આજે બપોરે સૂર્યદેવતા મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રીતે મેષ રાશિમાં પ્રેવશ કરવાથી આ તિથિને મેષસંક્રાંતિ કહેવામાં આવે છે. મેષ રાશિનો સૂર્ય અત્યંત ઉચ્ચનો સૂર્ય મનાય છે. પણ, મહત્વની વાત એ છે કે આ દિવસે પિતૃઓ સંબંધી કેટલાંક ખાસ કાર્યો કરીને તમે પિતૃદોષમાંથી પણ મુક્તિની પ્રાપ્તિ કરી શકો છો !
આવો, આજે તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.
સૂર્યનું રાશિ પરિવર્તન
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય વર્ષમાં 12 વાર રાશિ પરિવર્તન કરે છે. એવામાં એ દર મહિને કોઇને કોઇ રાશિમાં પ્રવેશ કરે છે. તેનો આ પ્રવેશ સંક્રાંતિ તરીકે ઓળખાય છે. સૂર્યને જે-તે રાશિમાં પુનઃ પ્રવેશ કરતાં એક આખું વર્ષ લાગી જાય છે. એવી જ રીતે લગભગ એક વર્ષ પછી સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ તિથિ ન માત્ર સૂર્ય દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ સર્વોત્તમ મનાય છે.
શું છે પિતૃદોષ ?
શાસ્ત્રો અનુસાર જોઈએ તો જો કોઇ વ્યક્તિના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર સાચી રીતે ન કરવામાં આવે અથવા તો કોઇ વ્યક્તિ અકાળ મૃત્યુ પામ્યું હોય, તો તે વ્યક્તિની સાથે જોડાયેલ લોકોને પિતૃદોષનો સામનો કરવો પડે છે. આ માત્ર એક જ પેઢીને નહીં, પરંતુ, પેઢી દર પેઢી આ સમસ્યાનો સામનો કરવો પડે છે. માન્યતા છે કે જે જાતકની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેને સંતાન સુખ નથી મળતું. તેની સાથે જ ધનની હાનિ થાય છે. પરિવારમાં કલેશ રહે છે તેમજ ઘરમાં કોઇને કોઇ સભ્ય સતત બીમાર રહેતું હોય છે. સાથે જ વિવાહ સંબંધિત સમસ્યાઓ પણ સતાવતી જ રહે છે. આ સંજોગોમાં આ દોષમાંથી મુક્ત થવા માટે મેષસંક્રાંતિનો કાળ ઉત્તમ મનાય છે.
પીપળા કે વડમાં જળનું સીંચન કરવું
આજે મેષસંક્રાંતિના અવસરે ખાસ પીપળાના વૃક્ષમાં કે વડના વૃક્ષમાં જળનું જરૂરથી સીંચન કરવું જોઈએ. સાથે જ પુષ્પ, અક્ષત, દૂધ, ગંગાજળ અને કાળા તલ પાણીમાં ઉમેરીને જળનું સીંચન કરવું જોઇએ. તેનાથી આપને પિતૃના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
દીવો પ્રજવલિત કરવો
મેષસંક્રાંતિના દિવસથી શરૂ કરી નિયમિત રીતે સાંજે દક્ષિણ દિશા તરફ વાટ રહે તે રીતે દીવો પ્રજવલિત કરીને તેને ઘરની દક્ષિણ દિશામાં મૂકવો જોઈએ.
તર્પણ કરવું
પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે મેષસંક્રાંતિના દિવસે પિતૃઓ માટે તર્પણ કરવું ખૂબ લાભદાયી માનવામાં આવે છે.
આ વસ્તુઓનું કરો દાન !
આજે મેષસંક્રાંતિના અવસરે માટીના ઘડાનું દાન, અનાજનું દાન તેમજ વસ્ત્રનું દાન કરવું અત્યંત ફળદાયી બની રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)