શમીના છોડને વાસ્તુશાસ્ત્રમાં એક મહત્વનો છોડ માનવામાં આવે છે. કહે છે કે શમીનો છોડ ઘરમાં લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ છોડ સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. માન્યતા અનુસાર શમીના છોડની યોગ્ય રીતે પૂજા કરવાથી તેના ગુણનો લાભ પ્રાપ્ત કરી શકાય છે.
એટલું જ નહીં, તે વ્યક્તિને વ્યવસાય અને નોકરીમાં આવનારી સમસ્યામાંથી છુટકારો અપાવી દે છે ! તો, શનિની પનોતીમાં રાહત મેળવવા માટે પણ તે શ્રેષ્ઠ માધ્યમ મનાય છે. પણ, કઈ રીતે ? આવો, આજે તે સંદર્ભે વિગતે માહિતી મેળવીએ.
શમીનું ધાર્મિક મહત્વ
⦁ શમીને દેશના કેટલાક વિસ્તારોમાં ખીજડાના નામે ઓળખવામાં આવે છે. શમીના પાનને ખાસ પ્રકારની પૂજા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે.
⦁ ધાર્મિક દૃષ્ટિએ જોઇએ તો શમીને શનિ મહારાજનો છોડ માનવામાં આવે છે. કહે છે કે આ છોડને ઘરમાં લગાવવાથી શનિ મહારાજની કૃપાની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષીના મત મુજબ જેમને શનિની સાડા સાતી, કે અઢી વર્ષની પનોતી ચાલી રહી હોય તેમણે તો નિયમિત રીતે શમીના વૃક્ષની પૂજા કરવી જોઇએ.
⦁ શમીના પાનને આસ્થા સાથે ગણેશજીને અર્પણ કરવાથી પણ શનિદોષનો પ્રભાવ ઓછો થઇ જાય છે !
⦁ માન્યતા અનુસાર ભગવાન શિવને શમીના પાન અર્પણ કરવાથી આપને મોક્ષની પ્રાપ્તિ થાય છે !
⦁ કહે છે કે શમીનો છોડ ઘરમાં લગાવવાથી નોકરી અને વ્યવસાયમાં પણ પ્રગતિના યોગ સર્જાય છે ! અને ઘરમાં ધનનું આગમન થવા લાગે છે.
⦁ શમીનો છોડ જીવનમાં આવનારી તમામ પ્રકારની પરેશાનીઓથી વ્યક્તિને મુક્તિ અપાવી દે છે.
કઈ દિશામાં લગાવશો શમીનો છોડ ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીનો છોડ ઘરના મુખ્યદ્વાર પર રાખવો શુભ માનવામાં આવે છે. તેના સિવાય જો આપ ઇચ્છો તો ઘરના ઇશાન ખૂણામાં પણ શમીનો છોડ લગાવી શકો છો. શમીનો છોડ ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી વ્યક્તિને ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળી જાય છે.
શું રાખશો ધ્યાન ?
શમીનો છોડ અત્યંત ફળદાયી મનાય છે. પરંતુ, તે ત્યારે જ પૂર્ણ ફળની પ્રાપ્તિ કરાવે છે કે જ્યારે તેની ગરિમા જળવાય અને તેની આસપાસ સ્વચ્છતાનું પણ ધ્યાન રખાય ! એટલે, એક વાતનું ખાસ ધ્યાન રાખો, કે તમે ઘરમાં જ્યારે શમીનો છોડ લગાવો છો તો તેની આસપાસ ગંદકી સહેજ પણ ન રાખવી જોઈએ. સાથે જ તેની આસપાસમાં ચંપલ પણ ન રાખવા જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)