હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. દરેક વ્યક્તિ એવી ઇચ્છા રાખતી હોય છે કે તેના જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધાનો વાસ થાય. પ્રચલિત માન્યતા એવી છે કે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તે ઘરમાં કોઇપણ પ્રકારનું સંકટ કે કષ્ટ આવતું નથી. એટલે જ લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાય પ્રકારના જ્યોતિષી ઉપાયો અજમાવતા હોય છે.
તો, વાસ્તુશાસ્ત્રમાં પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના સરળ અને સચોટ ઉપાયો જણાવવામાં આવ્યા છે. પણ, કહે છે માતા લક્ષ્મીની પૂર્ણ કૃપા ત્યાં સુધી પ્રાપ્ત થતી નથી કે જ્યાં સુધી આપના ઘરમાં સ્થાપિત લક્ષ્મી પ્રતિમા યોગ્ય ન હોય ! આખરે, શું છે માતા લક્ષ્મીની પ્રતિમાને ઘરમાં રાખવાના નિયમ ? આવો, તે અંગે માહિતી મેળવીએ.
મૂર્તિ મહિમા
વાસ્તુ શાસ્ત્રના જાણકારો અનુસાર ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખવાથી ભક્તોને ધનની દેવી લક્ષ્મીની અવિરત કૃપાની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ, તેનાથી વિપરીત જો ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ લગાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં ન આવ્યું હોય તો વ્યક્તિને તેના ખરાબ પરિણામ પણ ભોગવવા પડી શકે છે ! અને એટલે જ ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીરની સ્થાપના કરતી વખતે કેટલાંક નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી બની જાય છે.
ઊભી પ્રતિમા ન રાખો !
વાસ્તુના જાણકારોના કહેવા અનુસાર માતા લક્ષ્મીની એવી મૂર્તિ ઘરમાં ક્યારેય ન લગાવવી કે જેમાં માતા લક્ષ્મી ઊભા હોય ! કહેવાય છે કે માતા લક્ષ્મી ઊભા હોય તેવી મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં માતા લક્ષ્મી વધુ સમય સુધી ટકી શકતા નથી ! એક માન્યતા અનુસાર તો આવી તસવીર કે પ્રતિમા ઘરમાં રાખવાથી જાતકને માતા લક્ષ્મીની પૂજાનું પૂર્ણ ફળ પણ પ્રાપ્ત થતું નથી.
દેવી લક્ષ્મી સાથે ઘુવડ ન હોવું જોઈએ !
એક મત અનુસાર માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં આવી પ્રતિમા કે તસવીર રાખવી વર્જીત છે. કહેવામાં આવે છે કે ઘરમાં માતા લક્ષ્મીની એવી પ્રતિમા કે તસવીર ક્યારેય ન રાખવી કે જેમાં તે ઘુવડ પર બિરાજમાન હોય. કારણ કે, દેવીનું આ રૂપ ચંચળ મનાય છે અને માન્યતા અનુસાર ચંચળ લક્ષ્મી ઘરમાં નિવાસ નથી કરતા !
આવી પ્રતિમા ભૂલથી પણ ન રાખો !
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં માતા લક્ષ્મીનું એવું રૂપ ભૂલથી પણ ન રાખવું જોઈએ કે જે મૂર્તિ કે ફોટામાં તિરાડ પડી હોય. માતાજીની પ્રતિમા ક્યારેય ખંડિત ન હોવી જોઈએ. એ જ રીતે માતાજીની તસવીર ફાટેલી કે તૂટેલી પણ ન હોવી જોઈએ. માન્યતા અનુસાર આવી પ્રતિમા કે તસવીર ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. સાથે જ ક્યારેય મૂર્તિને દિવાલથી સાથે ચોંટાડીને ન રાખવી જોઈએ. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવે છે કે ઘરમાં માતા લક્ષ્મીની એક કરતાં વધુ મૂર્તિ કે તસવીર પણ ન લગાવવી જોઈએ.
આ દિશામાં ન રાખો માતા લક્ષ્મીની મૂર્તિ
વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પૂજાઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ. વાસ્તવમાં દક્ષિણ દિશા એ પિતૃ અને યમની દિશા માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિશામાં માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર લગાવવાથી વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે ! એટલે, આ દિશામાં ભૂલથી પણ માતાની તસવીર ન લગાવવી જોઈએ.
મૂર્તિ રાખવાની સાચી દિશા
વાસ્તુ શાસ્ત્રના જાણકારોનું માનીએ તો જો માતા લક્ષ્મીની મૂર્તિ સાચી દિશામાં ન રાખવામાં આવે તો તેનું શુભ પરિણામ પ્રાપ્ત થતું નથી. એટલું જ નહીં, વ્યક્તિને ધન, ધાન્યની અછત પણ સર્જાઈ શકે છે. એટલે દેવી લક્ષ્મીની પ્રતિમાનું યોગ્ય દિશામાં હોવું ખૂબ જ જરૂરી મનાય છે. આ માટે મૂર્તિને હંમેશા ઉત્તર કે પછી ઇશાન ખૂણામાં રાખવી જ શુભ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)