શાસ્ત્રોમાં હનુમાનજીને ભગવાન શિવનો અગિયારમો અવતાર માનવામાં આવ્યા છે. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પૂનમની તિથિએ હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 6 એપ્રિલ, ગુરુવારે હનુમાન જયંતી ઉજવવામાં આવશે. આ અવસર પર તમે પણ જો ઇચ્છો કે બજરંગબલી આપની પ્રાર્થના શીઘ્ર સાંભળે તો આપ પણ કેટલાક ખાસ ઉપાય અજમાવી શકો છો.
આપને જણાવી દઈએ કે કેટલાક સત્કાર્યો કરીને પણ તમે હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરી શકો છો. ત્યારે ચાલો તેમને પ્રસન્ન કરવાના કેટલાંક આવા જ સત્કાર્યો વિશે અને સરળ ઉપાયો વિશે જાણીએ.
મંગલમૂર્તિના મંગળકારી ઉપાય !
⦁ હનુમાન જયંતીના દિવસે કોઇપણ અસ્વસ્થ વ્યક્તિની સેવા કરવાની શરૂઆત કરવી જોઇએ. જો આ કાર્ય નિત્ય ન કરી શકાય તો દર મંગળવારે આ કાર્ય જરૂરથી કરવું જોઈએ. તેનાથી આપના જીવનમાં રહેલ માનસિક તણાવની સ્થિતિ દૂર થાય છે અને હનુમાનજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.
⦁ હનુમાન જયંતીના દિવસે અને ત્યાર પછીના કોઇપણ મંગળવારે શક્ય હોય તો રક્તદાન કરવું જોઈએ. એક માન્યતા અનુસાર આ પ્રકારના રક્તદાનથી દરેક પ્રકારની દુર્ઘટનાઓથી બચી શકાય છે ! વાસ્તવમાં હનુમાનજીનો સંબંધ મંગળ ગ્રહની સાથે છે અને મંગળને રક્તનો કારક માનવામાં આવે છે. એટલે જ આ દિવસે રક્તદાનનો સવિશેષ મહિમા છે.
⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર “ૐ ક્રાં ક્રીં ક્રોં સ: ભૌમાય નમઃ” મંત્રની એક માળાનો જાપ આ દિવસે જરૂરથી કરવો જોઈએ. અને ત્યારબાદ દર મંગળવારે તે જાપ કરવો. વાસ્તવમાં આ મંગળ ગ્રહની શાંતિ માટેનો મંત્ર છે. અને હનુમાન જયંતીએ તેનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ બધું જ મંગળમય બની જાય છે.
⦁ હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને સિંદૂરી વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. કહે છે કે તેનાથી વ્યક્તિના વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય છે.
⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આકસ્મિક સંકટોમાંથી મુક્તિ માટે હનુમાન જયંતીના દિવસે હનુમાન મંદિર ઉપર લાલ રંગની ધજા લગાવવી જોઈએ. કહે છે કે તેનાથી આપને દરેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળી જાય છે.
⦁ હનુમાન જયંતીના દિવસે તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ, રામાયણ તેમજ રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો અત્યંત લાભદાયી માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)