વાસ્તુ શાસ્ત્ર અનુસાર એવા ઘણાં છોડ છે કે જે ઘરમાં રાખવાથી ઘરમાં ખુશહાલી આવે છે. આ પ્રકારના છોડ કે વૃક્ષ ઘરમાં લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. જેના કારણે વ્યક્તિને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો. ખાસ કરીને એવા કેટલાક પુષ્પો છે કે જેના છોડ ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.
તેમાંનું જ એક પુષ્પ છે જાસૂદ. માન્યતા છે કે આ પુષ્પને ઘરમાં લગાવવાથી સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે અને વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે. લાલ અને ગુલાબી રંગના કેટલાય પુષ્પો આ દૃષ્ટિએ ખૂબ ખાસ માનવામાં આવે છે. ત્યારે ચલો, આજે આપણે ઘરમાં જાસૂદનો છોડ લગાવવાથી મળતા લાભ વિશે જાણીએ.
સૂર્યગ્રહની મજબૂતી અર્થે
જો કોઇ જાતકની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો તેણે પોતાના ઘરમાં જાસૂદનો છોડ લગાવવો જોઇએ. જાસૂદનો છોડ ઘરમાં લગાવતા પહેલા તેની યોગ્ય દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આ છોડને ઘરની પૂર્વ દિશામાં લગાવવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે.
માન સન્માનમાં વૃદ્ધિ અર્થે
માન્યતા અનુસાર જાસૂદનો છોડ ઘરમાં લગાવવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ તો મજબૂત થાય જ છે, સાથે જ ઘરમાં ક્યારેય આર્થિક સંકડામણની સ્થિતિ નથી સર્જાતી. આ છોડ ઘરમાં લગાવવાથી પિતા-પુત્રના સંબંધ સારા બને છે અને સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થાય છે.
મંગળદોષ મુક્તિ અર્થે
ઘરમાં જાસૂદનો છોડ લગાવવાથી મંગળદોષ સમાપ્ત થઈ જાય છે. જો તમારી કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય કે પછી વિવાહમાં અવરોધ આવી રહ્યા હોય તો જાસૂદનો છોડ ઘરમાં લગાવવો ખૂબ શુભ માનવામાં આવે છે !
આર્થિક વૃદ્ધિ અર્થે
વાસ્તુશાસ્ત્ર અનુસાર જાસૂદનો છોડ અને જાસૂદનું પુષ્પ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. જાસૂદનું પુષ્પ માતા લક્ષ્મીને અર્પણ કરવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
સકારાત્મક ઊર્જા
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં જાસૂદનો છોડ હોય ત્યાં ક્યારેય નકારાત્મક ઊર્જાનો પ્રવેશ નથી થતો. ત્યાં સદૈવ સકારાત્મક ઊર્જાનો સંચાર થતો રહે છે.
વ્યવસાયની સમસ્યાથી મુક્તિ અર્થે
જો આપને ધંધામાં કોઇપણ પ્રકારની સમસ્યા સતાવી રહી હોય, કે અચાનક જ આપના કાર્યમાં અવરોધો ઉત્પન્ન થવા લાગે તો સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે જળમાં જાસૂદનું પુષ્પ ઉમેરીને તેમને અર્પિત કરવું જોઈએ. પ્રચલિત માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપના વેપાર ધંધામાં આવી રહેલ સમસ્યાઓ દૂર થઈ જશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)