વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજની તિથિને આપણે અખાત્રીજ તરીકે ઉજવીએ છે. આ તિથિ અક્ષય ફળ પ્રદાન કરનારી મનાય છે અને એટલે જ આપણે તેને અક્ષય તૃતીયાના નામે ઓળખીએ છીએ. આ વખતે 22 એપ્રિલ, શનિવારે સમગ્ર દેશમાં અક્ષય તૃતીયાની ખરીદી તેમજ પૂજા કરવામાં આવશે. આમ તો અખાત્રીજે માતા લક્ષ્મીના પૂજનની અને સોનું ખરીદવાની પરંપરા છે.
પરંતુ, આજકાલ સોનાના ભાવ જ કંઈક એવાં છે કે તેની ખરીદી જ અશક્ય બની જાય. ત્યારે જે લોકો સોનું ખરીદી શકે તેમ નથી, તે લોકો માત્ર 5 ₹ નો એક ઉપાય અજમાવીને પણ શ્રેષ્ઠ લાભની પ્રાપ્તિ કરી શકે છે. ત્યારે આવો, આપને જણાવીએ કે આ ઉપાય શું છે ? અને તમારા ભાગ્યને બદલવામાં તે કેવી રીતે મદદરૂપ બનશે ?
‘જવ’ની કરો ખરીદી !
પ્રચલિત માન્યતા અનુસાર જો તમે અક્ષય તૃતીયાએ સોનું ખરીદીને ઘરમાં લાવો છો, તો તેનાથી ઘરમાં કાયમ માટે માતા લક્ષ્મીનો નિવાસ સ્થિર થઈ જાય છે. કારણ કે, આ દિવસની ખરીદી અક્ષય મનાય છે. એટલે કે, સુવર્ણની ખરીદીથી ઘરમાં વધુ સુવર્ણનું આગમન થાય તેવાં યોગ બને છે. પરંતુ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આપ અક્ષય તૃતીયાના દિવસે સુવર્ણની ખરીદી નથી કરી શકતા, તો માત્ર 5 ₹ના જવ ખરીદી લો. અને તેનાથી જ માતા લક્ષ્મીની પૂજા કરો. વાસ્તવમાં જવને સૃષ્ટિનું સૌથી પહેલું અન્ન માનવમાં આવે છે. જવ એક સંપૂર્ણ અન્ન મનાય છે. કહે છે કે બ્રહ્મદેવે જ્યારે સૃષ્ટિની રચના કરી હતી ત્યારે સૌપ્રથમ જવની જ ઉત્પત્તિ થઇ હતી. સાથે જ જવને ભગવાન વિષ્ણુનું પ્રતિક પણ માનવામાં આવે છે. એ જ કારણ છે કે પૂજા પાઠ અને હવનમાં જવને ખાસ સ્થાન પ્રાપ્ત થયું છે.
જવથી મેળવો માતા લક્ષ્મીની કૃપા !
⦁ જ્યોતિષાચાર્યોના જણાવ્યાનુસાર તમે અક્ષય તૃતીયાના શુભ દિવસે શુભ મુહૂર્તમાં જ્યારે માતા લક્ષ્મીની પૂજા કરો, ત્યારે જવનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.
⦁ કહે છે કે જવ દ્વારા માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમની સવિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. વ્યક્તિને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.
⦁ જવને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે. એટલે તમે જ્યારે દેવીને જવ અર્પણ કરો છો, ત્યારે જવ સ્વરૂપે શ્રીહરિની પણ આરાધના કરો છો !
⦁ માન્યતા અનુસાર આ રીતે માતા લક્ષ્મીની આરાધના કરવાથી જીવનમાં ધન, સંપત્તિ, સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. વ્યક્તિને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે !
⦁ અક્ષય તૃતીયાએ પૂજા સમયે શ્રીયંત્ર અને કુબેર યંત્રની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર તેનાથી પણ વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
⦁ અક્ષય તૃતીયાએ માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો વિશેષ ફળદાયી સાબિત થાય છે. માતા લક્ષ્મીના મહામંત્ર “ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મી નમઃ” નો આ દિવસે જરૂરથી જાપ કરવો જોઈએ.
ધનલાભ અર્થે
એક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાએ જો તમે 5 ₹ ના સિક્કાને ભગવાન વિષ્ણુની સમક્ષ અર્પિત કરી દો છો, તો તેનાથી આપને ધનલાભના સંકેત મળે છે. આ માટે 5 ₹ ના 5 સિક્કા લો. આ સિક્કાને ભગવાન વિષ્ણુ સમક્ષ મૂકીને તેમના મંત્ર “ૐ વૈષ્ણવે નમઃ”નો 11 વખત જાપ કરો. જાપ બાદ એક એક કરીને સિક્કો પ્રભુને અર્પણ કરો. ત્યારબાદ આ સિક્કાઓને મંદિરમાં રાખી દેવો.
આર્થિક સંકડામણથી મુક્તિ અર્થે
અક્ષય તૃતીયા પહેલાં એક પીળા રંગનું વસ્ત્ર લો. તેમાં 5 ₹ નો સિક્કો મૂકીને તેને ઘરની પૂર્વ દિશામાં બાંધીને રાખો. પછી અક્ષય તૃતીયાના દિવસે આ 5 રૂપિયાના સિક્કાની પૂજા કરો. ત્યારબાદ તેને માતા લક્ષ્મી કે પછી ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને અર્પણ કરી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે. એટલું જ નહીં, ક્યાંક અટવાઈ ગયેલા નાણાં પણ પરત મળે છે.
વૈભવતાનું આગમન
અક્ષય તૃતીયાના દિવસે 5 ₹ નો સિક્કો લઇને તેને ચંદનનું તિલક લગાવીને પૂર્ણ શ્રદ્ધાભાવ સાથે શ્રીકૃષ્ણને અર્પણ કરવો જોઈએ. કહે છે કે તેના દ્વારા જીવનમાં વૈભવતાનું આગમન થાય છે.
વિશેષ ઉપાય
અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં તુલસીના છોડમાં 5 ₹ નો સિક્કો દાટી દેવો જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ધનના આગમનમાં અડચણ સર્જતા તમામ દોષ દૂર થાય છે. તેમજ ઘરમાં આર્થિક ઉન્નતિના માર્ગ ખૂલી જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)