અને સંતાન સુખ મેળવવા માટે માતા મહાગૌરીને નારિયેળથી બનેલી વાનગીઓ અર્પણ કરવી જોઈએ. તેનાથી ભૌતિક સુખ મળે છે અને આ દિવસે મહાઅષ્ટમી પણ ઉજવવામાં આવે છે.
માતા સિદ્ધિદાત્રી
મહા નવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર માતા સિદ્ધિદાત્રીને ચણા, પુરી, હલવાનો પ્રસાદ ચઢાવવો શુભ હોય છે. આ સિવાય આ દિવસે નવ કન્યાઓની પૂજા કરવી અને તેમને ભોજન કરાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને અમે તેનાથી સંબંધિત કોઈ દાવો કરતા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)