સનાતન ધર્મમાં દાનને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તવમાં દાનની આ પ્રથા વ્યક્તિના પાપકર્મને કાપે છે અને તેને પુણ્યફળ પ્રદાન કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ વિવિધ પ્રકારના દાન કરે છે, ત્યારે તેને વિવિધ ફળની પ્રાપ્તિ થતી હોય છે. એટલે કે, આ જ દાનની મદદથી વ્યક્તિ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકે છે.
દાન તમને ધનવાન પણ બનાવી શકે છે ! આવો આજે તે સંદર્ભે જ વાત કરીએ.
9 ગ્રહ સંબંધિત દાન બનાવશે ધનવાન !
વાસ્તવમાં આપણી જન્મકુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ અનુસાર આપણા જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવતા હોય છે. જ્યારે કોઈ ગ્રહની સ્થિતિ નબળી હોય ત્યારે આપણે તેના અશુભ પરિણામો ભોગવવા પડતા હોય છે. આ સંજોગોમાં જે-તે ગ્રહદોષોને શાંત કરવા જરૂરી બની જાય છે. વ્યક્તિ દાનના માધ્યમથી પણ આ ગ્રહદોષની શાંતિ કરી શકે છે. જ્યારે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે, ત્યારે વ્યક્તિના જીવનના તમામ વિઘ્નો અને આર્થિક સંકટો પણ ટળી જાય છે. તેને ઝડપથી ધન સુખ પણ પ્રાપ્ત થાય છે. એટલે ગ્રહ અનુસાર દાન કરવું વધારે લાભદાયી બની રહે છે.
સૂર્ય ગ્રહ
જો આપની કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ નબળી હોય તો આપે ગોળ, તાંબા તેમજ ઘઉંનું દાન કરવું જોઈએ. વાસ્તવમાં જ્યારે સૂર્ય ગ્રહની સ્થિતિ મજબૂત બને છે, ત્યારે અન્ય ગ્રહોના દુષ્પ્રભાવ પણ આપો આપ ઘટવા લાગે છે. કારણ કે, સૂર્ય એ ગ્રહોના રાજા છે.
ચંદ્ર ગ્રહ
કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને તેમજ ચંદ્રદોષ દૂર થાય તે માટે દૂધ, કપૂર, સફેદ વસ્ત્ર તેમજ ચાંદીનું દાન કરવું ફળદાયી બની રહે છે.
મંગળ ગ્રહ
મંગળ ગ્રહ એ ગ્રહોના સેનાપતિ મનાય છે. ત્યારે તેમના શુભ ફળને પ્રાપ્ત કરવા મસૂરની દાળ, પતાશા, કેસર, લાલ ચંદન, ખાંડ, વરિયાળી તેમજ રેવડીનું દાન કરવું જોઈએ.
બુધ ગ્રહ
કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ જ્યારે નબળી હોય ત્યારે આખા મગ, લીલા રંગની ચુંદડી, વસ્ત્ર તેમજ લીલા રંગના ફળનું દાન કરવું જોઈએ. આ દાનથી બુધ ગ્રહના દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિનું આગમન થાય છે.
ગુરુ ગ્રહ
જો આપ ગુરુદોષથી પીડિત હોવ તો આપે ચણાની દાળ, હળદર, પીળા રંગના ફળ, કેસર તેમજ પીળા રંગના વસ્ત્રનું દાન કરવું જોઈએ.
શુક્ર ગ્રહ
શુક્ર એ વૈભવના દાતા છે. જો કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિનું જીવન પણ વૈભવી બનતું હોય છે. તેને વૈભવી સુખો પ્રાપ્ત થતા હોય છે. શુક્ર ગ્રહની શુભ અસરોને પ્રાપ્ત કરવા માટે જુવાર, રૂ, દહીં, અત્તર, સફેદ રંગના વસ્ત્ર, શણગારની વસ્તુઓ, ચોખા, ખાંડનું દાન કરવું જોઈએ. તેમજ ગાયને લીલો ઘાસચારો નીરવો જોઈએ.
શનિ ગ્રહ
શનિદેવના પ્રકોપથી બચવા કે શનિદોષથી મુક્તિ અર્થે કાળા રંગની વસ્તુઓનું દાન ફળદાયી બની રહે છે. તમે કાળા રંગના કામળા, ચાની ભુક્કી, કાળા અડદ, કાળા તલ, સરસવનું તેલ, લોખંડ, છત્રી તેમજ છાયા દાન કરી શકો છો. ખાસ તો જેમને પનોતી ચાલી રહી છે, તેમણે જરૂરથી આ દાન કરવું જોઈએ. જેથી પનોતીમાં અને આર્થિક સંકટોમાં રાહત મળી શકે.
રાહુ ગ્રહ
રાહુ ગ્રહ એ ક્રૂર ગ્રહોમાંથી એક મનાય છે. ત્યારે તેના દુષ્પ્રભાવથી બચવા જવ, કાળા રંગના વસ્ત્ર, કામળા તેમજ સપ્તધાનનું દાન ફળદાયી બની રહે છે.
કેતુ ગ્રહ
જેમની કુંડળીમાં કેતુ ગ્રહની સ્થિતિ નબળી છે, તેમણે કાળા રંગના કપડા, કાળા તલ, કે રંગબેરંગી કામળાનું દાન કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)