વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનારો છોડ માનવામાં આવે છે. કહે છે કે આ મની પ્લાન્ટને જે ઘરમાં રોપવામાં આવે છે, તે ઘરમાં નાણાંના આગમનના દ્વાર ખૂલી જતા હોય છે. જેમ-જેમ આ છોડની વૃદ્ધિ થાય છે, તેમ-તેમ ઘરની સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થવા લાગે છે ! પણ, વાસ્તવમાં આ મની પ્લાન્ટ માત્ર સમૃદ્ધિની જ નહીં, અનેકવિધ લાભની પ્રાપ્તિ કરાવનારો મનાય છે.
તેની સકારાત્મક ઊર્જા તમને કાર્યમાં સફળતાની પ્રાપ્તિ પણ કરાવશે અને ક્યાંક અટવાઈ પડેલા તમારા નાણાં પણ પરત અપાવશે. ત્યારે આવો જાણીએ કે વિવિધ કામનાઓની પૂર્તિ અર્થે મની પ્લાન્ટના કયા ઉપાયો અજમાવવા ફળદાયી બની રહેશે.
સફળતાની પ્રાપ્તિ અર્થે
મની પ્લાન્ટ માત્ર સમૃદ્ધિની જ નહીં, પરંતુ, સફળતાની પણ પ્રાપ્તિ કરાવનારો છોડ મનાય છે. જો તમે પણ જીવનમાં સફળતાની પ્રાપ્તિ ઈચ્છતા હોવ તો ઘરની દક્ષિણ દિશામાં માટીમાં મની પ્લાન્ટ રોપવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી આપને કાર્યમાં ઝડપથી સફળતાની પ્રાપ્તિ થશે.
કામનાપૂર્તિ અર્થે
મની પ્લાન્ટ એ કામના પૂર્તિનો છોડ મનાય છે ! જો તમે તમારી કોઈ ખાસ મનશાની પૂર્તિ કરવા ઈચ્છતા હોવ તો એક વિશેષ ઉપાય અજમાવો. મની પ્લાન્ટમાં થોડું કાચું દૂધ ઉમેરીને તેની આગળ તમારી મનોકામના અભિવ્યક્ત કરો. પ્રચલિત માન્યતા અનુસાર આ ઉપાયથી આપની મનોકામનાની પૂર્તિ થશે.
નાણાં પરત મેળવવા માટે
ઘણીવાર કેટલાંક કારણોસર વ્યક્તિના નાણાં અટવાઈ પડતા હોય છે. અથવા તો કોઈને ઉધાર આપેલાં નાણાં પરત ન મળે તેવું પણ બનતું હોય છે. આ સંજોગોમાં સોમવારના દિવસે મની પ્લાન્ટ સંબંધી એક ખાસ ઉપાય અજમાવો જોઈએ. એક કાગળ ઉપર એ લોકોના નામ લખો કે જેમની પાસેથી તમારે પૈસા લેવાના હોય ! ત્યારબાદ તે કાગળને મની પ્લાન્ટના મૂળમાં મૂકી દો. આ ઉપાય થોડાં જ દિવસમાં અસર દેખાડશે. અને તમારા અટવાયેલા નાણાં પરત મળે તેવા યોગ સર્જાશે.
ધનની વૃદ્ધિ અર્થે
એક માન્યતા અનુસાર જો તમે મની પ્લાન્ટમાં જળ ઉમેરતી વખતે તેમાં થોડાં કાચા દૂધના ટીપા પણ ઉમેરી દો છો, તો તેનાથી આપના ઘરમાં ધનની વૃદ્ધિ થવા લાગે છે.
મની પ્લાન્ટને આધાર આપો !
મની પ્લાન્ટને તમારે કોઇ દોરી કે લાકડીના સહારે બાંધીને રાખવો જોઈએ. કહે છે કે આવું કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે તેમજ ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે.
શું રાખશો ધ્યાન ?
⦁ કેટલાંક લોકો એવું માને છે કે જો તમે ક્યાંકથી ચોરી કરીને મની પ્લાન્ટ લાવો છો અને તેને તમારા ઘરમાં રોપો છો તો તે ઝડપથી વિસ્તરે છે. અને તે વિસ્તરવાની સાથે જ વ્યક્તિને ધનલાભ પણ કરાવે છે. પરંતુ, આ માન્યતા ખોટી છે. હંમેશા એક વાત યાદ રાખો કે ક્યારેય પણ ક્યાંયથી પણ ચોરી કરીને મની પ્લાન્ટ ન લાવવો જોઈએ અને તેવો ચોરેલો મની પ્લાન્ટ ઉગાડવો પણ ન જોઈએ.
⦁ મની પ્લાન્ટને ક્યારેય કાચની બોટલમાં ન ઉગાડવો જોઈએ. તે શુભ નથી મનાતું.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)