રામ નવમીનો અવસર એટલે તો ભગવાન શ્રીરામચંદ્રજીની કૃપાને પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ અવસર. ભગવાન રામ અત્યંત દયાળુ છે, કૃપાળુ છે અને ભક્તની મદદ માટે સદૈવ તત્પર રહેનારા દેવ છે. ત્રેતાયુગમાં જેણે જેણે પ્રભુ શ્રીરામની શરણ લીધી, તેને તેને પ્રભુએ તારી દીધા. અને આજે કળિયુગમાં પણ તેમની શરણે આવનારા ભક્તોને પ્રભુ રામ ઉદ્ધારી રહ્યા છે.
એટલું જ નહીં, સરળ ઉપાયો થકી ભક્તોને અનેકવિધ પીડાથી મુક્તિ પણ અપાવી રહ્યા છે. ત્યારે આવો, આજે કેટલાંક એવાં સરળ ઉપાયો વિશે વાત કરીએ કે જે આપને વિવિધ પ્રકારના સંકટોમાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવશે. આ એ ઉપાય છે કે જેના થકી તમને ઘરના વાસ્તુદોષનું પણ નિવારણ મળશે. આવો, તે વિશે વિગતે જાણીએ.
વાસ્તુદોષ દૂર કરવા !
જો તમારા ઘરમાં સતત નકારાત્મક ઊર્જા વર્તાઈ રહી હોય, ઘરના સુખ-શાંતિ હણાઈ ગયા હોવાની અનુભૂતિ થતી હોય તો તેનું કારણ તમારા ઘરમાં રહેલો વાસ્તુદોષ હોઈ શકે છે. આજે રામનવમી પર શ્રીરામની કૃપા દ્વારા તમે આ નકારાત્મક ઊર્જાથી અને વાસ્તુદોષથી મુક્તિ મેળવી શકો છો. તેના માટે બસ, એક સરળ ઉપાય અજમાવવાનો છે. આજે 1 પાત્રમાં જળ લઈ રામરક્ષા મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્ર છે. “ૐ શ્રીં હ્રીં ક્લીં રામચંદ્રાય શ્રીં નમઃ ।” આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો. મંત્રજાપ પતે પછી ઘરના દરેક ખૂણામાં તે જળનો છંટકાવ કરી દેવો. માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે. તેમજ ઘરની તમામ પ્રકારની નકારાત્મ ઊર્જાથી પણ મુક્તિ મળી જાય છે.
દાંપત્યજીવનમાં મધુરતા લાવવા
જેમના દાંપત્યજીવનમાં કોઈપણ પ્રકારનો વિખવાદ ચાલી રહ્યો હોય કે પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ આવી ગઈ હોય તો આજે જરૂરથી એક ખાસ ઉપાય અજમાવો. ખાસ કરીને મહિલાઓએ આજના દિવસે ખીર બનાવવી. તેને ચંદ્રના અજવાશમાં એક કલાક રાખી મૂકવી. ત્યારબાદ દે ખીરને પતિ-પત્નીએ એકસાથે બેસીને ખાવી જોઈએ. કહે છે કે તેનાથી દાંપત્યજીવનમાં રહેલી કડવાશ દૂર થાય છે. અને પતિ-પત્નીના સંબંધોમાં ફરી મધુરતા આવે છે.
કષ્ટમાંથી મુક્તિ અર્થે
જીવન અનેક પ્રકારના કષ્ટોથી ઘેરાઈ ગયું હોય, સમસ્યામાંથી મુક્તિ અર્થે જો કોઈ માર્ગ જડી ન રહ્યો હોય તો આજના દિવસે ખાસ શ્રીરામચંદ્રજીનું શરણું લો. આજે રામનવમીએ શ્રીરામચંદ્રજીના મંદિરમાં જઈને અથવા તો ઘરમાં તેમની છબી સમક્ષ રામ સ્તુતિનું પઠન કરો. આ રામ સ્તુતિ એટલે “શ્રીરામચંદ્ર કૃપાલુ ભજમન…”નો 3 અલગ અલગ સમયે પાઠ કરો. કહે છે કે તેનાથી વ્યક્તિના સમસ્ત દુઃખ અને કષ્ટ દૂર થાય છે. અને જીવનમાં શાંતિનું આગમન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)