ચૈત્રી નવરાત્રીનો પાવન અવસર ચાલી રહ્યો છે, ત્યારે અમારે આજે આપને એક એવાં શક્તિધામ વિશે વાત કરવી છે કે જેની મહત્તા જ અદકેરી છે. આ એ સ્થાનક છે કે જ્યાં આદિશક્તિનું અત્યંત દુર્લભ રૂપ વિદ્યમાન છે. આ સ્થાન એટલે પશ્ચિમ બંગાળમાં બીરભૂમ જિલ્લામાં વિદ્યમાન તારાપીઠ ! આવો, આજે આ શક્તિ સ્થાનકનો મહિમા જાણીએ.
સિદ્ધપીઠ તારાપીઠ !
તારાપીઠ અર્થાત્ એ શક્તિસ્થાન કે જે જીવને ભોગ અને મોક્ષ બંન્ને પ્રદાન કરનારું મનાય છે. આદિશક્તિની 51 શક્તિપીઠમાં તો આ સ્થાનકનો ઉલ્લેખ નથી. પરંતુ, દેવીભાગવત અનુસારની 108 શક્તિપીઠમાં તારાપીઠ સંબંધિત વર્ણન છે. માન્યતા અનુસાર દેવી સતીનું ઊર્ધ્વ નેત્ર અર્થાત્ ત્રીજું નેત્ર આ જ ધરા પર પડ્યું હતું. અને એટલે જ તો ભક્તોને મન આદિશક્તિના આ સ્થાનકના દર્શનનો સવિશેષ મહિમા છે. દેવી તારા એ “નયનતારા”ના નામે પણ પૂજાય છે. આ આદિશક્તિની સિદ્ધપીઠ મનાય છે.
દેવી તારાનો મહિમા
દેવી તારા એ દસ મહાવિદ્યામાં દ્વિતીય સ્થાન ધરાવે છે. પ્રચલિત કથા અનુસાર સમસ્ત વિશ્વની રક્ષાર્થે મહાદેવે હળાહળનું પાન તો કર્યું. પરંતુ, કાળકૂટને પીધાં બાદ મહાદેવને અત્યંત પરિતાપ થવા લાગ્યો. આખરે, દેવતાઓની પ્રાર્થનાને વશ થઈ આદિશક્તિએ મહેશ્વરને શિશુરૂપમાં પરિવર્તિત કરી દીધાં. માતૃમયી રૂપે દેવીએ બાળ શિવને દુગ્ધનું દાન કરી તેમની રક્ષા કરી. તારા શક્તિપીઠમાં માના એ જ માતૃમયી રૂપના શ્રદ્ધાળુઓને દર્શન થાય છે. અહીં મંદિરના ગર્ભગૃહમાં માતા તારાનું અત્યંત દિવ્ય રૂપ પ્રસ્થાપિત છે. દેવીના ખોળામાં બાળ શિવજી વિદ્યમાન છે. દેવીનું મુખ સદૈવ સિંદૂરથી રંગાયેલું રહે છે. એટલું જ નહીં, દેવીને રક્તવર્ણા પુષ્પ અત્યં પ્રિય હોઈ તે સદૈવ જાસૂદની પુષ્પમાળોથી શોભાયમાન રહે છે.
મા તારાના પરમ ભક્ત વામાખેપા
મા તારાના દિવ્ય સ્થાનકના પરિસરમાં જ તેમના પરમ ભક્ત વામાખેપાનું મંદિર વિદ્યમાન છે. જ્યાં સુધી આપ આ વામાખેપાના દર્શન ન કરી લો ત્યાં સુધી મા તારાના દર્શનની આ યાત્રા અપૂર્ણ જ મનાય છે. કારણ કે, એ વામાખેપા જ તો હતાં કે જેમને લીધે આ ધરાને અદ્વિતીય મહત્તાની પ્રાપ્તિ થઈ હતી. વામાખેપાનું મૂળ નામ વામદેવ હતું. પરંતુ, ખેપાનો અર્થ થાય છે પાગલ. વામદેવ મા તારાની ભક્તિ પાછળ પાગલ હોઈ લોકો તેમને વામાખેપાના નામે સંબોધવા લાગ્યા. કહેવાય છે કે વામદેવ મા તારાના ખોળામાં માથું મુકીને સૂતા. અને જ્યાં સુધી વામદેવ ખુદ ભોજન ન કરી લે ત્યાં સુધી દેવી તારા પણ ભોજનનો અસ્વિકાર જ કરતા ! માત્ર 18 વર્ષની ઉંમરે વામદેવ તારાપીઠના પીઠાધીશ બન્યા. એ તેમની જ ભક્તિ અને અનેકાવિધ ચમત્કારો હતા કે જેના લીધે આ તારાપીઠને અને સાથે જ વામપંથને આટલી પ્રસિદ્ધિ મળી.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)