વાસ્તુ શાસ્ત્રમાં ઘર અને તેને સંબંધિત નિયમો જણાવવામાં આવ્યા છે. આ વાસ્તુ ટીપ્સની મદદથી વ્યક્તિ પોતના ઘર અને પરિવારને વધુ વ્યવસ્થિત બનાવી શકે છે. જ્યાં આ નિયમોનું પાલન કરવામાં આવે છે, ત્યાં કોઈપણ પ્રકારની પરેશાની નથી રહેતી. ઘરમાં સમૃદ્ધિ, સુખ અને શાંતિ અકબંધ રહે છે. પણ, તેનાથી વિપરીત જ્યારે તમે આ નિયમોની અવગણના કરો છો, તો તે ઘરમાં રહેતા લોકોને અનેક મુશ્કેલીઓ અને પરેશાનીનો સામનો કરવો પડે છે.
તમને કદાચ નવાઈ લાગશે, પણ કંઈક આવા જ નિયમો ઘરની કચરા ટોપલી સાથે પણ જોડાયેલા છે ! ત્યારે આવો જાણીએ કે શું છે આ નિયમો ?
કચરા ટોપલી અને વાસ્તુ શાસ્ત્ર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી દરેક વસ્તુઓની એક સાચી દિશા હોય છે. જો આપ કોઇ વસ્તુને તેની દિશા કરતાં અલગ દિશામાં મૂકો છો, તો તેની નકારાત્મક અસરનો આપને સામનો કરવો પડે છે. એ જ રીતે ઘરમાં રાખેલ કચરા ટોપલી કે કચરાપેટી જો સાચી દિશામાં ન હોય તો તે મુસીબતનું કારણ પણ બની શકે છે ! આવા ઘરમાં રહેતા લોકોને અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. એક માન્યતા અનુસાર કચરા ટોપલીને ખોટી દિશામાં રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં આર્થિક સંકટ આવે છે ! એટલે, ઘરની કચરા ટોપલી યોગ્ય દિશામાં હોય તે ખૂબ જ જરૂરી છે, જેથી તેની અશુભ અસરોથી બચી શકાય !
કચરા ટોપલી રાખવાના નિયમ !
⦁ વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વ દિશા, ઉત્તર દિશા, ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખૂણામાં) તેમજ દક્ષિણ-પૂર્વ દિશામાં (અગ્નિ ખૂણામાં) કચરા ટોપલી રાખવી અશુભ માનવામાં આવે છે.
⦁ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં કચરા ટોપલી રાખવી અત્યંત અશુભ બને છે. શાસ્ત્રોમાં ઉત્તર-પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે. એટલે, જો આ દિશામાં આપ ભૂલથી પણ કચરા ટોપલી રાખો છો, તો આપે નુકસાનનો સામનો કરવો પડી શકે છે !
⦁ કહે છે કે ઉત્તર-પૂર્વ દિશામાં કચરા ટોપલી રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. ઘરમાં દરિદ્રતાનું આગમન થાય છે. અને પરિવારના સભ્યોની આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે !
⦁ વાસ્તુ અનુસાર ઉત્તર-પૂર્વ દિશામાં કચરા ટોપલી રાખવાથી ઘરના સભ્યો માનસિક રીતે હંમેશા પરેશાન જ રહે છે.
⦁ વાસ્તુ અનુસાર કચરા ટોપલીને ક્યારેય ઘરની બહાર ન રાખવી જોઇએ. પરંતુ, તેને ઘરની અંદર જ રાખવી જોઇએ.
⦁ વાસ્તુ શાસ્ત્રમાં કચરા ટોપલીને દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય ખૂણો) દિશા કે ઉત્તર-પશ્ચિમ દિશામાં (વાયવ્ય ખૂણામાં)રાખવું શુભ માનવમાં આવે છે. આ દિશાઓ જ કચરાના નિકાલ માટે યોગ્ય દિશા માનવામાં આવે છે.
⦁ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે ઉત્તર-પશ્ચિમ દિશામાં કચરા ટોપલી રાખો છો, તો તેનો કોઈપણ પ્રકારનો નકારાત્મક પ્રભાવ ઘર પર કે પરિવારજનો પર નથી પડતો. એટલે, કચરા ટોપલીને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી જ વધુ યોગ્ય બની રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)