હનુમાન જયંતિનો તહેવાર ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.મહાવીર હનુમાનને ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં મહાવીર હનુમાનજીને ચિરંજીવી એટલે કે અમર કહેવામાં આવ્યા છે. કહેવાય છે કે આજે પણ વીર બજરંગી પૃથ્વી પર સશરીર રીતે હાજર છે. પરંતુ શું તમે જાણો છો કે હનુમાન સિવાય અન્ય સાત ચિરંજીવી છે જેમને હિન્દુ પૌરાણિક કથાઓમાં અમર માનવામાં આવ્યા છે.
આવો જાણીએ તેમના વિશે.
પરશુરામ
પરશુરામને શ્રી હરિ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર કહેવામાં આવે છે. તેમને અમરત્વનું વરદાન મળ્યું છે. તેમનો જન્મ વૈશાખ શુક્લ તૃતીયાના રોજ થયો હતો, જેને આજે અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવજી તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને કુહાડી આપી, જે તેઓ હંમેશા પોતાની પાસે રાખે છે.
વિભીષણ
લંકાપતિ રાવણના નાના ભાઈ અને રામ ભક્ત વિભીષણ વિશે કોણ નથી જાણતું.પરંતુ ભાગ્યે જ કોઈ જાણતું હશે કે તેમને પણ અમર થવાનું વરદાન મળ્યું હતું. સત્યને સમર્થન આપનાર વિભીષણની મદદથી જ ભગવાન રામે રાવણનો વધ કર્યો અને દેવી સીતાને મુક્ત કરાવવામાં રામની મદદ કરી. વિભીષણને લંકાના રાજા બનાવવાની સાથે રામે તેને અમર થવાનું વરદાન પણ આપ્યું હતું.
રાજા બલી
રાક્ષસ રાજા બલી તેની શક્તિ અને દેવતાઓને હરાવીને ત્રણેય લોક પર કબજો કરવા માટે જાણીતા હતા. એક વખત બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે તેમની પાસેથી મુક્તિ મેળવવા પહોંચ્યા. ત્યારપછી વિષ્ણુજીએ વામન અવતાર લઇ રાજા બલિ પાસે ત્રણ પગલા જમીન ભિક્ષામાં માગી. અને આ રીતે શ્રી હરિએ પૃથ્વીને બે પગલામાં અને સ્વર્ગને ત્રીજા પગલામાં માપી લીધુ. બાદમાં ભગવાને રાજા બલીને પાતાળ લોકનું રાજ્ય આપ્યુ, એવું કહેવાય છે કે રાજા બલી આજે પણ પાતાળ લોકમાં રાજ કરે છે.
માર્કંડેય ઋષિ
માર્કંડેય ઋષિ ભગવાન શિવના પ્રખર ભક્ત હતા. તેમણે તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા અને મહામૃત્યુંજય મંત્ર સિદ્ધિને કારણે ચિરંજીવી બન્યા. માર્કંડેય ઋષિને ભગવાન શિવે ચિરંજીવી બનવાનું વરદાન આપ્યું છે.
મહર્ષિ વેદ વ્યાસ
મહર્ષિ વેદ વ્યાસે શ્રીમદ ભગવદ્ મહાપુરાણ સહિત અનેક ધાર્મિક ગ્રંથોની રચના કરી હતી. તેમને ભગવાન શ્રી હરિનો અંશ કહેવામાં આવે છે. મહર્ષિ વેદનું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું. તે પરાશર ઋષિ અને સત્યવતીના પુત્ર હતા. એવું કહેવાય છે કે વેદ વ્યાસ કલિકાલના અંત સુધી જીવશે. ત્યારબાદ તે કલ્કી અવતાર સાથે હશે.
અશ્વત્થામા
અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા અને તેઓ મહાભારતના યુદ્ધમાં કૌરવોના સેનાપતિ હતા. અશ્વત્થામા એક શ્રાપને કારણે અમર થઈ ગયા હતા. તેના કપાળ પર એક સુંદર અમરમણિ હતી, જેને અર્જુને સજા તરીકે બહાર કાઢી હતી અને ભગવાન કૃષ્ણે તેને અનંતકાળ માટે પૃથ્વી પર ભટકવાનો શ્રાપ આપ્યો હતો.
કૃપાચાર્ય
કૃપાચાર્ય કૌરવો અને પાંડવો બંનેના શિક્ષક હતા. તેઓ અશ્વત્થામાના મામા હતા, કારણ કે તેમની બહેન કૃપાના લગ્ન દ્રોણાચાર્ય સાથે થયા હતા. કૃપાચાર્ય એ ત્રણ તપસ્વીઓમાંના એક હતા, જેમણે ભગવાન શ્રી કૃષ્ણના મહાન સ્વરૂપના દર્શન કર્યા હતા. તેમને સપ્તઋષિઓમાંના એક ગણવામાં આવે છે. કૃપાચાર્યએ દુર્યોધનને પાંડવો સાથે સંધિ કરવા માટે ઘણું સમજાવ્યું હતું, પરંતુ દુર્યોધને તેમની વાત માની નહીં. આવા સારા કાર્યોને કારણે કૃપાચાર્યને અમરત્વનું વરદાન મળ્યું.
હનુમાન
હનુમાનજીને ભગવાન શિવનો અવતાર કહેવામાં આવે છે. બજરંગબલીને પણ અમરત્વનું વરદાન છે. કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યા છોડીને બૈકુંઠ જવા લાગ્યા ત્યારે હનુમાનજીએ પૃથ્વી પર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે શ્રી રામે તેમને પૃથ્વી પર અમર થવાનું વરદાન આપ્યું.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)