આજે ચૈત્રી પૂર્ણિમાનો દિવસ છે. સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. હનુમાન મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભીડ જામશે. ઘરોમાં રામચરિત માનસ, વાલ્મિકી રામાયણ, હનુમાન ચાલીસા વગેરેના પાઠ થશે. લોકો ઘરે જ પૂજન-અર્ચન દ્વારા પવનસુતની કૃપાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે.
પણ, શું તમે જાણો છો કે આસ્થાથી માત્ર એક પાન અર્પણ કરીને પણ તમે પવનપુત્રની કૃપાને પ્રાપ્ત કરી શકો છો ? એટલે કે, માત્ર શ્રદ્ધાથી પાનનું બીડું ધરાવીને પણ તમે હનુમાનજીની અપાર કૃપાને પ્રાપ્ત કરી શકો છો ! આવો, આજે તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.
આસ્થાથી અર્પણ કરો પાનનું બીડું
આજે હનુમાનજીનો જન્મદિવસ છે અને જન્મદિવસે ભગવાન સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારા મનાય છે. ત્યારે આજે તમારે વિશેષ કશું જ નથી કરવાનું. માત્ર એક નાગરવેલનું પાન લો. તેના પર લવિંગ અને ઈલાયચી મૂકીને તેનું બીડું બનાવી દો. ત્યારબાદ નજીકમાં આવેલ હનુમાન મંદિરમાં જઈને પ્રભુને આ પાનનું બીડું અર્પણ કરી દો. જો મંદિરમાં જવું શક્ય ન હોય તો ઘરમાં રહેલ હનુમાન પ્રતિમા સમક્ષ પણ તમે આ ઉપાય અજમાવી શકો છો. એટલે કે, આજે હનુમાન પૂજા બાદ તેમની છબી કે મૂર્તિ આગળ તમારે પાનનું બીડું મૂકવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય અનેકવિધ લાભની પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વ્યક્તિની અનેક પરેશાનીઓને દૂર કરીને જીવનને સુખમય બનાવે છે.
1 પાન, ચમત્કારિક લાભ !
⦁ માન્યતા અનુસાર હનુમાન જયંતીના દિવસે બજરંગબલીને પાનનું બીડું અર્પણ કરવાથી વ્યક્તિની દરેક પ્રકારની મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે.
⦁ માત્ર પાનનું એક બીડું વ્યક્તિને દરેક પ્રકારના સંકટોથી મુક્તિની પ્રાપ્તિ કરાવી દે છે.
⦁ હનુમાન જયંતી પર બજરંગબલીને પાનનું બીડું ધરાવવાથી વ્યક્તિના મનમાં રહેલો ભય દૂર થઈ જાય છે.
⦁ પાનનું બીડું અર્પણ કરવાથી આપના જીવનમાં દરેક પ્રકારના સુખના આગમનનો દ્વાર ખુલી જાય છે. એટલે કે, તમામ પ્રકારના સુખની આપને પ્રાપ્તિ થાય છે.
⦁ હનુમાન જયંતી પર પવનસુતને પાનનું બીડું અર્પણ કરવાથી ધન લાભ થાય છે તેમજ આપના ધનમાં વૃદ્ધિ થાય છે.
⦁ આસ્થાથી અર્પણ થયેલું પાનનું બીડું દરેક પ્રકારના શારીરિક રોગને નષ્ટ કરી દે છે. અને વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરાવે છે.
⦁ પાનનું એક બીડું પરિવારના કલેશ અને કંકાસને દૂર કરવાનું પણ સામર્થ્ય ધરાવે છે !
⦁ એક માન્યતા અનુસાર હનુમાન જયંતીના અવસર પર બજરંગબલીને પાનનું બીડું અર્પણ કરવાથી વ્યક્તિને આંતરિક અને બાહ્ય તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ મળી જાય છે.
⦁ પ્રભુને અર્પણ થતું પાનનું બીડું મનમાં શાંતિ ઉત્પન્ન કરે છે. તેમજ વ્યક્તિની અંદર ભક્તિભાવ જાગૃત કરીને તેને આધ્યાત્મ તરફ વાળે છે.
⦁ હનુમાન જયંતીના અવસર પર જ્યારે તમે દાદાને પાનનું બીડું અર્પણ કરો છો, તો તેનાથી શનિદોષ, શનિની સાડા સાતી તેમજ શનિની અઢી વર્ષની પનોતીની અશુભ અસરોથી પણ બચી શકાય છે.
⦁ પાનનું બીડું અર્પવાથી રાહુનો નકારાત્મક પ્રભાવ પણ આપના જીવન પર નથી પડતો ! તે તમામ પ્રકારના ગ્રહદોષથી વ્યક્તિને રક્ષણ આપે છે.
⦁ હનુમાન જયંતીએ બજરંગબલીને પાનનું બીડું અર્પણ કરવાથી નજર લાગવી કે નજરદોષ જેવી નકારાત્મક શક્તિઓથી પણ વ્યક્તિની રક્ષા થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)