ઘણીવાર એવું બનતું હોય છે કે પરિવારમાં તમામ પ્રકારની સુખ-સુવિધા હોય, સમૃદ્ધિ હોય, ઘરના બધાં જ સમજદાર હોય, છતાં એવું જોવા મળે છે કે તે ઘરમાં પિતા-પુત્ર વચ્ચે સતત કોઈને કોઈ મુદ્દે વિવાદ રહેતો હોય છે ! નાના-નાના મતભેદ ક્યારે મનભેદમાં પરિણમી જાય તેનો અણસાર પણ નથી રહેતો. અને એટલે જ તેનું નિવારણ જરૂરી બની જાય છે. વાસ્તવમાં આ સમસ્યાનું મૂળ કારણ એ સૂર્ય ગ્રહની સ્થિતિને માનવામાં આવે છે !
સૂર્ય એ તમામ ગ્રહોના સ્વામી મનાય છે. એ જ કારણ છે કે તેની સકારાત્મક અને નકારાત્મક બંન્ને અસર ખૂબ જ ઊંડી છાપ છોડી જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ઊર્જા, આત્મા અને પિતાનો કારક મનાય છે. કુંડળીમાં જો સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને માન, સન્માન, સફળતા અને પ્રગતિના આશીર્વાદ મળે છે. મજબૂત સૂર્ય વ્યક્તિના સ્વાસ્થ્યને સુધારે છે. પરંતુ, તેનાથી વિપરીત જ્યારે સૂર્ય નબળો હોય તો જાતકને અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. સૂર્ય ખરાબ હોય ત્યારે પિતાની સાથેના સંબંધો પણ બગડી જાય છે. અને હંમેશા તણાવની સ્થિતિ સર્જાતી રહે છે. લાલ કિતાબમાં સૂર્ય ગ્રહની શાંતિ માટેના અનેક સચોટ ઉપાયોનું વર્ણન મળે છે. આવો, આજે તે જ સંદર્ભમાં વાત કરીએ.
સૂર્યદોષના દુષ્પરિણામ !
⦁ સૂર્ય જ્યારે મિત્ર ગ્રહની સાથે હોય ત્યારે શુભ ફળ આપે છે. પણ, જો તે શત્રુ ગ્રહની સાથે હોય ત્યારે વધારે જ અશુભ કે ભયંકર ફળ આપે છે.
⦁ સૂર્યદોષથી પીડિત વ્યક્તિના તેના પિતા સાથેના સંબંધ હંમેશા ખરાબ રહે છે. નાના-નાના મુદ્દે પિતા સાથે મતભેદ કે ઝઘડા થતા રહે છે.
⦁ જેમની કુંડળીમાં સૂર્યદોષ છે તેવી વ્યક્તિઓના લગ્નજીવન ઉપર પણ નકારાત્મક અસર પડે છે. દાંપત્યજીવનમાં સતત મતભેદ સર્જાતા રહે છે અને ઘણીવાર તો વાત અલગ થવા સુધી પહોંચી જાય છે.
⦁ સૂર્યના નકારાત્મક પ્રભાવથી વ્યક્તિ બીમાર, અહંકારી, ઈર્ષાળુ, ક્રોધી અને ખૂબ જ મહત્વકાંક્ષી બની જાય છે.
⦁ સૂર્યના આ દુષ્પ્રભાવોથી બચવા માટે લાલ કિતાબમાં કેટલાંક અત્યંત સરળ ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે.
લાલ કિતાબમાં છૂપાયું રહસ્ય !
વૈદિક જ્યોતિષ શાસ્ત્રની જેમ જ લાલ કિતાબમાં પણ સૂર્યને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. લાલ કિતાબમાં સૂર્યનો સંબંધ તાંબા કે તાંબા સાથે સંબંધિત વસ્તુઓ સાથે દર્શાવવામાં આવ્યો છે. લાલ કિતાબમાં સૂર્ય ગ્રહની શાંતિ અને તેને મજબૂત બનાવવા માટે ઘણાં વિશેષ અને લાભદાયી ઉપાયો જણાવવામાં આવ્યા છે. માન્યતા અનુસાર તેમાંથી કેટલાંક ટોટકાઓ જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આ એ ઉપાયો છે કે જે આસ્થા સાથે કરવાથી જાતકને સકારાત્મક ફળની પ્રાપ્તિ થાય છે. આવાં જ કેટલાંક ઉપાયો નીચે અનુસાર છે.
સરળ ઉપાયથી સમાધાન !
⦁ દંપતીમાંથી કોઈપણ એકે ગોળ ખાવાનું ટાળવું જોઈએ.
⦁ કોઈની પાસેથી ક્યારેય પણ કોઈપણ વસ્તુ મફતમાં ભૂલથી પણ ન લેશો. તે તમારા સૂર્યને વધુ બગાડી શકે છે !
⦁ હંમેશા માતાના આશીર્વાદ લઈને જ ઘરેથી નીકળવું જોઈએ.
⦁ જરૂરિયાતમંદને ચોખા અને દૂધનું દાન કરવું જોઈએ.
⦁ અંધ વ્યક્તિની હંમેશા મદદ કરો.
⦁ અન્ય વ્યક્તિઓ સાથે ક્યારેય કડકાઈથી ન વર્તવું જોઈએ અને હંમેશા જ પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)