fbpx
Tuesday, December 24, 2024

શ્રી ગણેશના આ 12 નામો પૂરી કરશે વિવિધ મનોકામનાઓ! જાણો, ફળદાયી નામનો જાપ કેવી રીતે કરવો?

શ્રીગણેશજીને વિધ્નહર્તા કહેવામાં આવે છે. તે વિઘ્નોને હરનારા દેવ છે અને એટલે જ કોઇપણ કાર્યની શરૂઆત કરતાં પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશ જ દેવતાઓમાં પ્રથમ પૂજનીય દેવ મનાય છે. કહે છે કે ગણપતિની પૂજા કરવાથી મનુષ્યના દુઃખોનો નાશ થાય છે અને તેને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પણ, જાણો છો શ્રીગણેશ તેમના 12 નામના જાપથી સવિશેષ પ્રસન્ન થાય છે ?

એટલું જ નહીં, માન્યતા અનુસાર જે વ્યક્તિ આ 12 નામના જાપ કરે છે, તેના અનેક મનોરથોને શ્રીગણેશ સિદ્ધ કરી લે છે. આવો, આજે તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.

12 નામથી મેળવો ગણેશકૃપા

(1) ૐ સુમુખાય નમઃ, (2) ૐ એકદંતાય નમઃ (3) ૐ કપિલાય નમઃ
(4) ૐ ગજકર્ણાય નમઃ (5) ૐ લંબોદરાય નમઃ (6) ૐ વિકટાય નમઃ
(7) ૐ વિધ્નનાશાય નમઃ (8) ૐ વિનાયકાય નમઃ (9) ૐ ધૂમ્રકેતવે નમઃ
(10) ૐ ગણાધ્યક્ષાય નમઃ (11) ૐ ભાલચંદ્રાય નમઃ (12) ૐ ગજાનનાય નમઃ

12 નામના જાપની વિધિ

વાસ્તવમાં શ્રીગણેશના આ 12 નામનો ઉલ્લેખ નારદપુરાણમાં મળે છે. તેમાં ઉલ્લેખ છે તે અનુસાર જાતકે શ્રીગણેશને સિંદૂર અર્પણ કરીને આ 12 નામનો જાપ કરવો જોઈએ. કહે છે કે તેનાથી વ્યક્તિને દરેક કાર્યમાં સિદ્ધિની એટલે કે સફળતાની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, આ નામના જાપથી વ્યક્તિની નીચે અનુસારની અનેકવિધ કામનાઓ પણ સિદ્ધ થઈ જાય છે.

વિદ્યાની પ્રાપ્તિ

ભગવાન ગણેશને વિદ્યા અને બુદ્ધિના કારક માનવામાં આવે છે. તેમના સર્વ પ્રથમ આશીર્વાદ જ વિદ્યાના રૂપમાં વ્યક્તિને પ્રાપ્ત થાય છે. પ્રચલિત માન્યતા અનુસાર જે બાળક આ 12 નામનો નિત્ય જાપ કરે છે, તેની યાદશક્તિ ખૂબ જ તીવ્ર બની જાય છે. બાળક અત્યંત મેઘાવી બને છે અને તેને વિદ્યાના શુભાશિષની પ્રાપ્તિ થાય છે.

ધનની પ્રાપ્તિ

ભગવાન ગણેશજીને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. રિદ્ધિ અને સિદ્ધિ તેમના પત્ની છે અને તે સદૈવ તેમની સેવામાં રહે છે. માન્યતા અનુસાર જે જાતક ગણેશજીના 12 નામનો જાપ કરે છે, તેના પર ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. ત્યારબાદ તે વ્યક્તિને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થતા વાર નથી લાગતી. શ્રીગણેશના આશિષથી વ્યક્તિની દરિદ્રતા દૂર થાય છે અને તેના ધનના ભંડાર ભરેલા રહે છે.

સંતાનની પ્રાપ્તિ

જે દંપતીની સંતાનની કામના અપૂર્ણ હોય તેમણે ગણેશજીનું શરણું જરૂરથી લેવું જોઈએ. પ્રચલિત માન્યતા અનુસાર દંપતીએ સવારે અને સાંજે ગણેશજી સમક્ષ બેસીને તેમના 12 નામનો જાપ કરવો જોઈએ. યાદ રાખો, આ જાપ પતિ-પત્નીએ એકસાથે કરવાના છે. કહે છે કે આ ઉપાયથી ગણેશજી પોતાના ભક્તોના દરેક સંકટને દૂર કરે છે અને તેમની ઝોળીમાં ખુશીઓ ભરી દે છે.

મોક્ષની પ્રાપ્તિ

એક માન્યતા અનુસાર ગણેશજીની આરાધના કરવાથી મનુષ્યને તમામ પાપકર્મથી મુક્તિ મળી જાય છે. વ્યક્તિ જીવતે જીવ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ કરવા લાગે છે અને અંતે તે મોક્ષની પ્રાપ્તિ કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles