વૈશાખ મહિનામાં વિનાયક ચતુર્થી એટલે કે ગણેશ ચોથ આવે છે. જેને વરદ ચતુર્થી પણ કહેવાય છે. આ દિવસે વ્રત કરવાથી દરેક તકલીફમાંથી મુક્તિ મળે છે. ગણેશજીના વ્રતના કારણે ધર્મ, અર્થ, મોક્ષ, વિદ્યા, ધન અને આરોગ્ય મળે છે. આ દિવસે ગણેશજીના સિદ્ધિવિનાયક રૂપની પૂજા કરવાથી નોકરી અને વેપારમાં આવતી સમસ્યાઓનું નિવારણ થતું હોવાની પણ માન્યતા છે.
સુખ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે મહિલાઓ વિનાયક ચતુર્થીના પવિત્ર દિવસે વ્રત કરે છે. ગણેશ ચોથની પૂજા સામાન્ય રીતે બપોરે કરવામાં આવે છે. અહીં વિનાયક ચતુર્થીની તારીખ અને પૂજા વિધિ સહિતની માહિતી આપવામાં આવી છે.
વૈશાખ મહિનાની ચતુર્થી તિથિ ગણેશજીની જન્મ તિથિ માનવામાં આવે છે. જેથી આ દિવસે વિનાયકની પૂજા કરવામાં આવતી હોય છે. શ્રદ્ધાથી પૂજા-અર્ચના કરતા ભક્તોની બૌધિક ક્ષમતા તેજ થઈ જાય છે અને કાર્યમાં આવતા બધા જ પડકારો વિઘ્નહર્તા દૂર કરે છે.
વૈશાખ વિનાયક ચતુર્થીના મુહૂર્ત
વૈશાખ મહિનાના શુક્લપક્ષની ત્રીજી તિથિની શરૂઆત 23 એપ્રિલને સવારે 7:47 મિનિટથી થશે અને ત્યારબાદના દિવસ 24 એપ્રિલ સવારે 8:24 મિનિટે પૂર્ણ થશે. આ દિવસે સવારે 11:07થી બપોરે 1:43 સુધી વિઘ્નહર્તાની પૂજાનું મુહૂર્ત છે.
ભદ્રાનો ઓછાયો
વૈશાખ વિનાયક ચતુર્થી પર ભદ્રાનો છાયો રહેશે. ભદ્રાનો આરંભ તારીખ 23ને સવારે 8:01થી તારીખ 24ને સવારે 8:24 સુધી રહેશે. આ દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરવાનો છે. જેથી ભદ્રાનું નિવાસ સ્વર્ગલોકમાં રહેશે. સ્વર્ગલોકમાં ભદ્રાની ઉપસ્થિતિના કારણે અશુભ પ્રભાવો નહીં પડે. આ ઉપરાંત ગણપતિની પૂજાના કારણે પણ ભદ્રાની કોઈ અસર નહીં થાય.
વિનાયક ચતુર્થીની પૂજા વિધી
ગણેશજીને બુદ્ધિના સ્વામી કહેવામાં આવે છે. તેઓની કૃપા મેળવનાર વ્યક્તિની બુદ્ધિ તેજ થઈ જાય છે. ત્યારે તેમના આશીર્વાદ પામવા માટે વિનાયક ચતુર્થીના દિવસે તેમને દુર્વા ચઢાવવા જોઈએ.
આ ઉપરાંત ગણેશ મંદિરમાં જઈને 21 લાડવાનો પ્રસાદ ધરાવો. ગરીબોમાં અનાજનું વિતરણ કરો. આ દિવસે ગણેશજીને સિંદુર ચઢાવવાનો મહિમા છે. સિંદુર ચઢાવવાથી ગણપતિ જલ્દી પ્રસન્ન થાય છે. તમામ વિઘ્નોનું નિવારણ આવે છે.
જેની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેવી સ્થિતિમાં નોકરી અને બિઝનેસમાં પડકારો આવતા હોવાનું માનવામાં આવે છે. જેથી વિનાયક ચતુર્થીએ ગણેશજીને 5, 11 અથવા 21 દુર્વા અર્પણ કરવામાં આવે તો બુધ ગ્રહ મજબૂત થઈ જાય છે અને વિઘ્ન દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સૂચનો અને માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાંતનો સંપર્ક કરો.)