‘શિવ’ નામનો અર્થ જ છે કલ્યાણ. અને તેમના આ નામને સાર્થક કરતા દેવાધિદેવ મહાદેવ સદૈવ તેમના ભક્તોના કલ્યાણ માટે આતુર રહેતા હોય છે. પ્રચલિત માન્યતા અનુસાર શિવજી ભલે સ્વયં વૈરાગી હોય, પણ તે તેમના ભક્તોને ભૌતિક જીવનના તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ કરાવે છે. અને અંત સમયે તેના કષ્ટોને હરીને તેમને શિવલોકમાં લઈ જાય છે.
મહાદેવની કૃપાથી ધનહિનને પણ ધનની પ્રાપ્તિ થાય છે અને તેના તમામ પ્રકારના આર્થિક સંકટ ટળી જાય છે. ત્યારે અમારે આજે આપને એક એવો જ ઉપાય જણાવવો છે કે જે આપના તમામ આર્થિક સંકટોનું શમન કરી દેશે. તેમજ તમારા ઘરમાં સમૃદ્ધિનું આગમન કરાવશે. આવો, તેના વિશે વિગતે જાણીએ.
શિવપુરાણમાં શિવપૂજાનો મહિમા
શિવપુરાણ એક એવું પુરાણ છે કે જેમાં સૃષ્ટિના નિર્માણથી લઈ અનેક રહસ્યમય વાતો જણાવવામાં આવી છે. શિવપુરાણ અનુસાર જે વ્યક્તિ નિયમિત રીતે શિવલિંગની પૂજા કરે છે, તે વ્યક્તિને તેના જીવનમાં દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. પછી ધીમે ધીમે તેના તમામ સંકટો ટળી જાય છે અને મહાદેવ સ્વયં તેનું કલ્યાણ કરે છે. આ જ શિવપુરાણમાં એક ચમત્કારિક ઉપાય જણાવવામાં આવ્યો છે. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી વ્યક્તિના જીવનમાંથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ ખત્મ થઈ જાય છે. સાથે જ તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ એ ઉપાય છે કે જેનાથી વ્યક્તિના પૂર્વ જન્મના પાપ પણ બળીને ભસ્મ થઈ જાય છે અને ભવિષ્ય સુખદ બની જાય છે.
સરળ ઉપાયથી સમૃદ્ધિ !
જો આપ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છો, તો તમારે પણ શિવપુરાણમાં વર્ણિત આ ઉપાય અજમાવો જોઈએ. આ ઉપાય ખૂબ જ સરળ છે. અલબત્, આ ઉપાય તમારે દરરોજ રાત્રે કરવાનો છે. માન્યતા અનુસાર નિત્ય રાત્રિએ 11 થી 12 ની વચ્ચે શિવલિંગ સન્મુખ એક દીપનું પ્રાગટ્ય કરવું જોઈએ. આ સમય દરમિયાન “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવો જોઈએ. કહે છે કે જે વ્યક્તિ નિત્ય ભૂલ્યા વિના આ કાર્ય કરે છે, તેને અપાર સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ઉપાયની સાથે જ નિત્ય શિવલિંગ પર જળ, દૂધ કે ચોખા અર્પણ કરવા જોઈએ. તેનાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)