સનાતન ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ છે. કારકિર્દી અને વ્યવસાયથી લઇને ઘરના નિર્માણ અને પ્રવેશ સુધીની દરેક વસ્તુમાં વાસ્તુના નિયમોનું પાલન કરવામાં આવે છે. જો વાસ્તુના નિયમોનું પાલન ન કરી શકો તો ઘરમાં ધનની અછત સર્જાવા લાગે છે. સાથે જ આવકના સ્ત્રોત પણ ઘટવા લાગે છે અને ખર્ચામાં વૃદ્ધિ થવા લાગે છે.
જો આપ પણ આર્થિક તંગીથી પરેશાન છો, તો તેનું એક કારણ વાસ્તુદોષ હોઇ શકે છે ! આ સંજોગોમાં વાસ્તુદોષને દૂર કરવાના ઉપાયો અજમાવવા અત્યંત જરૂરી બની જાય છે. ત્યારે આવો, આજે કેટલીક એવી બાબતો વિશે જાણીએ કે જેનાથી અજાણતા જ આપણે વાસ્તુદોષ સર્જી દઈએ છીએ. અને પછી તેને લીધે આપણે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
આર્થિક તંગીને દૂર કરશે વાસ્તુ ઉપાય !
⦁ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પાણીના નળ અને ટાંકીને ખુલ્લી રાખવી અથવા તો પાણીનો બગાડ કરવો અશુભ માનવામાં આવે છે. આવા ઘરમાં વાસ્તુદોષ લાગે છે ! વાસ્તુદોષને કારણે જ ઘરમાં નાણાં ટકતા નથી. સાથે જ ખર્ચા પણ વધે છે. એટલે, ઘરમાં પાણીના નળને બિનજરૂરી બિલકુલ પણ ખુલ્લો ન રાખવો જોઈએ.
⦁ વાસ્તુના જાણકારોના જણાવ્યા અનુસાર દરવાજા અને બારીઓને નિત્ય સાફ કરવી જોઇએ. ઘરના દરવાજા અને બારીઓનો ધન સાથે સીધો સંબંધ મનાય છે. એટલે જ, દરવાજા અને બારીઓને નિત્ય સ્વચ્છ રાખવી જરૂરી છે. તેને લીધે ઘરમાં ધનના આગમનના માર્ગ ખૂલી જાય છે.
⦁ ઘરમાં જ્યારે દક્ષિણ દિશામાં પૂજાઘર હોય તો પણ, ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો આપના ઘરમાં દક્ષિણ દિવાલ પર મંદિર બનેલું હોય તો તેને ઝડપથી બદલી દેજો. પૂજા માટે ઇશાન ખૂણો જ સાચી દિશા મનાય છે. સરળ ભાષામાં કહીએ તો ઉત્તર-પૂર્વ દિશામાં પૂજાઘર બનવવું જોઇએ.
⦁ જો આપ આર્થિક તંગીથી પરેશાન છો અને તેમાંથી છુટકારો મેળવવા ઇચ્છો છો તો ઘરના ઇશાન ખૂણાની સાફ સફાઇ પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. સરળ શબ્દોમાં કહીએ તો ઇશાન ખૂણો દેવતાઓની જગ્યા છે. એટલે, ત્યાં પવિત્રતા રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે.
⦁ વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે. સાથે જ આપની આર્થિક સમસ્યાનો પણ ઉકેલ મળે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)