જ્યારે વ્યક્તિની કુંડળીમાં વિવિધ ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે તેને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પણ, જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય જ નબળો હોય તેનું તો જીવન જ દુઃખનો પર્યાય બની જાય છે. કારણ કે, સૂર્ય દેવતાને તમામ ગ્રહોના સ્વામી માનવામાં આવે છે. જ્યારે સૂર્ય જ કુંડળીમાં નબળો હોય ત્યારે અન્ય ગ્રહો પણ વ્યક્તિને શુભ પરિણામ નથી આપતા.
કે પછી અન્ય ગ્રહોની શુભ ચાલ પણ જીવનને પ્રગતિ તરફ લઈ જવામાં નિષ્ફળ નિવડે છે ! અલબત્, કેટલાંક સરળ ઉપાય દ્વારા વ્યક્તિ આ મુસીબતમાં રાહતની પ્રાપ્તિ કરી શકે છે. આવો, તે વિશે માહિતી મેળવીએ.
સૂર્યદોષના ગેરલાભ
⦁ જ્યારે સૂર્ય અશુભ ફળ આપતો હોય, ત્યારે વ્યક્તિને ચામડીના રોગ કે હાડકા સંબંધિત રોગ સતાવતા જ રહે છે.
⦁ સૂર્યદોષથી પીડિત વ્યક્તિમાં આત્મવિશ્વાસની ઉણપ જોવા મળે છે.
⦁ જેમની કુંડળીમાં સૂર્ય નબળો છે, તેવી વ્યક્તિને માન સન્માન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
⦁ સૂર્યદોષના લીધે પિતા-પુત્રના સંબંધોમાં પણ ખટરાગ જોવા મળે છે.
⦁ કુંડળીમાં જો સૂર્ય નબળો હોય તો ઘણીવાર કોઈપણ અપરાધ કે ખોટા કાર્ય વગર પણ વ્યક્તિ પર કલંક લાગે છે ! અને તેને હતાશા ઘેરી વળે છે.
અર્ઘ્યથી મળશે આશીર્વાદ !
⦁ કુંડળીના સૂર્યને મજબૂત કરવા નિત્ય સૂર્યોદય સમયે સૂર્યદેવતાને જળ અર્પણ કરવું જોઈએ.
⦁ સૂર્ય દેવતાને તમે જ્યારે અર્ઘ્ય અર્પણ કરો ત્યારે તેમાં કુમકુમ, દૂર્વા અને લાલ રંગનું પુષ્પ ઉમેરવું.
⦁ આ સમયે “ૐ બ્રહ્મ સ્વરૂપિણે સૂર્યનારાયણાય નમઃ” એમ ઓછામાં ઓછું ત્રણ વાર બોલવું અને પછી સૂર્ય દેવતાને જળ અર્પણ કરવું.
⦁ કહે છે કે આ ઉપાયથી ચોક્કસપણે સૂર્યદોષની પીડામાં રાહતની પ્રાપ્તિ થાય છે.
મધથી સૂર્યદોષ થશે શાંત !
⦁ જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો રવિવારના દિવસે એક ખાસ ઉપાય અજમાવો.
⦁ કોઈ મંદિરમાં જઈને મધની એક બોટલનું દાન કરી દો.
⦁ આ પ્રયોગ સળંગ 7 રવિવાર સુધી કરવો જોઈએ.
⦁ માન્યતા અનુસાર આ રીતે મધની બોટલનું દાન કરવાથી સૂર્યદોષ હળવો બને છે. અને ધીમે ધીમે જાતકના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. તેમજ તેને સમાજમાં પુનઃ માન-સન્માનની પણ પ્રાપ્તિ થાય છે.
બુધ ગ્રહને મજબૂત કરશે મધ !
મધની મદદથી વ્યક્તિ તેના સૂર્યદોષને જ નહીં, પણ, બુધના દોષોને પણ શાંત કરી શકે છે. કહે છે કે જ્યારે વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો આવી વ્યક્તિને સોરાયસીસ, ગળામાં રોગ કે શ્વાસનળીમાં અવરોધ જેવી સમસ્યા સતાવે છે. આ પીડાથી રાહત અર્થે વ્યક્તિએ ઇલાયચીની સાથે મધ મિક્સ કરીને તેને નહાવાના પાણીમાં ઉમેરવું જોઈએ. અને ત્યારબાદ તે જળથી સ્નાન કરવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિને ચોક્કસપણે બુધના દોષથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)