fbpx
Monday, December 23, 2024

શું તમે જાણો છો કમળગટ્ટાના આ ચમત્કારી ફાયદા? સંપત્તિના જ નહીં, પ્રગતિના પણ આશીર્વાદ મળશે!

કમળગટ્ટાને આપણે કમળકાકડીના નામે પણ ઓળખીએ છીએ. હિન્દુ ધર્મમાં આ કમળગટ્ટાનું ખૂબ જ મહત્વ છે. દરેક શુભ કાર્યમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કમળગટ્ટા વિના ઘણી પૂજાઓ અધૂરી જ મનાય છે. ખાસ તો માતા લક્ષ્‍મી સંબંધિત પૂજામાં તેનો ઉપયોગ થાય છે. માન્યતા અનુસાર માતા લક્ષ્‍મીને કમળગટ્ટા અત્યંત પ્રિય છે અને એટલે જ કમળગટ્ટાની પૂજા કરવાથી કે કમળગટ્ટા દ્વારા માતા લક્ષ્‍મીને પ્રસન્ન કરવાના ઉપાયો કરવાથી ઘરના ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

તંત્રશાસ્ત્રમાં કમળગટ્ટાના કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેના દ્વારા આપ સફળતાની પણ પ્રાપ્તિ કરી શકો છો. તો ચાલો, આજે તે જ સરળ ઉપાયો વિશે વાત કરીએ.

કમળગટ્ટાનો મહિમા

કમળ પુષ્પના બીજને કમળગટ્ટા કહેવામાં આવે છે. માન્યતા અનુસાર કમળના પુષ્પના દરેક ભાગમાં માતા કમળાનો વાસ હોય છે. મા કમળા એટલે જ માતા લક્ષ્‍મી. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કમળગટ્ટાની માળા ધારણ કરવાથી શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થાય છે ! તો, માતા લક્ષ્‍મીના કોઇપણ મંત્રના જાપ કરવા માટે તેમજ માતા લક્ષ્‍મીના આશીર્વાદ માટે કમળગટ્ટાની માળાના પ્રયોગનું માહાત્મ્ય જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં કમળગટ્ટાનું મહત્વ વર્ણવાયું છે. તો, તંત્ર શાસ્ત્રમાં ધનવાન બનવા માટે કમળગટ્ટાના કેટલાક ટોટકા કે ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાય એકદમ સરળ અને ચમત્કારિક છે. ભાગદોડવાળી આ જીંદગીમાં કમળગટ્ટાના સરળ ઉપાયો અજમાવીને તમે પણ તેનો કમાલ અનુભવી શકો છો.

માતા લક્ષ્‍મીની કૃપા અર્થે

માન્યતા અનુસાર કમળગટ્ટાની માળાથી “શ્રી જગતપ્રસૂતે નમઃ” મંત્રનો સવાર સાંજ જાપ કરવાથી વ્યક્તિની દરિદ્રતા દૂર થાય છે. આપ આ માળાથી માતા લક્ષ્‍મીના કોઇપણ મંત્રનો જાપ કરી શકો છો. કહે છે કે, તેનાથી માતા લક્ષ્‍મીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

આર્થિક તંગી દૂર કરવા

જો આપ સતત આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો જરૂરથી આ ઉપાય અજમાવો. શુક્રવારના દિવસે કમળગટ્ટાના 108 બીજ લો અને તેને ઘી કે મધમાં પલાળી દો. ત્યારબાદ હવનમાં તેની 108 આહુતિ આપો. આ ઉપાય આપે સતત 21 દિવસ સુધી કરતા રહેવાનો છે. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-શાંતિ બનેલી રહે છે. માતા મહાલક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધીરે ધીરે આપની આર્થિક તંગી પણ દૂર થઈ જાય છે.

ભરેલા રહેશે ધન-ધાન્યના ભંડાર !

માતા લક્ષ્‍મીની સમક્ષ કમળગટ્ટા રાખો અને વિધિવિધાન સાથે તેની પૂજા અર્ચના કરો. ત્યારબાદ કમળગટ્ટાની માળા લઈ કનકધારા સ્તોત્રનો પાઠ કરો. પાઠ પૂર્ણ થાય એટલે પૂજીત કમળગટ્ટાને ઘરના ધન રાખવાના સ્થાનમાં કે તિજોરીમાં મૂકી દો. ખાસ એક વાત ધ્યાનમાં રાખવી કે તેને પર્સમાં ન રાખવા. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની અછત નથી રહેતી. તેમજ વ્યક્તિ એક રાજાની જેમ જીવન પસાર કરે છે !

ધંધા-રોજગારમાં પ્રગતિ અર્થે

⦁ શુક્રવારના દિવસે શેકેલા મખાનાની ખીર અને 108 કમળગટ્ટા માતા લક્ષ્‍મીને અર્પણ કરો. સાથે જ કમળગટ્ટાની માળા માતા લક્ષ્‍મીને ધારણ કરાવો. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ તો દૂર થાય જ છે સાથે જ નોકરી તેમજ વેપારમાં પ્રગતિના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

⦁ વ્યવસાયમાં પ્રગતિ માટે અન્ય એક ખાસ ઉપાય પણ અજમાવી શકાય છે. દુકાન, ઓફિસ કે કાર્યસ્થળ પર એક મંદિર બનાવો. જો મંદિર પહેલેથી જ હોય તો તેમા કમળગટ્ટાની માળા પાથરીને તેની ઉપર માતા લક્ષ્‍મીની મૂર્તિ કે છબી રાખી દો. સવાર-સાંજ નિત્ય દેવીની પૂજા કરો. આ ઉપાય કરવાથી આપના ધંધામાં પ્રગતિ થશે. તેમજ માતા લક્ષ્‍મીની કૃપા આપની પર સદૈવ બનેલી રહેશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles