fbpx
Monday, December 23, 2024

ચૈત્રી નવરાત્રિમાં રાશિ પ્રમાણે કરો આ દેવીની પૂજા, આખા વર્ષ દરમિયાન મળશે શુભ ફળ!

ચૈત્રી નવરાત્રી દરમ્યાન માઈ ભક્તો જપ, તપ અને અનુષ્ઠાન કરતા હોય છે. નવદુર્ગાના વિવિધ સ્વરૂપોની આરાધના કરતા હોય છે. પણ, કહે છે કે જો તમે નવરાત્રી દરમ્યાન રાશિ અનુસાર મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની આરાધના કરો છો, તો મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકો છો. કહે છે કે રાશિ અનુસાર મા દુર્ગાના વિવિધ રૂપની પૂજા કરવાથી, તેમને ખાસ પ્રકારના પુષ્પ અર્પણ કરવાથી સમગ્ર વર્ષ માતાના આશીર્વાદ શ્રદ્ધાળુઓને મળતા જ રહે છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોએ સ્કંદમાતાની પૂજા કરવી જોઈએ. દેવીને પૂજામાં લાલ રંગના પુષ્પ જેમ કે જાસૂદ, લાલ કમળ, લાલ ગુલાબ વગેરે અર્પણ કરવા. સાથે જ શ્રીદુર્ગા ચાલીસા કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઇએ.

વૃષભ રાશિ

આ રાશિના જાતકે માતા મહાગૌરીની સફેદ રંગના પુષ્પથી પૂજા કરવી જોઈએ. પૂજા સમયે લલિતા સહસ્ત્રનામના પાઠ કરવા જોઇએ.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ માતા બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઇએ. માતા બ્રહ્મચારિણીને પીળા રંગના પુષ્પ અર્પિત કરવા જોઇએ. સાથે જ તારા કવચનો પાઠ કરવો આપના માટે લાભદાયી સાબિત થશે.

કર્ક રાશિ

આ જાતકોએ માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવી જોઈએ. આપે માતા શૈલપુત્રીની પૂજામાં સફેદ કે ગુલાબી રંગના પુષ્પોનો ઉપયોગ કરવો જોઇએ. તેમજ લક્ષ્‍મી સહસ્ત્રનામના પાઠ કરવાથી આપના જીવનમાં ઉન્નતિ આવશે.

સિંહ રાશિ

આપે માતા કૂષ્માંડાની પૂજા નારંગી અને લાલ રંગના પુષ્પથી કરવી જોઇએ. આપનો સ્વામી ગ્રહ સૂર્ય છે. એટલે આપે માતા કૂષ્માંડાના મંત્રની 5 માળા પણ જરૂરથી કરવી જોઇએ.

કન્યા રાશિ

આ રાશિના જાતકે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઇએ. પૂજામાં પીળા રંગના પુષ્પોનો ઉપયોગ કરવો જોઇએ. કન્યા રાશિના જાતકો નવરાત્રી દરમ્યાન જો લક્ષ્‍મી મંત્રનો જાપ કરે છે, તો તેમની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

તુલા રાશિ

આ રાશિના જાતકોએ નવરાત્રીમાં માતા મહાગૌરીની પૂજા કરવી જોઇએ. પૂજામાં સફેદ રંગના પુષ્પોનો ઉપયોગ કરવો જોઇએ. શ્રીકાલી ચાલીસા કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઇએ. કહે છે કે આ ઉપાયથી આપના પર માતાજીની કૃપા અવિરત વરસતી રહેશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોએ સ્કંદમાતાની પૂજા કરવી જોઇએ. તેમને લાલ રંગના પુષ્પ અર્પણ કરવા જોઇએ. સાથે જ શ્રીદુર્ગા સપ્તશતીના પાઠ કરવા જોઇએ. કહે છે કે તેનાથી આપનું કલ્યાણ થશે.

ધન રાશિ

ધન રાશિના જાતકોએ નવદુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવી જોઈએ. દેવીને પૂજામાં પીળા રંગના પુષ્પ અર્પણ કરવા જોઈએ. સાથે માતા ચંદ્રઘંટાના મંત્રની 2 માળાનો જાપ કરવો જોઇએ. તેનાથી પ્રસન્ન થઈ માતા દુર્ગા આપની મનોકામનાની પૂર્તિ કરશે.

મકર રાશિ

મકર રાશિના જાતકે માતા કાલરાત્રીની પૂજા કરવી જોઇએ. માતાજીને લાલ ગુલાબ કે જાસૂદના પુષ્પ અર્પણ કરવા જોઇએ. કહે છે કે માતા કાલરાત્રીના આશીર્વાદથી આપની દરેક મનોકામના અને કાર્યો સફળ થશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોએ પણ માતા કાલરાત્રીની પૂજા કરવી જોઈએ. અને દેવી કવચનો પાઠ કરવો જોઈએ. કારણ કે, આ રાશિના સ્વામી ગ્રહ શનિ છે. મા કાલરાત્રીની કૃપાથી પરિવારમાં સમૃદ્ધિનું આગમન થશે.

મીન રાશિ

મીન રાશિના જાતકે માતા ચંદ્રઘંટાની પૂજા કરવી જોઈએ. દેવીને પીળા રંગના પુષ્પ અર્પણ કરવા જોઈએ. સાથે જ માતા બગલામુખીના મંત્રનો જાપ કરવો જોઇએ. માતા દુર્ગાની કૃપાથી આપને સમગ્ર વર્ષ દરમ્યાન ઉન્નતિના આશીર્વાદની પ્રાપ્તિ થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles