fbpx
Wednesday, December 25, 2024

અવ્યવસ્થા થી પણ વાસ્તુ દોષ સર્જાય છે! જાણો વિવિધ રાશિના લોકોએ વાસ્તુ દોષથી બચવા શું કરવું જોઈએ?

માન્યતા અનુસાર ઘરનું વાસ્તુ પરિવારની સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલ હોય છે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી જ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે. મોટાભાગે લોકો વાસ્તુના કેટલાક સરળ ઉપાયો અજમાવીને ઘરમાં હંમેશા સકારાત્મક ઊર્જા રહે તેવી ઈચ્છા રાખતા હોય છે.

તમને કદાચ નવાઈ લાગશે પણ ઘણીવાર આપણી જ કેટલીક બેદરકારી કે અવ્યવસ્થાને લીધે ઘરમાં વાસ્તુદોષ સર્જાઈ જતો હોય છે.

તો ચાલો, આજે કેટલાંક એવાં સરળ અને સચોટ ઉપાયો વિશે જાણીએ કે જે આપને વાસ્તુદોષથી બચાવશે તેમજ ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરશે.

રાશિ અનુસાર વાસ્તુ ઉપાય !

જે ઘરમાં વાસ્તુદોષ હોય છે, તે ઘરમાં રહેનારા લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. પણ, જો આપ રાશિ અનુસાર ઘરના વાસ્તુમાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખો છો, કે તેને અનુરૂપ ઘરમાં વસ્તુઓની ગોઠવણી કરો છો, તો જીવનની દરેક સમસ્યાઓનો અંત આવી શકે છે. દરેક માર્ગે સફળતા પણ મળી શકે છે. આમ તો આ ઘણી સામાન્ય વસ્તુઓ છે, પણ તેના દ્વારા અદભુત લાભની પ્રાપ્તિ કરી શકાય છે.

મેષ રાશિ

ઘરમાં સૂર્યનો પ્રકાશ આવવો ખૂબ જરૂરી છે. એટલે મેષ રાશિના જાતકોએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપના ઘરમાં યોગ્ય સૂર્યપ્રકાશ આવતો હોય. તેમજ રસોડામાં અગ્નિ સાથે કામ કરતી વખતે હંમેશા જ થોડી તકેદારી રાખવી જોઈએ.

વૃષભ રાશિ

ઘરમાં રાખેલી વસ્તુઓ અને ઘરના રંગ તેમજ સુગંધ પર વિશેષ ધ્યાન આપવું. રંગના યોગ્ય ઉપયોગથી વાસ્તુદોષ દૂર થાય છે. સાથે જ ઘરમાં કચરા ટોપલી યોગ્ય સ્થાન પર જ રાખવી જોઈએ.

મિથુન રાશિ

આ રાશિના જાતકોએ ધ્યાન રાખવું કે ઘરમાં હવા યોગ્ય પ્રમાણમાં આવતી જતી હોવી જોઇએ. ઘરમાં બિલકુલ પણ સંકડામણ ન હોવી જોઇએ. ઘરમાં હંમેશા સુગંધ આવતી રહેવી જોઇએ.

કર્ક રાશિ

આ રાશિના જાતકોએ ઘરમાં પાણીની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન રાખવું. પાણીનો બગાડ સહેજ પણ ન કરવો. તેમજ ઇશાન ખૂણામાં પાણીની વ્યવસ્થા કરવી.

સિંહ રાશિ

આ રાશિના જાતકોએ ઘરમાં સૂર્યપ્રકાશ પર વિશેષ ધ્યાન આપવું. વિજળીના સામાન અને સ્થાન પર પણ ધ્યાન આપવું. બને ત્યાં સુધી ઘરમાં વધુ પડતું અંધારું ક્યારેય ન રાખવું જોઈએ.

કન્યા રાશિ

ઘરની દક્ષિણ દિશા પર ખાસ ધ્યાન આપવું. યાદ રાખો, આ રાશિના જાતકોએ ભૂલથી પણ ઘરની દક્ષિણ દિશામાં કચરો કે ભંગાર ભેગો ન કરવો જોઈએ. તેમજ ઘરના સામાનને યોગ્ય રીતે સજાવીને રાખવો જોઈએ.

તુલા રાશિ

આ રાશિના જાતકોએ ઘરમાં હવા અને પ્રકાશ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એટલે કે, ઘરમાં યોગ્ય હવાઉજાસ હોવા જોઇએ. ઘરની અંદરના રંગકામ પર પણ ધ્યાન આપવું. સાથે જ ઘરને હંમેશા સુગંધિત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.

વૃશ્ચિક રાશિ

ઘરમાં પાણીના સ્થાન પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. ઘરમાં ભેજ તેમજ પાણી ક્યાંયથી પણ લિકેજ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. યાદ રાખો, કે ઘરના ઇશાન ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ.

ધન રાશિ

આ રાશિના જાતકોએ ઘરમાં સૂર્યપ્રકાશ પર વિશેષ ધ્યાન આપવું. સાથે જ ઘરની સીડીઓ સારી બનેલી હોવી જોઇએ. ઘરના મધ્ય સ્થાનને હંમેશા સ્વચ્છ રાખો.

મકર રાશિ

ઘરમાં બિનજરૂરી સામાન એકઠો ન કરવો. બાથરૂમને સાફ રાખવું. ઉત્તર દિશામાં કોઇપણ પ્રકારનો નકામો સામાન ભૂલથી પણ ન રાખવો.

કુંભ રાશિ

ઘરના રંગ અને સુગંધ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. પૂજા સ્થાનની પવિત્રતાને જાળવી રાખવી અત્યંત જરૂરી છે. ઘરને સુગંધિત રાખવાથી આપને સારા પરિણામ પ્રાપ્ત થશે.

મીન રાશિ

ઘરમાં પાણીના સ્થાનનું વિશેષ ધ્યાન રાખવું. રસોડામાં પાણી અને સગડીને સાથે સાથે ન રાખો. ઘરના દરેક ખૂણાની સફાઇ પર ખાસ ધ્યાન આપો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles