ચૈત્રી નવરાત્રીનો રૂડો અવસર ચાલી રહ્યો છે. માઈ ભક્તો માતા દુર્ગાની પૂજા-અર્ચના દ્વારા તેમની કૃપાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ, આજે અમારે આપને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરાવતો એક એવો ઉપાય જણાવવો છે, કે જેના વિશે જાણીને તમને ચોક્કસથી આશ્ચર્ય થશે. આ ઉપાય લીમડાના વૃક્ષ સાથે જોડાયેલો છે.
લીમડાના વૃક્ષને ધરતી પર વરદાનથી ઓછું માનવામાં નથી આવતું. ત્યારે આવો, જાણીએ કે દેવી દુર્ગા સાથે આ વૃક્ષનો શું છે નાતો ? અને નવરાત્રીમાં આ વૃક્ષ તમને કેવી રીતે આદ્યશક્તિની કૃપાની પ્રાપ્તિ કરાવશે ?
જ્યોતિષ શાસ્ત્રમાં લીમડાનો મહિમા !
જ્યોતિષ શાસ્ત્રમાં લીમડાના વૃક્ષનો સંબંધ શનિ અને કેતુ સાથે જોડાયેલો છે. એટલે આ બંને ગ્રહોની શાંતિ માટે ઘરમાં લીમડાનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે. લીમડાના કાષ્ઠથી હવન કરવાથી શનિ ગ્રહની શાંતિ થાય છે અને તેના પાનને જળમાં ઉમેરીને સ્નાન કરવાથી કેતુ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.
નીમારી દેવી કોણ ?
લીમડાના વૃક્ષમાં ગણેશજીનો વાસ હોવાની માન્યતા પ્રચલિત છે. તો સાથે જ તેમાં માતા દુર્ગાનો પણ વાસ હોવાની માન્યતા છે. એ જ કારણ છે કે આ વૃક્ષને ઘણી જગ્યાઓ પર નીમારી દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે. અને નવરાત્રીના દિવસોમાં તેની પૂજા કરવામાં આવે છે. કહે છે કે નવરાત્રીના દિવસોમાં આ વૃક્ષની પૂજા કરવાથી માતા દુર્ગાની વિશેષ પ્રસન્નતાની શ્રદ્ધાળુઓને પ્રાપ્તિ થાય છે.
માત્ર વૃક્ષ નહીં, શ્રેષ્ઠ ઔષધ છે લીમડો !
લીમડાને સંસ્કૃતમાં નીમ્બ કહે છે. આ વૃક્ષ પોતાના ઔષધીય ગુણોના કારણે પારંપરિક ઉપચારમાં બહુ ઉપયોગી અને સિદ્ધ માનવામાં આવે છે. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા જેવા પ્રાચીન ચિકિત્સા ગ્રંથોમાં પણ લીમડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના પાન, વૃક્ષની છાલ, બીજ તેમજ મૂળમાં પણ ઘણા પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે.
લીમડો સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે ગુણકારી !
લીમડાને સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે ગુણકારી માનવામાં આવ્યો છે. લીમડાના પાનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. એ કારણે તે સંક્રમણ, બળતરા કે ત્વચાને સુધારવા માટે પણ લાભદાયી મનાય છે. તે ચહેરા પર પડતી કરચલીઓને દૂર કરવામાં પણ મદદરૂપ બને છે.
નકારાત્મક ઊર્જાને દૂર કરશે લીમડો !
લીમડાના વૃક્ષનું ઔષધીય મહત્વ તો છે જ. સાથે સાથે તેનું ધાર્મિક મહત્વ પણ છે. કહે છે કે લીમડાના પાનના ધુમાડાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. તેમજ તેનાથી પ્રેત આત્માઓ સંબંધિત બાધાઓ પણ દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)