હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની સુદ પક્ષની એકમની તિથિથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. જે નોમની તિથિએ સમાપ્ત થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી શુભ સંયોગો સાથે આવી રહી છે. તિથિની વાત કરીએ તો ચૈત્રી નવરાત્રી 22 માર્ચથી શરૂ થઇને 30 માર્ચે પૂર્ણ થશે. મોટાભાગના ઘરોમાં માતા દુર્ગાના આગમનની તૈયારીઓ થવા લાગી છે.
ઘરની સાફ-સફાઇથી લઇને ઘરને રંગકામ કરાવવાનું શરૂ થઇ ગયું છે. પરંતુ, કેટલીક વાર એવું પણ બને છે કે ઘરની સાફ-સફાઈ બાદ પણ આપણે કેટલીક વસ્તુઓ ઘરમાંથી નથી નીકાળતા. જેના લીધે આપણા જીવનમાં તેની ખરાબ અસરો પડે છે અને વ્યક્તિને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ તે કઈ વસ્તુઓ છે કે જે નવરાત્રી પહેલાં જ ઘરમાંથી નીકાળી દેવી જોઈએ.
ખંડિત મૂર્તિઓ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી દેવતાની ખંડિત મૂર્તિ ભૂલથી પણ ન રાખવી જોઈએ. જો મૂર્તિ થોડી પણ તૂટેલી કે કપાયેલી હોય તો તેને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવી જોઇએ. જેનાથી આપ દુર્ભાગ્યથી બચી શકો !
બંધ ઘડિયાળ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોવાથી ઘરના લોકોનું નસીબ પણ અટકી જાય છે. એટલે જ ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળ ન રાખવી જોઇએ. તેને તરત જ સરખી કરાવી દેવી અથવા તો તેને બદલી દેવી જોઇએ. નહીં તો આપના ઘરના સભ્યોની પ્રગતિ અટકી જશે અને તેનાથી આપની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઇ શકે છે !
તૂટેલા કાચ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલો કાચ કે પછી કાચની કોઈપણ તૂટેલી વસ્તુ ક્યારેય ન રાખવી જોઈએ. કહે છે કે તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. જેના કારણે આપના ઘરની આર્થિક સ્થિતિ નબળી થઈ જાય છે અને ઘરમાં કલેશ કંકાસનું વાતાવરણ સર્જાયેલું રહે છે. એટલે જ ઘરમાં ક્યારેય કાચની તૂટેલી વસ્તુઓ ન રાખવી જોઈએ.
રૌદ્ર રૂપની મૂર્તિ
વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર કે પછી ઘરના કોઇપણ સ્થાનમાં દેવી-દેવતાની રૌદ્ર સ્વરૂપની મૂર્તિ ન રાખવી જોઇએ. જો આ પ્રકારની મૂર્તિ ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં હંમેશા તણાવનું વાતાવરણ સર્જાયેલું રહે છે. તેમજ ઘરમાં તે અનિષ્ટનું કારણ પણ બની શકે છે ! કહે છે કે તેના લીધે ઘર પર અનિષ્ટ ઘટનાઓ ઘટવાની શક્યતાઓ વધી જાય છે.
ફાટેલા ધાર્મિક પુસ્તકો !
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય ફાટેલા ધાર્મિક પુસ્તકો ન રાખવા જોઇએ. જો કોઇ ધાર્મિક પુસ્તક ફાટી જાય તો તેને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવા જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)