fbpx
Monday, December 23, 2024

ચૈત્ર નવરાત્રિમાં કયા દિવસે નવદુર્ગાના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવશે? જાણો એ ફળદાયી મંત્ર જે લાવે છે દેવીની કૃપા!

હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની નવરાત્રીનું આગવું જ મહત્વ રહેલું છે. નવરાત્રીના આ નવ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ તેમના કુળદેવની ઉપાસના કરતા હોય છે. તો, સાથે જ માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અને મંત્રજાપના અનુષ્ઠાનનું પણ આગવું જ મહત્વ છે. નવદુર્ગાના આ મંત્ર સાધકને વિધ વિધ ફળની પ્રાપ્તિ કરાવનારા મનાય છે.

ત્યારે, આવો આપણે એ જાણીએ કે આ નવરાત્રી દરમિયાન કયા દિવસે નવદુર્ગાના કયા રૂપની ઉપાસના કરશો ? અને કયા મંત્રનો જાપ કરશો ?

ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન

આ વખતે ચૈત્રી નવરાત્રી 22 માર્ચ, બુધવારથી શરૂ થશે. અને 30 માર્ચ, ગુરુવારે રામનવમીની ઉજવણી સાથે સમાપ્ત થશે. આ નવ દિવસ દરમિયાન મા દુર્ગાના વિધ વિધ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તે સમયે જે-તે દેવીના મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જરૂરી મનાય છે. એટલે કે, સાધકે માતાના મંત્રની એક માળા તો જરૂરથી કરવી જોઈએ. દિવસ પ્રમાણે આ મંત્ર નીચે પ્રમાણે છે.

પ્રથમ નોરતું

ચૈત્રી નવરાત્રીનું પ્રથમ નોરતું 22 માર્ચ, બુધવારે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં ઘટસ્થાપના કરી મા દુર્ગાના શૈલપુત્રી રૂપની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર દેવી શૈલપુત્રીના પૂજનથી સાધકના ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. દેવી શૈલપુત્રીની કૃપાને પ્રાપ્ત કરવાનો મંત્ર છે “ૐ એં હ્રીં ક્લીં શૈલપુત્ર્યૈ નમઃ”

બીજું નોરતું

બીજું નોરતું 23 માર્ચ, ગુરુવારે છે. ચૈત્રી નવરાત્રીના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. કહે છે કે દેવી બ્રહ્મચારિણીના પૂજનથી સાધકને સંયમ, વૈરાગ્ય અને વિજય પ્રાપ્ત થાય છે. દેવીને પ્રસન્ન કરવાનો મંત્ર છે. “ૐ એં હ્રીં ક્લીં બ્રહ્મચારિણ્યૈ નમઃ”

ત્રીજું નોરતું

ચૈત્રી નવરાત્રીનું ત્રીજું નોરતું 24 માર્ચ, શુક્રવારે આવશે. ત્રીજા નોરતે મા નવદુર્ગાના ચંદ્રઘંટા રૂપની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર માતા ચંદ્રઘંટાની ઉપાસનાથી સાધકને તમામ પ્રકારના કષ્ટોથી મુક્તિ મળે છે અને તે મોક્ષ તરફ ગતિ કરે છે. દેવી ચંદ્રઘંટાને પ્રસન્ન કરવાનો મંત્ર છે “ૐ એં હ્રીં ક્લીં ચંદ્રઘંટાયૈ નમઃ”

ચોથું નોરતું

આ વખતે ચોથું નોરતું 25 માર્ચ, શનિવારે છે. ચોથા નોરતે મા નવદુર્ગાના કૂષ્માંડા રૂપની પૂજા કરવામાં આવે છે. દેવી કૂષ્માંડા યશ, બળ અને આયુષ્યની વૃદ્ધિ કરાવનારા છે. દેવીને પ્રસન્ન કરવાનો મંત્ર છે “ૐ એં હ્રીં ક્લીં કૂષ્માંડાયૈ નમઃ”

પાંચમું નોરતું

પાંચમી નવરાત્રી 26 માર્ચ, રવિવારે પડી રહી છે. આ નોરતે મા નવદુર્ગાના સ્કંદમાતા રૂપની ઉપાસના કરવામાં આવે છે. સ્કંદમાતાના પૂજનથી સાધકને સુખ, શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. દેવીની કૃપા પ્રાપ્ત કરાવતો મંત્ર છે “ૐ એં હ્રીં ક્લીં સ્કંદમાતાયૈ નમઃ”

છઠ્ઠું નોરતું

ચૈત્રી નવરાત્રીનું છઠ્ઠું નોરતું, 27 માર્ચ, સોમવારે છે. છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની ઉપાસનાનો મહિમા છે. માતા કાત્યાયનીની પૂજાથી સંતાપ, ભય, રોગ અને શોકનો નાશ થાય છે. દેવી સાધકને મોક્ષ તરફ લઈ જાય છે. તેમની કૃપાને પ્રાપ્ત કરાવતો મંત્ર છે “ૐ એં હ્રીં ક્લીં કાત્યાયન્યૈ નમઃ”

સાતમું નોરતું

28 માર્ચ, મંગળવારે સાતમું નોરતું રહેશે. સાતમા નોરતે મા નવદુર્ગાના કાલરાત્રી સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. કાલરાત્રીની પૂજા શત્રુઓનો નાશ કરનારી મનાય છે. તે સાધકને સુખ, શાંતિની પ્રાપ્તિ કરાવે છે. દેવીને પ્રસન્ન કરવાનો મંત્ર છે “ૐ એં હ્રીં ક્લીં કાલરાત્ર્યૈ નમઃ”

આઠમું નોરતું

ચૈત્રી નવરાત્રીનું આઠમું નોરતું 29 માર્ચ, બુધવારે રહેશે. આઠમા નોરતે માતા નવદુર્ગાના મહાગૌરી રૂપની ઉપાસના કરવામાં આવે છે. માન્યતા અનુસાર મહાગૌરીની પૂજાથી સાધકને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, અશક્ય કાર્યો પણ પરિપૂર્ણ થાય છે ! દેવીની કૃપાને પ્રાપ્ત કરવનારો મંત્ર છે “ૐ એં હ્રીં ક્લીં મહાગૌર્યૈ નમઃ”

નવમું નોરતું

ચૈત્રી નવરાત્રીનું છેલ્લું નોરતું 30 માર્ચ, ગુરુવારે છે. આ દિવસે રામનવમી ઉજવવામાં આવશે. આ દિવસે નવદુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની આરાધનાનો મહિમા છે. સિદ્ધિદાત્રીના પૂજનથી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. દેવીને પ્રસન્ન કરવાનો મંત્ર છે “ૐ એં હ્રીં ક્લીં સિદ્ધિદાત્ર્યૈ નમઃ”

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles