fbpx
Monday, December 23, 2024

દેવી લક્ષ્મીના ચરણોના લાવશે ઘરમાં સમૃદ્ધિ, નવરાત્રિમાં યાદ રાખો આ વાસ્તુ નિયમ!

આજે ચૈત્ર સુદ એકમનો રૂડો અવસર છે. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. 9 દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવશે. અને માઈભક્તો આદ્યશક્તિની ભક્તિમાં લીન થશે. પણ કહે છે કે આ નવરાત્રી દરમ્યાન તમે મા ભવાનીની ઉપાસના સાથે જો કેટલાંક વાસ્તુ નિયમોનું પાલન કરો છો, કેટલાંક વાસ્તુ ઉપાયોને અજમાવો છો, તો તમારા જીવનમાં પ્રગતિના તમામ માર્ગ ખૂલી જાય છે.

ત્યારે આવો આપને એ જણાવીએ કે નવરાત્રી દરમ્યાન કયા વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ ? અને કયા સરળ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિનું આગમન કરાવશે !

ઘટસ્થાપના સાથે જોડાયેલ વાસ્તુ નિયમ

નવારત્રીની પૂજામાં કળશ સ્થાપના ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેને ઘટસ્થાપના તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા એ છે કે આ ઘટસ્થાપના કરવાથી ઘરમાં દરેક દેવી-દેવતાઓનો વાસ થાય છે. ઘટસ્થાપનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ તેને મંગળ કામનાઓનું પ્રતિક પણ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર કળશની સ્થાપના હંમેશા ઘરના ઇશાન ખૂણા પર જ કરવી જોઇએ. માન્યતા છે કે આ દિશામાં ઇશ્વરનો વાસ હોય છે. કળશ સ્થાપનાનું સ્થાન એકદમ સ્વચ્છ હોય તે ખૂબ જ જરૂરી છે. કારણે તેનાથી ઘરના દરેક સભ્ય રોગમુક્ત રહેશે અને આપ પર માતા લક્ષ્‍મીની કૃપા અકબંધ રહેશે.

અખંડ દીવા સાથે જોડાયેલ વાસ્તુ નિયમ

જ્યોતિષ શાસ્ત્રમાં અખંડ દીવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. દીવાને આર્થિક સમૃદ્ધિ, સુખ-શાંતિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. જો આપ ઇચ્છો તો નવરાત્રીમાં અખંડ જ્યોત રાખી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે દીવો દક્ષિણ-પૂર્વ દિશામાં જ રાખવો જોઇએ. આ સ્થાનને દીવો રાખવા માટે ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

માતા લક્ષ્‍મીના ચરણથી આર્થિક સમૃદ્ધિ !

ચૈત્રી નવરાત્રીના 9 દિવસ દરમ્યાન નિત્ય ઘરના મુખ્ય દ્વાર પર માતા લક્ષ્‍મીના ચરણની પ્રતિકૃતિ બનાવવી. આ પ્રતિકૃતિ એ રીતે તૈયાર કરવી જોઈએ કે જેથી ચરણ ઘરની અંદર આવતા હોય તેવું લાગે. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરના ધન-વૈભવમાં વધારો થાય છે.

વેપારમાં પ્રગતિ અર્થે

નવરાત્રી દરમ્યાન વેપારીઓએ તેમની ઓફિસ કે દુકાનમાં એક વિશેષ પ્રયોગ અજમાવવો જોઈએ. ઓફિસ કે દુકાનના મુખ્યદ્વાર પર એક વાસણમાં પાણી ભરીને પૂર્વ અને ઉત્તર દિશામાં રાખી દો. સાથે જ પાણીમાં લાલ અને પીળા રંગના પુષ્પ ઉમેરો. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી વ્યવસાયમાં પ્રગતિના દ્વાર ખુલી જાય છે.

કન્યાપૂજન દૂર કરશે વાસ્તુદોષ !

ચૈત્રી નવરાત્રીના 9 દિવસ પૂર્ણ થયા બાદ ઘરમાં કન્યાપૂજન જરૂરથી કરવું જોઈએ. કન્યાઓને સન્માનપૂર્વક ભોજન કરાવો અને તમારા સામર્થ્ય અનુસાર તેમને દક્ષિણા આપો. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી ઘરના દરેક પ્રકારના વાસ્તુદોષ દૂર થઈ જાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles