ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ તિથિ પર જેટલો એકાદશી વ્રત રાખવાનો મહિમા છે તેટલો જ મહિમા એકાદશીની કથાના પઠન અને શ્રવણનો પણ છે. કહે છે કે, આ કથાના શ્રવણ વગર તો આ એકાદશીનું વ્રત અપૂર્ણ જ મનાય છે. કામદા એકાદશી એ તો ભયંકર પાપમાંથી મુક્તિ અપાવનારી એકાદશી છે.
ત્યારે આવો આજે આપણે આ વ્રતની પૂજાવિધિ જાણીએ. અને સાથે જ જાણીએ તેની અત્યંત રસપ્રદ કથા.
કામદા એદાદશી વ્રતનું મૂહુર્ત
ચૈત્ર સુદ એકાદશી તિથિનો પ્રારંભ 1 એપ્રિલ 2023, શનિવારે સવારે 1.58 કલાકે થશે. અને તેનું સમાપન 2 એપ્રિલ 2023, રવિવારે પરોઢે 4:19 કલાકે થશે.
ક્યારે કરશો વ્રત ?
સૂર્યોદય સમયે તિથિ 1 એપ્રિલ, શનિવારે મળી રહી છે. અને જાણકારોના જણાવ્યાનુસાર સંસારીઓ માટે, એટલે ગૃહસ્થો માટે 1 એપ્રિલ, શનિવારે વ્રત રાખવું શુભ રહેશે. જ્યારે સંન્યાસીઓ તેમજ વૈષ્ણવ સંપ્રદાય માટે 2 એપ્રિલ, રવિવારે વ્રત રાખવાનું વિધાન છે.
કામદા એદાદશી વ્રતની પૂજા વિધિ
⦁ કામદા એકાદશીએ સવારે વહેલા ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ લેવો.
⦁ વ્રતનો સંકલ્પ લીધા બાદ દેવી દેવતાઓને સ્નાન કરાવી તેમને સ્વચ્છ અને સુંદર વસ્ત્ર ધારણ કરાવો. શ્રીહરિ વિષ્ણુને ખાસ પીળા રંગના વસ્ત્ર ધારણ કરાવો. કારણ કે, પ્રભુને પીળો રંગ અત્યંત પ્રિય છે.
⦁ ભગવાન વિષ્ણુને આજે પીળા રંગના પુષ્પ, ફળ, દૂધ, તલ અને પંચામૃત જરૂરથી અર્પણ કરવા.
⦁ આજે કામદા એકાદશી હોઈ આ વ્રતની કથા જરૂરથી સાંભળવી જોઈએ અથવા તો વાંચવી જોઈએ. કહે છે કે આ વ્રત કથા સાંભળવાથી જાતકને પૂજાના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.
⦁ વ્રત કરનારે સમગ્ર દિવસ ઉપવાસ રાખવો. જરૂર જણાય તો ભોજન રૂપે માત્ર ફળ જ ગ્રહણ કરવા.
⦁ એકાદશીની તિથિએ કોઈ જરૂરિયાતમંદને દાન કરવું અત્યંત ફળદાયી મનાય છે.
⦁ રાત્રિએ શ્રીહરિનું સ્મરણ કરતાં જાગરણ કરવું.
⦁ દ્વાદશીની તિથિએ સૂર્યોદય બાદ વ્રતના પારણાં કરવા. સાથે જ કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ભોજન કરાવવું.
કામદા એકાદશીની કથા
પ્રાચીન કાળમાં પુંડરીક નામનો એક રાજા હતો. જેનું રાજ્ય હતું ભોગીપુર. રાજા પુંડરીક ધન સંપદાથી પરિપૂર્ણ હતો. તેના રાજ્યમાં લલિતા અને લલિત નામના સ્ત્રી- પુરુષ રહેતા હતા. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. એકવાર રાજા પુંડરીકની સભામાં લલિત અન્ય કલાકારો સાથે ગીત ગાઇ રહ્યો હતો. ગાતા ગાતા તેનું ધ્યાન તેની પત્ની લલિતા પર ગયું અને તેનો સ્વરભંગ થઇ ગયો. જેના કારણે તેનું ગીત બેસુરુ બની ગયું.
લલિતને મળી રાક્ષસ યોનિ !
રાજા પુંડરીક સુધી જ્યારે આ વાત પહોંચી ત્યારે રાજાએ લલિતને શ્રાપ આપ્યો કે તે મનુષ્યોને ખાનાર, કાચું માંસ ખાનાર રાક્ષસ બનશે ! લલિત એ જ સમયે મહાકાય વિશાળ રાક્ષસ બની ગયો. રાક્ષસ યોનિમાં આવ્યા બાદ લલિતનું જીવન દુઃખોથી ભરાઇ ગયું. લલિતા પોતાના પતિની આ હાલત જોઇને અત્યંત દુઃખી થઇ રહી હતી. તે પતિને શ્રાપમાંથી કેવી રીતે મુક્તિ અપાવવી તે વિચારવા લાગી. એકવાર લલિતા પોતાના પતિની પાછળ ફરતી ફરતી વિંધ્યાચલ પર્વતના શ્રૃંગીઋષીના આશ્રમમાં આવી પહોંચી. અને તેણે ઋષિને આ સમસ્યામાંથી નીકળવાનો માર્ગ પૂછ્યો.
લલિતાને ફળ્યુ કામદા એકાદશીનું વ્રત !
શ્રૃંગીઋષીએ લલિતાને જણાવ્યું કે તે ચૈત્ર મહિનાની કામદા એકાદશીનું વ્રત કરે. લલિતાએ પતિને શ્રાપ મુક્ત કરવાના ઉદેશથી વિધિપૂર્વક કામદા એકાદશીનું વ્રત અને પૂજન કર્યું. દ્વાદશીના દિવસે વ્રતનું પારણું કર્યું. આ વ્રતના પ્રભાવથી તેનો પતિ લલિત રાક્ષસ યોનિથી મુક્ત થઈ ગયો અને પતિ-પત્ની ફરી પહેલાની જેમ ખુશી ખુશી પોતાનું જીવન વિતાવવા લાગ્યા.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)