fbpx
Saturday, October 26, 2024

ધન પ્રાપ્તિની આ રીત આજે જ અજમાવો, તિજોરી ક્યારેય ખાલી નહીં થાય!

આજે અક્ષય તૃતીયાનો રૂડો અવસર છે. વૈશાખ માસના સુદ પક્ષની આ ત્રીજની તિથિ અત્યંત ફળદાયી મનાય છે. એમાં પણ આજે અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, સૌભાગ્ય યોગ, ત્રિપુષ્કર યોગ અને આયુષ્યમાન યોગ બની રહ્યો છે. આ 6 શુભ સંયોગના લીધે આ તિથિ સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારી મનાઈ રહી છે.

મૂળે તો આ દિવસ ધનની પ્રાપ્તિ માટે અત્યંત ફળદાયી મનાય છે. ત્યારે આવો, આજે કેટલાંક એવાં ઉપાયો વિશે વાત કરીએ કે જેનો આજે પ્રયોગ કરવાથી આપના ઘરની તિજોરી સદૈવ છલોછલ રહેશે. આવો, તે વિશે વિગતે વાત કરીએ.

લક્ષ્‍મીનારાયણના એકસાથે આશીર્વાદ

અક્ષય તૃતીયા એ માતા લક્ષ્‍મીની પરમ કૃપાને પ્રાપ્ત કરાવનારો દિવસ છે. પરંતુ, આ દિવસે દેવી લક્ષ્‍મી અને નારાયણની એકસાથે પૂજા કરવામાં આવે તો દેવી વિશેષ પ્રસન્ન થાય છે. માતા લક્ષ્‍મીનું એક નામ વિષ્ણુપ્રિયા છે. અને તે તેમના પતિના પૂજનથી સવિશેષ પ્રસન્ન થાય છે, તેમજ ભક્તો પર કૃપાની વૃષ્ટિ કરે છે. એટલે આજે લક્ષ્‍મી પૂજન સમયે જ શ્રીહરિની પણ પૂજા કરો. બંન્નેની અલગ-અલગ પૂજા ન કરો. બંન્નેની એકસાથે પૂજા કરવાથી શ્રદ્ધાળુઓને પરમશાંતિ અને સુખની પ્રાપ્તિ થશે.

અક્ષય તૃતીયાની ઉપાસના વિધિ

⦁ આજે લક્ષ્‍મીનારાયણની કૃપાની પ્રાપ્તિ અર્થે સાધકે ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરવા અને પછી લક્ષ્‍મીનારાયણની એકસાથે પૂજા કરવી.

⦁ માતા લક્ષ્‍મીને આજે પૂજામાં ગુલાબનું પુષ્પ જરૂરથી અર્પણ કરવું.

⦁ મોતી કે સ્ફટિકની માળા લઈને આજે “હ્રીં ક એ ઇ લ હ્રીં હ સ ક હ લ હ્રીં સ ક લ હ્રીં “ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો.

⦁ ઉપરોક્ત મંત્ર જોતા જ અઘરો જણાય છે. પણ, આ અઘરો મંત્ર શ્રેષ્ઠતમ ફળની પ્રાપ્તિ કરાવનારો મનાય છે. છતાં જો આપ આ મંત્ર કરવા અસમર્થ હોવ તો માતા લક્ષ્‍મીના કોઈપણ સરળ મંત્રનો આસ્થા સાથે જાપ કરવો. એક આવો જ સરળ મંત્ર છે માતાનો બીજ મંત્ર. “ૐ શ્રીં શ્રીયે નમઃ ।”

⦁ અક્ષય તૃતીયાના દિવસે દાન-દક્ષિણા આપવાનું કાર્ય શુભ મનાય છે. કહે છે કે આજના દિવસનું દાન વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો, આજે કોઈ જરૂરિયાતમંદને દાન કરવું સવિશેષ ફળદાયી બની રહેશે.

વિશેષ ઉપાય

ઘણીવાર એવું બનતું હોય છે, કે વ્યક્તિને નોકરી-ધંધો તો સારો ચાલતો હોય છે, પણ તેમ છતાં ઘરમાં ધનનો અભાવ રહેતો હોય છે. આ સંજોગોમાં આ અભાવને દૂર કરવા ભગવાન ગણેશના સ્વરૂપને ઘરના મુખ્યદ્વાર પર લગાવવું જોઈએ. માન્યતા અનુસાર તેનાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થઇ જાય છે અને ધન સંબંધી સમસ્યાઓનો અંત આવે છે.

શું રાખશો ધ્યાન ?

⦁ આજે અક્ષય તૃતીયા અવસરે કોઈ વ્રત કરવાનું વિધાન તો નથી. પરંતુ, આ દિવસે લસણ, ડુંગળી, માસ મદિરાનું સેવન કરવું ન જોઈએ. માન્યતા અનુસાર તે અશુભદાયી બની રહે છે.

⦁ અક્ષય તૃતીયાનો અવસર એ અક્ષય ફળની પ્રાપ્તિ કરાવનારો દિવસ છે. ત્યારે આ દિવસે ભૂલથી પણ પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ કે સ્ટીલના વાસણની ખરીદી ન કરવી જોઈએ.

⦁ પ્રચલિત માન્યતા અનુસાર આજે ભૂલથી પણ કોઇને નાણાં ઉધાર ન આપવા જોઈએ. કહે છે કે જો તમે આજના દિવસે નાણાં ઉધાર આપો છો, તો દેવી લક્ષ્‍મી આપનાથી દૂર થઈ જાય છે !

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles