નવ ગ્રહોમાં મુખ્ય દેવતા એટલે સૂર્યદેવ. વાસ્તવમાં સૂર્યદેવ વિના સૃષ્ટિની કલ્પના જ શક્ય નથી. એ જ રીતે જ્યારે વ્યક્તિની કુંડળીમાં આ સૂર્યદેવનો સાથ ન મળી રહ્યો હોય, ત્યારે તેનું જીવન પણ અનેકવિધ મુશ્કેલીઓથી ઘેરાઈ જતું હોય છે. વ્યક્તિને સમાજમાં માન, સન્માનની પ્રાપ્તિ કરાવવામાં સૂર્યદેવની મુખ્ય ભૂમિકા રહેલી છે.
આપણાં જીવનમાં સૂર્યદેવની કૃપાનું ખૂબ મહત્વ છે. સૂર્યદેવની કૃપાથી જ વ્યક્તિને આજીવિકાના શ્રેષ્ઠ સાધનોની પ્રાપ્તિ થતી હોય છે તેમજ વ્યક્તિનું જીવન સમૃદ્ધિથી ભરેલું રહે છે. પણ, જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિનું જીવન અત્યંત દારુણતા અને મુશ્કેલીઓથી ભરાઈ જાય છે. આ સંજોગોમાં સૂર્યદોષને શાંત કરવા ખૂબ જ જરૂરી બની જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે તમે માત્ર સ્નાન અને દાન દ્વારા પણ સૂર્યદોષોથી મુક્તિ મેળવી શકો છો. આવો, આજે તે જ સંદર્ભમાં વાત કરીએ.
સ્નાન દ્વારા સૂર્યદેવની કૃપા !
⦁ જ્યારે જાતકની રાશિમાં સૂર્ય અનિષ્ટકારક હોય તો વ્યક્તિએ સ્નાન કરતી વખતે કેટલાંક ખાસ ઉપાયો અજમાવવા જોઈએ.
⦁ સ્નાન કરતી વખતે જળમાં ખસખસ, લાલ રંગના પુષ્પ અથવા તો કેસર ઉમેરી દેવું જોઈએ. અને પછી તે જળથી સ્નાન કરવું જોઈએ.
⦁ વાસ્તવમાં ખસખસ, લાલ રંગનું પુષ્પ કે કેસર આ તમામ વસ્તુઓ સૂર્યની કારક વસ્તુઓ માનવામાં આવે છે.
⦁ સૂર્યની કારક વસ્તુઓનો સ્નાનમાં ઉપયોગ કરવાથી તે વસ્તુઓના ગુણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. જેને લીધે વ્યક્તિના શરીરમાં સૂર્યના ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે !
⦁ જેમ-જેમ વ્યક્તિના દેહમાં સૂર્યના ગુણોમાં વૃદ્ધિ થવા લાગે છે, તેમ-તેમ વ્યક્તિ પર ધીમે-ધીમે સૂર્યનો અનિષ્ટ પ્રભાવ પણ ઓછો થવા લાગે છે.
સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન
⦁ જેમ સૂર્ય સંબંધિત વસ્તુઓથી સ્નાન કરવાનો મહિમા છે, તે જ રીતે સૂર્ય સંબંધિત વસ્તુઓના દાનનો પણ મહિમા છે. માન્યતા અનુસાર સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી સૂર્યદેવના અનિષ્ટ પ્રભાવથી બચી શકાય છે.
⦁ સૂર્યદોષમાંથી મુક્તિ અર્થે સૂર્યદેવની મનપસંદ વસ્તુઓ જેમ કે, તાંબુ, ગોળ, ઘઉં તેમજ મસૂરની દાળનું દાન કરવું જોઇએ.
⦁ તમે ઉપરોક્ત જણાવેલી કોઈપણ એક વસ્તુનું દાન કરી શકો છો. અથવા ઈચ્છો તો તમામ વસ્તુઓનું એકસાથે પણ દાન કરી શકો છો.
⦁ તમે તમારા સામર્થ્ય અનુસાર વસ્તુનું દાન કરી શકો છો. તેના તોલમાપને લઈને કોઈ નિયમ નથી.
⦁ સૂર્યદેવતા સંબંધિત વસ્તુઓનું દાન રવિવારના દિવસે અથવા તો સૂર્ય સંક્રાંતિના અવસરે કરવું સવિશેષ ફળદાયી બની રહે છે.
⦁ સૂર્ય ગ્રહણના દિવસે પણ સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી સવિશેષ ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.
⦁ યાદ રાખો, જો દાન કરવામાં આવતી વસ્તુઓને વ્યક્તિ પોતાના ધનથી જ ખરીદીને દાન કરે તો તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
⦁ જેના માટે દાન કરવામાં આવે છે, તે વ્યક્તિ જો નાની ઉંમરની હોય, અથવા તો કોઈ કારણસર જો તે પોતે વસ્તુ ખરીદી શકે તેમ ન હોય તો પરિવારની કોઈ નજીકની વ્યક્તિ તેના તરફથી દાન કરી શકે છે.
⦁ દાન કરનાર વ્યક્તિને સૂર્યનારાયણમાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઇએ. કહે છે કે જો આપની શ્રદ્ધા કે આસ્થામાં ઉણપ હશે તો આપને દાનના શુભ ફળની પ્રાપ્તિ નહીં થાય.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)