fbpx
Wednesday, December 25, 2024

અખાત્રીજ તમામ તીર્થધામોના દર્શનનું ફળ આપશે! જાણો કેવી રીતે પૂર્ણ થશે વિવિધ મનશાઓ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં હોય છે. એટલે આ દિવસ શુભ અને માંગલિક કાર્યો કરવા માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને આપણે અખાત્રીજના નામે પણ સંબોધીએ છીએ. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર અક્ષય તૃતીયાની તિથિ એ સૌભાગ્ય અને સફળતાની પ્રાપ્તિ કરાવનારી તિથિ છે.

આ જ કારણને લીધે આ દિવસે વધુમાં વધુ સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા છે. એવી માન્યતા પ્રચલિત છે કે આ દિવસે સોનું ખરીદવાથી ભવિષ્યમાં તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે ! આ વખતે 22 એપ્રિલ, 2023, શનિવારના દિવસે અક્ષય તૃતીયાનો અવસર છે. પણ, આ દિવસ માત્ર ખરીદી માટે જ નહીં, અનેકવિધ લાભની પ્રાપ્તિ માટે પણ ઉત્તમ મનાય છે. ત્યારે આવો જાણીએ, કે આ દિવસે કયા સરળ ઉપાયો અજમાવીને તમે સવિશેષ લાભની પ્રાપ્તિ કરી શકો છો.

સમસ્યાઓથી મુક્તિ અર્થે

એક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્‍મીની સાથે ભગવાન ગણેશની પણ પૂજા જરૂરથી કરવી જોઈએ. કહે છે કે તેમ કરવાથી વ્યક્તિની દરેક પ્રકારની સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. તેમજ તેના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.

દાંપત્યજીવનમાં ખુશહાલી અર્થે

અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્‍મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે માતા લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દાંપત્યજીવનમાં ખુશહાલી આવે છે. સાથે જ માતા લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થવાને લીધે જીવનમાં ક્યારેય ધન, વૈભવની અછત નથી સર્જાતી.

તીર્થસ્થાનના પુણ્યની પ્રાપ્તિ !

અખાત્રીજના દિવસે જળ ભરેલ કળશનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટે એક કળશ લઇને તેમાં સ્વચ્છ જળ ભરો. ત્યારબાદ તેમાં થોડું ગંગાજળ ઉમેરી દો. પછી કોઈ બ્રાહ્મણને તે કળશનું દાન કરી દો. માન્યતા અનુસાર આ એક કાર્ય કરવા માત્રથી વ્યક્તિને દરેક તીર્થમાં દર્શને ગયાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે !

કારકિર્દીમાં પ્રગતિ અર્થે

જો તમે કારકિર્દીમાં સફળતાના શિખર સર કરવા માંગતા હોવ તો આપે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુને ચંદનના ટુકડા અર્પણ કરવા જોઇએ. તેમજ તેમના આશીર્વાદ મેળવવા જોઇએ. આ ઉપાય કરવાથી વ્યક્તિની કારકિર્દીને વેગ મળે છે. અને તે તેના જીવનમાં ઝડપથી સફળતાના શિખર પર પહોંચે છે.

‘જવ’ના દાનનો મહિમા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયાના દિવસે જવનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે જવનું દાન કરવું એ સુવર્ણનું દાન કરવા સમાન ફળદાયી બની રહે છે. સાથે જ આ દિવસે જવનું દાન કરવાથી વ્યક્તિને માતા લક્ષ્‍મીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. તેમજ પરિવારની ધન સંપત્તિમાં પણ વૃદ્ધિ થાય છે.

પિતૃઓ માટે કરો ઘટદાન

અખાત્રીજના અવસરે ખરીદીનો તેમજ દાનપુણ્ય કરવાનો તો મહિમા છે જ. આ સાથે જ આ દિવસે પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરવાનું પણ આગવું જ મહત્વ છે. કહે છે કે ખાસ તો આ દિવસે પિતૃઓને ઘટ દાન એટલે કે જળ ભરેલ માટીના પાત્રનું દાન કરવું જોઈએ. ગરમીની ઋતુમાં પાણી ભરેલ પાત્રનું દાન કરવાથી પિતૃઓને શીતળતા પ્રાપ્ત થાય છે અને તેમના આશીર્વાદ સદૈવને માટે આપની ઉપર અકબંધ રહે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles