fbpx
Saturday, October 26, 2024

વરુથિની એકાદશી એક દુર્લભ સંયોગ સાથે! જાણો કેવી રીતે મેળવવી શ્રી વિષ્ણુની કૃપા?

સનાતન ધર્મમાં એકાદશી વ્રતને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આપને જણાવી દઇએ કે વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવતી હોય છે. અને અધિકમાસના સંજોગોમાં આ સંખ્યા 26 થઈ જાય છે. આ વિશેષ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાનું વિધાન છે.

ગુજરાતી પંચાંગ અનુસાર ચૈત્ર માસના વદ પક્ષમાં આવતી એકાદશી તિથિને વરુથિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

આ એકાદશી કલ્યાણકારી એકાદશી તરીકે પણ ઓળખાય છે. વળી, આ જ તિથિ પર મહાપ્રભુ વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું હોઈ, આ તિથિ અત્યંત ફળદાયી મનાય છે. એમાં પણ આ વખતે વરુથિની એકાદશી વિશેષ સંયોગ સાથે આવી છે. તો ચાલો, જાણીએ કે આ તિથિ પર કઈ રીતે પૂજા કરવાથી સવિશેષ પુણ્યની થશે પ્રાપ્તિ ?

વરુથિની એકાદશી તિથિ

ચૈત્ર મહિનાની વદ એકાદશી તિથિનો પ્રારંભ 15 એપ્રિલે રાત્રે 8:45 કલાકે થશે. આ તિથિનું સમાપન 16 એપ્રિલે સાંજે 6:14 કલાકે થશે. ઉદય તિથિ અનુસાર વરુથિની એકાદશીનું વ્રત 16 એપ્રિલ, 2023, રવિવારના દિવસે રાખવામાં આવશે. સાથે જ વ્રતનું પારણું 17 એપ્રિલે દ્વાદશીની તિથિ પર સવારે 6:20 થી 8:51 ની વચ્ચે કરવામાં આવશે.

શુભ સંયોગ

આ વખતે વરુથિની એકાદશી પર શુક્લ, બ્રહ્મ અને ત્રિપુષ્કર યોગનો સંયોગ સર્જાઈ રહ્યો છે. આ ત્રણેવ યોગમાં શ્રીહરિની પૂજા ઉત્તમ ફળદાયી મનાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્લ યોગમાં પ્રભુ અને ગુરુની પૂજા અક્ષય પુણ્ય પ્રદાન કરનારી બની રહે છે. તેમાં મંત્ર સાધના પણ સિદ્ધ થઈ જાય છે ! કહે છે કે આ યોગમાં કરવામાં આવતા કાર્યમાં સફળતા જરૂરથી મળે છે ! એટલું જ નહીં, આ તિથિ પર વ્રત કરવાથી વ્યક્તિને પ્રતિષ્ઠા અને સુખની પ્રાપ્તિ થાય છે.

વ્રતની ફળદાયી વિધિ

⦁ વરુથિની એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા રાખનાર જાતકે દશમી તિથિની સાંજ બાદ ભોજન ગ્રહણ ન કરવું. જો તે શક્ય ન હોય તો એટલું યાદ રાખો, કે ભોજનમાં માત્ર સાત્વિક આહાર જ ગ્રહણ કરો.

⦁ એકાદશીની તિથિએ સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.

⦁ ગંગાજળથી ઘરના પૂજા સ્થાનને સાફ કરો.

⦁ મંદિરમાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને વ્રતનો સંકલ્પ લો.

⦁ વ્રતનો સંકલ્પ લીધા બાદ ભગવાન વિષ્ણુની પ્રતિમાને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરાવો.

⦁ પ્રભુને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અર્પણ કરી તેમની ઉપાસના કરો.

⦁ અંતમાં આરતી સાથે એકાદશીની પૂજા સંપન્ન કરો.

⦁ આ દિવસે વ્રત કરનાર સાધકે ઉપવાસ કરવો. ઉપવાસમાં માત્ર ફળ જ ગ્રહણ કરી શકાય. પરંતુ, જો આવો ઉપવાસ શક્ય ન હોય તો એકટાણું કરી શકાય. પણ, યાદ રાખો, તેમાં તામસિક વસ્તુઓનો બિલ્કુલ પણ ઉપયોગ ન કરવો.

⦁ આ દિવસે યથાશક્તિ દાન કરવું અત્યંત ફળદાયી બની રહે છે.

⦁ શ્રીહરિની ઉપાસના સાથે રાત્રિ જાગરણ કરો.

⦁ દ્વાદશીના દિવસે વ્રતના પારણાં કરો.

વરુથિની એકાદશી વ્રતનું માહાત્મ્ય

વેદ અને પુરાણોમાં જણાવ્યા અનુસાર વરુથિની એકાદશીના વ્રતમાં ઉપવાસનું પાલન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોને સૌભાગ્યના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. સાથે જ સાધકને જીવનમાં ધન, ઐશ્વર્ય, બુદ્ધિ, બળ અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. આ દિવસે માતા તુલસીની ખાસ પૂજા કરવી જોઈએ. કહે છે કે તેનાથી ભક્તને વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles