ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિએ શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ જ તિથિ પર તેમનું પ્રાગટ્ય થયું હતું. તો, વળી ચૈત્ર માસની પૂર્ણિમા એ હિન્દુ નવવર્ષની પ્રથમ પૂર્ણિમા મનાય છે. જેને લીધે આ તહેવારનું મહત્વ અનેકગણું વધી જાય છે. આ દિવસે પવનસુતની પૂજા કરવાનું, હનુમાનજી સંબંધી સ્તોત્રનું પઠન કરવાનું તેમજ દાનકર્મ કરવાનું સવિશેષ માહાત્મ્ય રહેલું છે.
ત્યારે આવો જાણીએ કે આ દિવસે પૂજાના સૌથી ફળદાયી મુહૂર્ત કયા છે. અને કઈ વિધિથી પૂજા કરવાથી પવનસુત સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવશે.
હનુમાન જયંતી ક્યારે ?
હનુમાન જયંતી ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિની શરૂઆત 5 એપ્રિલ, બુધવારે સવારે 9:19 કલાકે થશે. જે બીજા દિવસે એટલે કે, 6 એપ્રિલ, ગુરુવારે સવારે 10:04 કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિને મહત્વ આપતા હનુમાન જયંતી 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે.
હનુમાન જયંતીનું મહત્વ
હનુમાન જયંતીના દિવસે રામભક્ત હનુમાનજીની પૂજાની સાથે તેમના અનુષ્ઠાન, મંત્ર જાપ અને શોભાયાત્રા નીકાળવાનું વિધાન છે. માન્યતા છે કે હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની પૂજાથી સંકટમોચન પોતાના ભક્તોના દરેક સંકટ દૂર કરે છે અને પોતાના ભક્તોને સુખી જીવનના શુભાશિષ પ્રદાન કરે છે.
પૂજાનું લાભદાયી મુહૂર્ત
હનુમાન જયંતી 6 એપ્રિલ 2023, ગુરુવારના રોજ ઉજવાશે. હનુમાન જયંતીના દિવસે અત્યંત લાભદાયી અને ઉન્નતિ કરાવનારું મુહૂર્ત સવારે 6:15 થી 7:48 સુધી રહેશે. આ દિવસે સર્વોત્તમ અમૃત મુહૂર્ત પણ સવારે 7:48 કલાકે ચાલું થશે. જે સવારે 9:21 સુધી રહેશે. તે સિવાય પૂજાનું અન્ય શુભ અને ઉત્તમ મુહૂર્ત સવારે 10:53 થી બપોરે 12:26 કલાક સુધી રહેશે. માન્યતા અનુસાર આ મુહૂર્તમાં થયેલી બજરંગબલીની પૂજા અત્યંત લાભદાયી સાબિત થાય છે.
ફળદાયી પૂજા વિધિ
⦁ હનુમાન જયંતીના દિવસે સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.
⦁ લાકડાના બાજઠ પર એક પીળા રંગનું વસ્ત્ર પાથરો. અને તેના પર હનુમાનજીની પ્રતિમા અથવા તો છબી સ્થાપિત કરો.
⦁ હનુમાનજીની પૂજાનો પ્રારંભ કરતા પૂર્વે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરો.
⦁ કાચું દૂધ, દહીં, ઘી અને મધ લઈ હનુમાનજીનો અભિષેક કરો.
⦁ પવનસુતને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યા બાદ પીળા અથવા તો લાલ રંગના વસ્ત્ર ધારણ કરાવો.
⦁ પ્રભુને પુષ્પ, ધૂપ, અગરબત્તી અર્પણ કરો.
⦁ આ પૂજાવિધિ સંપન્ન થયા બાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
⦁ હનુમાન જયંતીના દિવસે આપ બજરંગ બાણ, સુંદરકાંડ અને રામાયણનો પાઠ પણ કરી શકો છો. તેનાથી આપને બજરંગબલીના આશીર્વાદ મળશે અને આપની સર્વ મનોકામનાની પૂર્તિ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)