સંતાનોની પરીક્ષા હંમેશા જ માતા-પિતાને પણ પરેશાન કરી દેતી હોય છે. સારા પરિણામ માટે મહેનતનો કોઈ વિકલ્પ નથી. પણ, ધાર્મિક પ્રવૃત્તિઓ વ્યક્તિને સકારાત્મક ઊર્જા પ્રદાન કરી તેના આત્મવિશ્વાસને વધારે છે. અને સફળતા આડેના અવરોધોને પણ દૂર કરી દે છે. જેમને અભ્યાસમાં સફળતા જોઈએ છે, કે કારકિર્દીમાં પ્રગતિ કરવી છે તેમના માટે સૌથી શ્રેષ્ઠ અને સરળ મંત્ર છે ગાયત્રી મંત્ર. પણ, ઘણાં ઓછાં લોકો એ જાણતા હશે કે એક ખાસ વિધિ સાથે માતા ગાયત્રીની ઉપાસના કરીને તમે વિદ્યાના સર્વોત્તમ આશિષની પ્રાપ્તિ કરી શકો છો.
તો ચાલો, આજે તે જ મુદ્દે વિગતે વાત કરીએ.
ખાસ પૂજનથી ભાગ્યોદય
ગાયત્રી મંત્ર એ બુદ્ધિને, ચેતનાને જાગ્રત કરનારો મંત્ર મનાય છે. કહે છે કે જે વ્યક્તિ ગાયત્રી મંત્રને સિદ્ધ કરી લે છે, તેનાથી પછી કોઈ જ સિદ્ધિ દૂર નથી રહેતી. પણ વાસ્તવમાં એક ખાસ વિધિથી માતા ગાયત્રીની ઉપાસના કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ પણ કરી શકાય છે. આ એ પૂજાવિધિ છે કે જે કરવાથી વિદ્યાર્થીઓને વિદ્યામાં વૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તે વિધિ નીચે અનુસાર છે.
વિશેષ પૂજાથી વિદ્યા પ્રાપ્તિ !
⦁ જેમને વિદ્યા સુખ પ્રાપ્ત કરવાની કામના છે તે શ્રદ્ધાળુઓએ 5 મુખ અને 10 ભુજાવાળા, હંસ પર આરુઢ માતા ગાયત્રીની પૂજા કરવી જોઈએ.
⦁ એક બાજોઠ પર પીળા રંગનું વસ્ત્ર પાથરીને દેવીની ઉપરોક્ત જણાવ્યા સ્વરૂપની છબીની તેના પર સ્થાપના કરો
⦁ થાળીમાં દૂર્વા, 3 સોપારી, હળદરની ગાંઠ, ચોખા, પીળા રંગના પુષ્પની માળા, પીળા રંગનું વસ્ત્ર તેમજ પીળા રંગની મીઠાઈ મૂકો.
⦁ એક જનોઈ લઈ તેની ઉપર પીળી હળદર કે ચંદનનું તિલક અર્પણ કરો.
⦁ માતાની પ્રતિમા સામે ઉત્તર દિશા તરફ મુખ રાખીને 3 વાર આચમન કરો.
⦁ હાથમાં એક સોપારી, પુષ્પ, હળદરની એક ગાંઠ, ચોખા, યજ્ઞોપવિત જનોઇ, જળ આ બધી વસ્તુઓને લઇને માતા ગાયત્રીને પ્રાર્થના કરો.
⦁ “ૐ બ્રાહ્મણે નમઃ રુદ્રણે નમઃ નારાયણે નમઃ” બોલતા બોલતા હાથની બધી વસ્તુઓ આસ્થા સાથે માતાની પ્રતિમા સામે મૂકી દો.
⦁ બંને હાથ જોડીને “ચતુર્વિશાક્ષરી વિદ્યા પર તત્વ વિનિર્મિતા ।।”નો ઉચ્ચાર કરી ગાયત્રી મંત્રની 3 માળાનો જાપ કરો.
⦁ માળા જાપ બાદ વ્યક્તિની સાધના પૂર્ણ થાય છે. અને તેને માતા ગાયત્રી વિદ્યાના શુભાશિષ પ્રદાન કરે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)